Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

એકોક્તિ : કૈકેયી

આખું અયોધ્યા હરખને હિલોળે ચડ્યું છે. આવતી કાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. રમે ભલે ને મારી કુખે જન્મ લીધો નથી તો પણ એમારા ભરત જેટલા જ મને વહાલા છે; પણ મારી વડારણ મંથરા છે ને? ખબર નહિ, એ કેમ દાઢમાંબોલતી હતી? મારા આનંદની તેને અદેખાઇ આવતી હશે? ના રે ના, એમ તો હું માનતી નથી. અરે, ગાંડી છે એ તો…મને કે’તી’તી કે દશરથ રાજા પાસે તમારે બે વરદાન માગવાનાં બાકી છે તે આજે મોકો છે..માંગી લો..
લે, કર વાત..અલી, મને કઇ વાતની ખોટ છે કે હવે હું એવાં વચનો માગતી ફરું? પણ પછી થયું, “જીવ,મંથરા તો
મારાં મહિયરથી હારે આવી છે ને?” એટલે મેં વચનો માગ્યાં ય ખરાં….
મને ખબર છે, રાજાને એ ગમ્યું નહોતું. આખરે બાપનું દિલ છે ને? તેની તો હિંમત જ નહોતી એટલે રામને
બોલાવીને મેં જ માંડીને વાત કરી. બચાડા રામે તો એ આગ્ના માથે ચડાવી અને સીતા તથા લક્ષ્મણની સાથે એ
ચૌદ વર્ષના વનવાસ માટે રવાના થયા…
મને હતું, ભરત મોસાળેથી આવતાંવેંત ખુશ થઇ જશે..હું રાજમાતા બની જઇશ…પણ હાય નસીબ..એ તો બે વેંત
છેટું જ રહ્યું. ભરતે આવીને મારું અપમાન કર્યું..રાજમહેલમાં મારું તો જીવવું દોહ્યલું બની ગયું…મને ખબર પડી કે
ભરત તો રામને મળવા વનમાં ગયો હતો…આનું નામ તકદીર..નસીબમાં રાજયોગ ન હોય તો એ સુખ ક્યાંથી
મળવાનું હતું? મેં ધાર્યું’તું શું ને શું થઇ ગયું?ભલે રામે ભરતને સમજાવીને પોતાની ચરણ્પાદુકા તેને સોંપી અને
ભરતે રામ પાછા ન ફર્યા ત્યાં સુધી અવધના સિહાસને ચરણપાદુકા પધરાવીને રામ વતી રાજ કર્યું… ઇ બધું તો
બરાબર પણ ઇતિહાસને પાને તો હું જ ખરાબ ચિતરાઇ ને? કુશી અને સુમિ પણ મારાથી મોં ચડાવીને બેઠાં છે.
મહારાજે તો સ્વર્ગારોહણ કર્યું..હું તો આ ભર્યા ભાદર્યા સંસારમાં ય સાવ એકલી અટૂલી રહી ગઇ….હશે, બાપલા, પૂર્વ જ્ન્મના કર્મોનું જ એ ફ્ળ હશે એમ માનું છું. મનોમન મને એટલો સંતોષ છે કે હું હતી એટલે
મંથરા આવી અને તેને પગલે રામાયણ સર્જાયું…રામાયણ વિના અમને – રામ, લક્ષ્મ્ણ, જાનકી,હનુમાન, ભરત,
શત્રુઘ્ન વગેરે પાત્રોને કોણ ઓળખી શક્યું હોત?
*******************

સમી સાંજનો સૂર્યોદય

                                     સમી સાંજનો  સૂર્યોદય

                                                               કલ્પના  સ્વાદિયા

   મુંબઇમાં  બોરીવલી (પશ્ચિમ) માં   લોકમાન્ય ટિળક રોડ પર આવેલો વીર સાવરકર ઉદ્યાન છેલ્લાં પાંચ વર્ષોથી વરિષ્ઠ નાગરિકો માટે  સંસ્કાર-તીર્થ બની  ચૂક્યો  છે. અહિંના શિક્ષણપ્રેમી સમાજસેવક શ્રી વિનુભાઇ વળીયાએ  પોતાનાં સદગત પત્ની પુષ્પાબેનની  સ્મ્રુતિમાં  પુષ્પા મા   ફાઉન્ડેશનની સ્થાપના કરી અને આ વિશાળ  ઉદ્યાનમાં  વરિષ્ઠ  નાગરિકોના લાભાર્થે  દાદા દાદી પાર્કની  સમાજોપયોગી  પ્રવ્રુત્તિના શ્રીગણેશ  કર્યા. આજે  એ  સ્થાન  સાચા  અર્થમાં  લોકોનો  વિસામો  બની  ચૂક્યું  છે.

   બોરીવલીમાં  આમ તો જ્યેષ્ઠ  નાગરિકો  માટે  સાધારણ પ્રવ્રુત્તિઓ  કરતી  ઘણી  સંસ્થાઓ ચાલે  છે પણ  દાદા દાદી  પાર્કની  તોલે  એ  ન  આવે. માત્ર પાંચ  છ  સભ્યોનાં  નામ લખીને   શરૂ કરાયેલા  આ  પાર્ક્નું  નામ  જોતજોતામાં  ચારે  દિશામાં  ગાજવા  લાગ્યું. આજે  તેની  ત્રણ  શાખાઓના  સભ્યોની કુલ  સંખ્યા  સાડા  છ હજારનો આંક  વટાવી   ગઇ  છે .

   એક  નાનકડાં  બીજમાંથી  વટવ્રુક્ષ  જેવી  પાંગરેલી  આ  સંસ્થામાં  નાતજાત, ધર્મ કે  કોમના  ભેદભાવ  વિના સભ્ય  બની  શકાય . છે  સભ્યે  ખાસ  પ્રકારના  લેમિનેટેડ   રંગીન  ઓળખપત્ર માટે એક જ વાર એક સો બે રુપિયા ભરવા  પડે  છે. એ કાર્ડ  પાર્કમાં  તેની  હાજરી  હોય  ત્યારે  અથવા  અન્યત્ર  પાર્કના  કાર્યક્રમોમાં ,હાજર રહેતી  વખતે પહેરી  રાખવું  પડે છે. તેમાં સભ્યનું  નામ, ઉમર, સરનામું, ટેલિફોન નંબર,જન્મતારીખ, લોહીનું  ગ્રુપ વગેરે  માહિતી  સંકલિત  કરાયેલી  હોય  છે.

    મુંબઇ જેવાં  મહાનગરનાં  અતિ વ્યસ્ત  જીવનને  ધ્યાનમાં  રાખીને  દાદા  દાદી પાર્કનો સમય  સવાર-સાંજનો રાખવામાં  આવ્યો  છે.  સભ્યો  વિશાળ ઉદ્યાનમાં  હળવો વ્યાયામ અને  યોગાભ્યાસ  કરી  શકે  છે. રવિવારે  અને જાહેર  રજાના  દિવસે  પાર્ક  બંધ  રહે  છે.  પાર્કમાં  સભ્યો  માટે  હિંચકા  પણ  છે. સભ્યોએ  કોમ્પ્યુટર દ્વારા  હાજરી  પૂરાવવી પડે  છે. સામાન્ય  રીતે  મહિનામાં  સાઠ  ટકા   હાજરી  આપવી  પડે  છે.  તેઓને  પસંદગી  પ્રમાણે વિના  મૂલ્યે  ગરમ ચા, કોફી, દૂધ અથવા  ટમેટાં  સૂપ આપવામાં  આવે  છે. સભ્યો માટે એક ટી.વી. છે જેના ઉપર તેઓ  સમાચાર, ક્રિકેટ મેચ. વગેરે  નિહાળી  શકે  છે.

     સભ્યો  માટે સુસજ્જ પુસ્તકાલય  પણ  છે, ત્યાંથી તેઓ  પુસ્તકો   તેમજ  “અખંડ આનંદ”, “કુમાર”, “નવનીત સમર્પણ”, ગ્રુહશોભા  તેમજ  ચિત્રલેખા જેવાં  સામયિકો વાંચવા  લઇ  જાય  છે. પુસ્તક બે સપ્તાહ માટે  અને  મેગેઝિન   એક  અઠવાડિયા  માટે  અપાય છે. આ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને  અંગ્રેજી  છાપાં પણ  વાંચી શકાય  છે.  સભ્યોની  સર્જક પ્રતિભાને પ્રોત્સાહન  આપવા  “કોશિશ” નામનો  વાર્ષિક  અંક પણ  બહાર  પાડવામાં  આવે  છે.

તેમાં પ્રવ્રુત્તિઓ ના   સચિત્ર અહેવાલ  અને સભ્યોની  મૌલિક  ક્રુતિઓ  સમાવી  લેવામાં  આવે  છે બાહોશ સંપાદકોની  ટીમ દ્વારા  તૈયાર  થતો  આ અંક  અગ્રગણ્ય  વ્યાવસાયિક  પ્રકાશનની તોલે  આવે  એવો  હોય  છે. સંસ્થાની તમામ પ્રવ્રુત્તિઓને  નિયમિત  રીતે  કેમેરામાં  કંડારી રાખવાની  અને  તેને  વ્યવસ્થિત  રાખવાની  સગવડ પણ  છે. નવા જમાનાની જરૂરિયાત મુજબ સભ્યોને કોમ્પ્યુટર અને  ઇન્ટરનેટથી પરિચિત કરાવવા  તેઓને  નિ:શુલ્ક શિક્ષણ અપાય છે. આપણી  માત્રુભાષાની ઉપેક્ષા કરવી આપણને પાલવે નહિ. ભાષા સ્વચ્છ અક્ષરોમાં  અને  શુધ્ધ  લખાય એ આવશ્યક છે. સાથોસાથ તેના  શબ્દપ્રયોગો, કહેવતોઅને  સાહિત્યથી  માહિતગાર  થવું પણ  એટલું  જ  જરૂરી  છે. આથી પાર્કના  સભ્યોને  ગમ્મત  સાથે  જ્ઞાન  મળે એવા  ખાસ  કાર્યક્રમો ભાષા-નિષ્ણાતના  માર્ગદર્શન  હેઠળ યોજવામાં આવે  છે. મુંબઇની  સ્થાનિક  ભાષા મરાઠી ઉપર  પણ  ધ્યાન  આપવામાં  આવે  છે.

   સભ્યો ક્રિકેટ,ચેસ અને  કેરમ રમે છે. બહેનો પણ  કેરમમાં  પારંગત  છે. વરિષ્ઠ  નાગરિકોને ક્રિકેટ રમતા અને  સેંચુરી ફટકારતા  જોવા  એ  પણ  જીવનનો લ્હાવો  છે. બોરીવલીના  કેટલાક  વેપારીઓ પાર્કના સભ્યોને કાર્ડ બતાવવાથી અમુક ટકાનું  વળતર  આપે  છે. સ્થાનિક  અખબારો પણ  પાર્કની  પ્રવ્રુત્તિઓને સારી પ્રસિદ્ધિ  આપે  છે. પત્રકારો પણ અવારનવાર  મુલાકાતો  લેતા રહે  છે. ગયે  વર્ષે  મુંબઇમાં  યોજાયેલી  મેરેથોન દોડમાં ઓછા સમયમાં સૌથી વધુ અંતર  કાપનારા  પાર્કના  એક  સભ્યનું  ઠેર ઠેર જાહેર  સન્માન કરવામાં  આવ્યું  હતું.

    સભ્યોને  થતી  નાની  મોટી  શારીરિક તકલીફમાં  રાહત  અને  સારવાર  આપવા  માટે  હાડકાંના  સર્જન , જનરલ  ફિઝિશ્યન,આંખના  દાક્તર તેમજ  હોમિયોપેથિક અને આયુર્વેદિક નિષ્ણાતો નિ:શુલ્ક  સેવા  આપતા રહે  છે. જેઓ  એક્યુપ્રેશરનાં  પોઇંટસ આપી  શકતા  હોય  એવા સભ્યો  પોતાના સાથીઓને  નિ:શુલ્ક મદદ કરતા રહે  છે. આર્થાઇટીસ  જેવા રોગ  સામે  લોકજાગ્રુતિ ફેલાવવા ડિગ્નીટી  ફાઉન્ડેશન  દ્વારા  યોજાતા મેરેથોન  વોક્માં  સભ્યો વિશાળ સંખ્યામાં  ભાગ  લે   છે.

   સ્થાનિક નગર સેવકો અને  મેયર, ધારાસભ્યો  અને  સંસદ સભ્યો, કેંદ્રિય પ્રધાનો , પોલિસ  અધિકારીઓ , જાણીતા

ધારાશાસ્ત્રીઓ, ઇન્ક્મટેક્ષ્ના સલાહકારો  તેમજ  શહેરના અગ્રગણ્ય તબીબો અવારનવાર આવતા  રહે  છે. એ ઉપરાંત જૈન મુનિઓ અને અન્ય  કથાકારોનાં  પ્વચનો  પણ યોજાય છે. સૌરાષ્ટ્રનાં  લોક્ગીતોનો  ડાયરો યોજાય ત્યારે

  ઉદ્યાનનું  વિશાળ  મેદાન  હક્ડેઠઠ ભરાઇ   જતું  હોય  છે.    આ ઉપરાંત  ટી.વી.ની  લોકપ્રિય  સિરિયલોના કલાકારો  પણ  આવીને  મનોરંજન  કરાવે  છે. એ  સિવાય  સુગમ સંગીતના  અને  વેલેન્ટાઇન ડે જેવા કાર્યક્રમોમાં પણ  સભ્યો  હોંશે  હોંશે  ભાગ લે  છે. 

     દશેરાની  સવારે  સભ્યો પાર્કમાં  ફાફડા  જલેબીની  જયાફત  માણે છે. નવરાત્રીમાં ગરબા  હરીફાઇમાં ખેલૈયાઓને  પરંપરાગત  વેશભૂષામાં  ઝૂમતા જોઇને  ભાગ્યે જ કોઇને  ખ્યાલ  આવે  કે  આ  બધા  સિનિયર્સ  છે.

નવેમ્બર કે ડિસેમ્બરમાં યોજાતા  વાર્ષિકોત્સવમાં  “કોશિશ”નું   લોકાર્પણ  થાય  છે.  સભ્યો  આકર્ષક ફેશનપરેડ અને મનોરંજન  કાર્યક્રમ  રજૂ  કરે  છે.

      દર  મહિને  બસો  અઢી  સો  સભ્યોના  જન્મદિવસ  સામૂહિક રીતે ઉજવાય  છે. હાજર  રહેલા  સભ્યોમાંથી  સૌથી મોટી  ઉમરનાં દાદા દાદીને હાથે  કેક  કપાય અને ત્યાર પછી દરેકને ગુલાબનું  ફૂલ  અને ગ્રીટિંગ કાર્ડ અપાય  છે. સભ્યોને  રાહતના  દરે  ગુજરાતી નાટકો  અને હિન્દી  ફિલ્મો  બતાવવામાં  આવે  છે. બહેનો  અંતાક્ષરી અને રમતો રમે  અને ભજનોની  રમઝટ  બોલાવે   છે. અનુકૂળતા પ્રમાણે સભ્યોને   ધાર્મિક સ્થળોનાં  દર્શને  લઇ જવામાં આવે  છે.

     આવી વૈવિધ્યસભર  લોકોપયોગી પ્રવ્રુત્તિઓનું  વ્યાપક  ફલક ધરાવતી  આ સંસ્થા  ગિનિઝ બૂકમાં  સ્થાન  મેળવવા  પાત્ર  છે  ને?

 

                                      *****************

 

              

શ્વાન પથક

મારા  વિદેશ પ્રવાસ દરમિયાન એક વાર ટોરન્ટો શહેરના મોલમાંથી બહાર આવી રહેલી એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને સલામત રીતે  દોરી જતા એક કુતરાને જોઇ મને કુતૂહલ થયું. કોઇએ મને કહયું કે એ ગાઇડડોગ  છે. માલિક પ્રત્યેની વફાદારી  માટે  જાણીતા  શ્વાનની આ  વધુ  એક  ખાસિયત  જાણવા મળી.

  આપણે પોલિસતંત્ર  દ્વારા  તાલીમ પામેલા  વિવિધ શ્વાન પથક (Dog Squad) વિશે અવારનવાર વાંચીએ છીએ.

અપરાધ નિવારણ શાખાના ચુનંદા  અધિકારીઓ દ્વારા તેઓને સઘન  તાલીમ આપવામાં  આવે  છે.સ્નીફર ડોગ તરીકે ઓળખાતા આ કુતરા પોતાની  વિશિષ્ટ ગંધ  પારખવાની  શક્તિ દ્વારા ચોરી,ખૂન,બળાત્કાર. નશીલા પદાર્થો, દાણચોરી અને આતંક્વાદી અપરાધીઓના સગડ મેળવવામાં ઉપયોગી માહિતી પૂરી પાડે છે. ઉત્તર ધ્રુવના બરફીલા વિસ્તારોમાં આવા કુતરાઓ સ્લેજગાડીઓ ખેંચીને મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવતા હોય  છે.

  ટોરંટોમાં જોવા મળેલા “ગાઇડ ડોગ” જેવા તાલીમબધ્ધ શ્વાન કેનેડા ઉપરાંત અમેરિકા,ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા,ઇંગ્લેંડ,જર્મની વગેરે દેશોમાં પણ હોય છે. પ્રથમ વિશ્વ યુધ્ધ પછી આવાં શ્વાન પથકોનું મહત્વ અનેક્ગણું વધી ગયું.

  1931ના આરંભમાં મ્યુરિયેલ ક્રૂક અને રોઝમન્ડ  બોન્ડ નામની બે બ્રિટિશ મહિલાઓએ બ્રિટનના  વેલેસ્સી પ્રાંતના એક નાનકડાં  ગેરેજમાં પહેલા ચાર  બ્રિટિશ  ગાઇડ ડોગ્ઝને તાલીમ આપી હતી.

  પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન એક ડોક્ટર યુધ્ધનાં  મેદાનમાં કોઇક અંધજનને હોસ્પિટલ તરફ દોરી  જતા  હતા ત્યારે અચાનક તેમને કોઇએ બોલાવ્યા એટલે તેમને જવું પડ્યું પણ જતાં પહેલાં તેઓ પોતાની  સાથેનો જર્મન શેફર્ડ કુતરો એ અંધજન  પાસે છોડતા ગયા. પાછા આવીને તેમણે કુતરાએ બજાવેલી મૂક સેવા જોઇ અને તે ખુશ  થઇ ગયા.ત્યારથી તેમણે  અંધજનો માટે ભોમિયા શ્વાન પથક શરૂ કરવાનું  નક્કી કર્યું.

  આમ ગાઇડ ડોગ્ઝ્ની વ્યવસ્થિત સેવાનો  આરંભ 1942માં થયો હોવાનું  માનવામાં  આવે  છે. આ  કામગીરી કોઇ પણ જાતનં કુતરાં પાસે કરાવવામાં  આવતી નથી. એમાટે  પૂરતાં  આયોજનપૂર્વક  પ્યોરબ્રેડ  લેબ્રેડોર, ગોલ્ડન રિટ્રીવર્સ, અને તેનાં ક્રોસ ગલુડિયાં  પસંદ કરવામાં  આવે છે. એ ગલુડિયાં ખૂબ  ચાલાક, બુધ્ધિશાળી, શાંત, વફાદાર અને આજ્ઞાંકિત  હોય  છે. ગાઇડની કામગીરી  માટે  પસંદ કરાતાં  પહેલાં તેની  દાક્તરી તપાસ  થાય છે.

  ત્યાર પછીનાતબક્કે  તઆલીમ આપનારા અધિકારીઓ  તેને  યોગ્ય રીતે સંભાળી શકે એવા પરિવારોની સૂચિ  તૈયાર કરે  છે. એવા અધિકારીઓ  પપ્પીરેઝર્સ તરીકે  ઓળખાય છે. સંબંધિત પરિવારો  ગાઇડ  ડોગ્ઝ્ને  એકાદ વર્ષ સુધી મૂળભૂત તાલીમ  આપે  છે. તેઓ  તેને  અમુક  ખાસ સ્થળોએ લૈ  જાય  છે. ત્યાંના  અવાજો અને ખાસ કરીને  ગંધથી   તેને  પરિચિત  કરાવવામાં  આવે  છે.

  આવી મૂળભૂત તાલીમ અપાયાના  ચૌદ મહિના બાદ તેને સેંટરમાં  લાવવામાં  આવે  છે અને બે અઠવાડિયાં સુધી તેને દૂરનાં  સ્થળોએ લઇ જઇને થોડાં  અઘરાં  કામ  શીખવાય છે. એ  ગાળા  દરમિયાન તેઓને  બીજાં  પ્રાણીઓથી બચાવવાં  પડે છે. એ પછીના પાંચ મહિનાના સઘન  તાલીમ કાર્યક્રમ દરમિયાન તેઓને  સાદા  આદેશોનું  પાલન કરતાં શીખવવામાં  આવે  છે. ટ્રેનરની ડાબી  બાજુએ  સહેજ આગળ ચાલવું  પડે  છે;  આ ઉપરાંત  રસ્તો કેવી રીતે ઓળંગવો,  સીડી  ચઢતાં પહેલાં  અને પૂરી થાય  ત્યારે થોભવાની, પોતાની  ઊંચાઇ જેવડા  અવરોધો  કેવી  રીતે ટાળવા, તમામ પબ્લિક ટ્રાંસપોર્ટમા  ચઢવું/ઉતરવું, ટ્રેનર ને લિફ્ટમાં  લઇ જવા, રેસ્ટોરાં  કે  કામની જગ્યાએ  શાંત ઊભા રહેવું, ટ્રેનરને  જોખમમાં  મૂકે એવા  આદેશ  નહિ  પાળવાનું અને  બજાર જેવી ભીડભાડવાળી જગ્યામાં પણ કેવી રીતે  સેવા  બજાવવી વગેરે જુદી જુદી  જાતની  તાલીમ  આ  કુતરાઓને  આપવામાં  આવે  છે.

    આવા  તાલીમ  પામેલા  કુતરાઓને  પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કંપની  આપવા  સોંપવામાં   આવે  છે. આપણા  દેશમાં પણ યોગ્ય કુતરાઓને  તાલીમ  આપીને  આવાં  કામ  લઇ  શકાય…..?

                                                                                                                                                                                                         દિગંબર  સ્વાદિયા

**************

      

                                                                                                            

 

 

વાહ કેનેડા, આહ  કેનેડા

                                          દિગંબર સ્વાદિયા

       છ વરસે ફરી એક વાર  ટૉરંટો આવ્યાં.એપ્રિલ પછી સામાન્ય રીતે વાતાવરણ ખુશનૂમા હોય છે પણ આ વરસે એ ધારણા ખોટી પડી. મે માં વરસાદનો અનુભવ થયો. આમ છતાં અમે પૂર્વ કેનેડાના ત્રણ દિવસના પ્રવાસે ગયાં. તાઇ પાન ટુર્સની  આરામદાયક બસમાં  અમે વહેલી સવારે પેસિફિક મોલથી કિંગ્સટન જવા રવાના થયા. ત્રણ સો વરસ જૂનું એ શહેર પહેલાં કેનેડા નું   પાટનગર હતું. અતીતનાં અનેક સંભારણા  તાજાં થયાં.રેલ્વેનું  સૌથી જૂનું એંજિન શાનથી અમારું સ્વાગત કરી રહ્યું  હતું.  કેનેડા ના પ્રથમ  વડા પ્રધાનનું  નિવાસસ્થાન , રોયલ  મિલિટરી  કોલેજ અને ક્વીંસ યુનિવર્સિટી  વગેરે જોતાં જોતાં વર્તમાન  પાટનગર ઓટાવા ગયા. અત્યારના ગવર્નર જનરલ અને વડા પ્રધાનનાં નિવાસસ્થાનો, સંસદ ભવન, સંગ્રહાલય, અન્ય સ્રરકારી  ઇમારતો, રોયલ ટંકશાળ, વગેરે આલિશાન ભવનો ખૂબ ગમ્યાં.મોડી સાંજે મોટ્રીયાલની  હોટલ  હોલિ ડે ઇનમાં  રાતવાસો કર્યો.

        સમગ્ર સપ્તાહ દરમિયાન ધમધમતાં રહેતાં મહાનગરો રવિવારની વહેલી સવારે જંપી  ગયાં હોય એમ અમે સવારે ફ્રેંચ સંસ્ક્રુતિનાં બેનમૂન પ્રતીક સમાં નોત્રે  ડેઁમ બેસિલિકા (દેવળ) જોવા  ગયાં ત્યારે ચોતરફ અદભૂત શાંતિ છવાયેલી હતી.અંદર સામૂહિક માસ (પ્રાર્થના) ચાલુ હતી એટલે ફોટા પાડવાની મનાઇ  હતી. દેવળ ખરેખર ભવ્ય હતું. ત્યાંથી અમે ઓલિમ્પિયા  વિલેજ  અને  મોનટ્રીયાલ   ટાવર  તેમજ બાયો ડોમ જોવા ગયા. ઇટાલીનું પીઝા ટાવર પાંચ  ડિગ્રી જેટલું  ઢળેલું છે જ્યારે આ  ટાવર પિસ્તાલિસ ડિગ્રી નમેલું છે. તેમાં ટોચ સુધી પહોંચવા માટે તોતિંગ એલિવેટર હતું,  જેમાંથી બહારનાં  દ્રશ્યો સુંદર  દેખાતાં હતાં.

       બાયો ડેમમાં ઋતુઓ અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પશુપંખીઓને કુદરતી વાતાવરણમાં રહેતાં જોયાં. ત્યાંથીઅમે માઉંટ રોયલ ઉપર  આવેલાં સેંટ જોસેફ્નું વિરાટ  ચર્ચ  જોવા ગયા. એ સંત ખૂબ ચમત્કારિક ગણાય છે

અને તેના કેટલાક પરચા પ્રચલિત છે..ત્યાંથી ક્વીબેક જોવા ગયા. એ શહેરમાં તમામ વ્યવહાર ફ્રેંચ ભાષામાં થાય છે.ત્યાંનાં પુરાણાં શહેરમાં આવેલી નાની નાની દુકાનો જોવા માટે લગભગ સવાસો પગથિયાં ઉતરવાં પડે છે. જો કે ઉપર આવવા માટે બબ્બે  ડોલર આપવાથી એલિવેટરનો ઉપયોગ કરી શકાય છે.

અમારું રાત્રિ રોકાણ ક્વીબેકમાં હતું.

 

       સવારના પહોરમાં અમારા છેલ્લા  પડાવ  થાઉઝંડ આઇલેંડ્ઝ જવા નીકળ્યા. પાંચ  છ  કલાકની  સફર પછી  ત્યાં પહોંચીને અમારે એકાદ  કલાક સુધી વિરાટ સ્ટીમરમાં દરિયાની સહેલ કરવાની હતી. તેને ક્રુઝ  કહેવામાં  આવે  છે.

વીસ હજાર ચોરસ માઇલમાં ફેલાયેલા આ જળરાશિમાં એક હજાર બત્રીસ જેટલા  નાના મોટા ટાપુઓ અને મકાનો છે. તેની ઉપર બંધાયેલા પૂલ ઉપરથી અમેરિકામાં પ્રવેશી શકાય છે.

        વળતાં અમે ટોરંટો નજીક આવેલી સફરજનની વિવિધ વાનગીઓ  બનાવતી ફેકટરી જોઇ. ઘણું જાણ્યું..માણ્યું…

જીવ્યા કરતાં  જોયું સારું એ ઉક્તિ સાર્થક થઇ.

                                                                                                                         ******************

વાં ઝ ણી મા

વાં ઝ ણી   મા

                                                                                          કલ્પનાબેન સ્વાદિયા

    કેતકીએ કેલેંડર સામે જોયું. આજે સોમવાર હતો. આકાશવાણી ઉપરથી તેનો મનપસંદ સાપ્તાહિક કાર્યક્રમ “મહિલામંડળ” શરૂ થવાની તૈયારી હતી. બરાબર બાર અને એક મિનિટે તેને કાર્યક્રમની વિગતો સાંભળવા મળી. આજે માત્રુત્વના મહિમા વિશે કોઇ બહેનનો વાર્તાલાપ હતો.  ઉદઘોષિકાએ પૂર્વ ભૂમિકા તરીકે આ ગીત સંભળાવ્યું:

                        ધોયો ધફોયો મારો સાડલો,

                               ખોળાનો ખૂંદનાર દ્યો ને રન્નાદે,

                                         વાંઝિયાનાં મે’ણાં માતા દોહ્યલાં…

     એ ગીતના શબ્દો તેના હ્રદયની આસપાસ વીંધતા રહ્યા. કાર્યક્રમ સાંભળવામાં તેનું ચિત્ત ન રહ્યું. કેતકીનું ભગ્ન હ્રદય એ ગીત સાંભળીને વ્યથિત થઇ ગયું. તેનું અત્રુપ્ત માત્રુહ્રદય  ભારે અજંપો અનુભવી રહ્યું. તેની આંખોને ટોડલે મોતીનાં તોરણ બંધાયાં…શ્રાવણ  ભાદરવો વહેવા લાગ્યાં…તે પલંગમાં ફસડાઇને ધ્રુસકે ચડી.

     તેના માનસપટ ઉપર છ વરસ પહેલાંનો ભૂતકાળ  જાણે કરવટ બદલી રહ્યો. તેના  મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું.હ્રદયની કોઇ અતલ કોતરોનાં ઊંડાણમાંથી  કોઇકનો કોમળ સ્વર પડઘાતો રહ્યો…”મા…મા….મા…”તેણે મોઢું ધોયું…સ્વસ્થ બનવાની કોશિશ કરી…અરીસામાં નજર ગઇ પણ તે પોતાનો ચહેરો જ ઓળખી ન શકી…”વાંઝિયાનાં  મે’ણાં  માતા દોહ્યલાં….”પણ પોતે ક્યાં વાંઝણી હતી? પણ સમાજે તો તેનાં નામ આગળ એ મે’ણું લગાવી દીધું હતું ને? સમાજને પોતે ખમ્મા ખોળાનો ખૂંદનાર  આપ્યો હતો પણ સમાજને તેની ક્યાં જાણ છે? અને જાણ થઇ જાય તો? એ વિચાર માત્રથી કેતકીનું આળુ હ્રદય કંપી ઊઠ્યું…

    ઘણી વાર તેના મનમાં થતું કે કમલેશ તો તેના પતિ છે. તેમનાથી કંઇ છૂપાવવાનું  શું  હોય? તેમને વિશ્વાસમાં લઇને તેમને પોતાના અતીતથી પરિચિત કરાવ્યા હોય તો? પોતાના મનનો બોજ પણ હલકો  થઇ જાય….પણ તેની સાથોસાથ મનના કોઇ અગોચર ખૂણામાંથી ચેતવણીનો સૂર પણ સંભળાતો…”જોજે, રખે ને એવું ગાંડપણ કરતી…એમ કરવાથી તું ક્યાંયની નહિ રહે…તારી મમતા અને ભાવનાની કદર થવી તો દૂર રહી, ઊલટું  “કુલટા”,”પતિતા” અને “ચારિત્ર્યહીન” જેવા શબ્દો તારું જીવન દોજખ બનાવી દેશે અને તારી આબરૂ ધૂળધાણી થઇ જશે.” કેતકી મનમાં જ સમસમી રહેતી પણ આજે તેનું માનું દિલ બળવો પોકારી રહ્યું હતું.

    કોલેજ જીવનના એ દિવસો હતા.સહુ મિત્રો અને બહેનપણીઓ સાથેની ધિંગામસ્તીના એ દિવસો કેમ ભૂલાય? એમાં ય તેનાથી આગળનાં વરસમાં ભણતો કેતન નામનો તેજસ્વી વિદ્યાર્થી તેની નજરમાં ક્યારે વસી ગયો  તેની ખબર પણ ન રહી. તે અભ્યાસમાં હોશિયાર તો હતો જ..તેની રીતભાત અને વિનય જોઇને કેતકીની જેમ અનેક યુવતીઓ તેના ઉપર વારી જતી હતી. એવામાં કોલેજનો શાનદાર શરદોત્સવ ઉજવાયો ત્યારે  તેના વિવિધ કાર્યક્રમોમાં  કેતન-કેતકીની જુગલ જોડી છવાઇ ગયેલી જોઇને બધા વિદ્યાર્થીઓમાં તેઓ સારસાઆઅ-બેલડીનાં ઉપનામથી પંકાઇ ગયાં.

    કેતકી ધનવાન માતાપિતાની લાડકવાયી પુત્રી હતી. વળી સંતાનમાં તે એકલી જ હોવાથી તેનો પડ્યો બોલ ઝીલાતો. કોઇ પણ જાતની રોકટોક વગર તેની યૌવનવેલ પાંગરવા માંડી હતી. યુવાની અને વસંત જાણે એકાબીજાની હોડમાં ઉતર્યાં. બાગમાં જ્યારે વસંતનાં વધામણાં  થાય ત્યારે યૌવનની કળી ખીલું ખીલું થઇ રહી હોય અને એ વખતે ભ્રમરોને શોધવા જવું પડે ખરું? એ તો કળીની મહેકથી જ ખેંચાઇ આવે છે. કેતનની આંખોમાં પણ  કેતકીનાં કામણ જોવા મળતાં હતાં પણ પોતાનું કોલેજનું આ છેલ્લું વરસ  હતું  અને કેતકીને તો હજુ વાર હતી. કેતકીના મનમાં પણ આ અજંપો  પડઘાતો હતો..કેતન જશે  પછી? તેણે એક દિવસ તેને પૂછી પણ જોયું: “તું તો આ વરસે પાઅસ થઇ જઇશ. પછી મુંબઇ  છોડીને વતન તો નહિ જતો રહે ને?”

    “અરે ગાંડી, વતનમાં જઇશ તો શું મારી પ્યારી કેતકી મારાથી દૂર હશે શું? બસ, તું પણ બી.એ. પૂરું કરી લે પછી તું સદા સદાને માટે મારી જ બની જશે….આપ્ણે લગ્ન કરી લઇશું…હું મારી બાને પણ તારી વિશે વાત કરી લઇશ….હવે  તો ખુશ ને?”

    કેતનના શબ્દોએ તેના ઉપર જાદુ કર્યું.તેણે માની લીધું કે હવે દુનિયાને કોઇ તાકાત અમારા પ્રેમને અવરોધી નહિ શકે…અને જે કાલે પોતાના જીવનનો સુકાની  થવાનો હોય તેને અત્યારથી જ પોતાનું તન-મન સોંપવામાં વાંધો ય શો હોય? કેતકી આનંદવિભોર થઇ ગઇ….કેતન સાથેના વ્યવહારમાં તે સંપૂર્ણપણે ડૂબી ગઇ. કેતન તેના રોમેરોમમાં સમાઇ ગયો….પણ માણસ ધારે છે કંઇ અને ઈશ્વર કરે છે કંઇ,,,વિધાત્રી તેઓનાં જીવનમાં પ્રચંડ આંધીનાં એંધાણ આપી રહી હતી.

    કેતકી તો ઘરમાં પણ સ્વપ્નોમાં જ ખોવાયેલી રહેવા લાગી. તેની માતાને ચકોર નજરથી આ છાનું ન રહ્યું. તે જાણતી હતી કે કેતન સાથે ક્યારેક કેતકી વધુ પડતી છૂટ લેતી હતી પણ તેને સમજાવવા જતાં ક્યાંક કેતકી તેનું અપમાન કરી બેસે તો? એ ડરથી તે ચૂપ રહેવાનું પસંદ કરતાં…અને એમ તો કેતન પણ સરસ મજાનો ફૂટડો યુવાન હતો. બંન્નેની જોડી પણ સરસ લાગતી હતી..તો ય આજકાલનાં પતંગિયાંનો શો ભરોસો? રખે ને ક્યાંક છેહ દઇ દે તો? દીકરીની જાત તો રઢિયાળી રાત જેવી…બહુ સાચવવી પડે…કંઇ આડુંઅવળું  કરી બેસે તો સમાજમાં મોઢું બતાવવું ભારે પડે ને? આવ્આ સારા નરસા વિચારો કરતી એ બેસી રહેતી. કેતકીના પિતા પ્રભુદાસ તો પોતાના ધંધામાં જ એટલા ગળાડૂબ રહેતા કે ઘરમાં શું થાય છે, કોણ આવે છે. કોણ ક્યાં જાય  છે એની તેમને જરા ય ચિંતા જ નહોતી. એમાં વળી કેતકી હવે ઉમરલાયક થતી જાય છે એટલે એને વરાવવા પરણાવવાનો  સમય  થઇ ગયો છે એ તો તેમને સમજાય જ ક્યાંથી? કેતકીની માતાને જ એ બધા કડવા ઘૂંટડા પીવાના  હતા.

    પરીક્ષા તો આવી અને ગઇ પણ ખરી.કેતન થોડા દિવસ માટે પોતાને વતન ગયો…કેતકી તેના પાછા આવવાની રાહ જોતી રહી…તેને પેલી પંક્તિઓ યાદ આવી ગઇ :

                  સ્મરણ  લીલું  કપૂરી પાન જેવું,

                  હવામાં ચોતરફ લોબાન જેવું……

                                     (અદમ ટંકારવી)

     કેતકીના જીવનમાં પાનખર અટ્ટહાસ્ય કરતી ઊભી રહી. કેતન કેમ ન આવ્યો? બાને સમજાવી શક્યો નહિ હોય? એ ચિંતામાં તેની તબિયત થોડી લથડી પણ ભોળી કેતકીને  તેનું કારણ સમજાયું નહિ. મા સમજી ગઇ. કેતકી મા બનવાની હતી. તેણે કેતકીને કહ્યું કે કેતન સાથેના પ્રેમનું પ્રતીક તેના ઉદરમાં છે. કેતકી સમસમી ગઇ.તેણે કેતનને જલદી પાછા આવી જવાની વિનંતિ કરતો પત્ર લખ્યો.

    ત્રીજે દિવસે જ કેતનની બહેને લખેલો જવાબ  આવ્યો. એ પત્ર વાંચીને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. માએ વિચાર્યું કે હવ્એ કેતકીને વઢવાનો કંઇ અર્થ નહોતો. તેમણે કેતકીને આશ્વાસન આપતાં કહ્યું, “બેટા, આ આફ્તમાંથી ઉગરવાનો એક જ માર્ગ  છે કે તું કેતનને તાર કરીને તેડાવ અને તમે બન્ને તુરત લગ્ન કરી લો.” માના ઉદાર વલણથી કેતકીનું હ્રદય ઝૂકી ગયું પણ હવે શું? તેણે કેતનની બહેને લખેલો પત્ર માને વાંચવા આપ્યો. પત્ર વાંચીને માના હ્રદયના ધબકારા વધી ગયા. તેની આંખો સામે અંધકાર છવાઇ ગયો. તેને પોતાની લાડલી પુત્રીના ભવિષ્ય માટે જાત જાતના અમંગળ વિચારો આવવા માંડ્યા. સાથોસાઅથે તેમને પોતાના પ્રતિષ્ઠિત કુટુંબની આબરૂનું  લિલામ  થતું હોય એમ લાગ્યું.પણ  આખરે એ પણ મા હતી. તેનું હ્રદય મમતાથી છલકી ઊઠ્યું. કેતકીને અંદર તેના રૂમમાં  જવાનું કહીને પોતે પતિની સાથે વાત કરવા ગઇ. કેતકીની સ્થિતિથી તેને વાકેફ કર્યા. પત્નીની વાત સાંભળતાં જ પ્રભુદાસનો પારો સાતમે આસમાને પહોંચી ગયો. પત્નીએ તેમને શાંતિ જાળવવા અને હવે બગડેલી બાજી કેમ સુધારવી એનો વિચાર કરવાનો આગ્રહ કર્યો.થોડી વાર  ખંડમાં નીરવ  શાંતિ છવાઇ ગઇ. પ્રભુદાસ અને તેની પત્ની વિચારોમાં ડૂબી ગયાં.”ગર્ભપાત”, “બાળહત્યા” જેવા વિચારો તેઓના માનસ ઉપર અથડાતા રહ્યા. એકાએક કેતકીની માએ ચીસ પાડીને કહ્યું, “નહિ..નહિ..બિલકુલ નહિ. હું મારાં કૂળમાં આવું ઘોર પાપ નહિ થવા દઉં..” પ્રભુદાસ તો કુશળ વેપારી હતા. તેમણે વચલો માર્ગ બતાવતાં પત્નીને કહ્યું, “તમે મા-દીકરી કાલે સવારની ગાડીમાં હરદ્વાર ઉપડી જાઓ. પૂરા દિવસ થાય ત્યાં સુધી આસપાસનાં સ્થળોએ હરજો ફરજો. પછી નવજાત આ બાળક્ને કોઇ અનાથાશ્રમમાં છોડી દઇને પાછાં  આવતાં રહેજો…અહિં કોઇ પૂછપરછ કરશે તો કહી દઇશ કે મા-દીકરી ચાર ધામની જાત્રાએ ગયાં છે.” પ્રભુદાસની સલાહ મુજબ મા-દીકરી ઉપડી ગયાં.

    ટ્રેનની ગતિ સાથે કેતકીના મનની ગતિ પણ વધવા લાગી…”બિચારો કેતન..” કેતન યાદ આવતાં જ તેની આંખો છલકાઇ ગઇ.તેના પ્રેમનું પ્રતીક આજે તે ઠેકાણે પાડવા જઇ રહી હતી. કેતન તો હવે સ્વપ્ન બની ગયો. શીતળાના ખપ્પરમાં તે હોમાઇ ગયો હતો. તેની નાની બહેને કેતકીને લખેલા પત્રમાં એ જ સમાચાર લખ્યા હતા. કેતકીનું સોનેરી સ્વપ્ન જોતજોતામાં રોળાઇ ગયું.

    મા  દીકરી સિમલા, મસૂરી, બદરી કેદાર, ઋષિકેશ વગેરે સ્થળોએ આરામથી હરીફરીને હરદ્વાર પહોંચ્યાં અને ત્યાં એક નાનું ઘર ભાડે રાખીને રહેવા લાગ્યાં. પૂરા  નવ માસે કેતકીએ પુત્રને જન્મ આપ્યો.દૂધમલ દીકરાને જોઇ કઇ માનું હ્રદય પુલકિત ન બને? દીકરાને છાતીસરસો ચાંપી લીધો પણ હ્રદય ઉપર  જાણે કે ધગધગતો અંગારો ચાંપી દીધો હોય  એવી વેદના તેને થવા લાગી. અરે રે વિધાતા, આ માસુમ શિશુને આ અફાટ  ધરતી ઉપર તજી દઇને પોતે જગતમાં ફરીથી “કુમારિકા” કહેવડાવતી મહાલશે અને આ નવજાત બાળક મા અને  બાપની હૂંફ તો શું પણ તેનાં નામ પણ જાણી શકશે નહિ. તેની માનું હ્રદય પણ  આર્દ્ર બ્ની ગયું પરંતુ અત્યારે મમતાના પ્રવાહન્ને નાજુક બનાવીને રાચવાનો સમય નહોતો. લાગણીના  અવિરત ધોધને કઠોરતાની દિવાલમાં જકડી દીધો. બાળક પ્રત્યે ઊઠતા કરુણ ભાવને પણ અંતરને ખૂણે દફનાવીને મા-દીકરીએ મુંબઇ તરફ ઉપડવાની તૈયારી કરી લીધી.

   સાંજ પડી. ધીરે ધીરે નિશાદેવીનું સામ્રાજ્ય અવનિ પર પથરાઇ  ગયું. નિદ્રાદેવીની જાદુઇ લાકડી જન સમુદાય પર ફરવા લાગી. બજારમાં રડ્યાખડ્યા એકાદ માનવીના પગરવ સિવાય સર્વત્ર શાંતિ છવાઇ ગઇ હતી. નવજાત  શિશુને એક જૂના સાડલામાં લપેટી મા-દીકરી રૂમની બહાર  નીકળી ગયાં.શેરીને એક ખૂણે આવેલાં એક ભવનના તોતિંગ દરવાજા આગળ કેતાકીના પગ થંભી ગયા.અનાથાલયનું એ દ્વાર હતું.  અત્યારે એ બંધ હતું. કેતકીએ ચોતરફ નજર ફેરવી લીધી. આંસુના અભિષેક સાથે પોતાના કલેજાના ટુકડાને આસ્તેકથી ઓટલા ઉપર સુવાડીને મા-દીકરી ઝડપથી ચાલીને સ્ટેશને પહોંચી ગયાં. સમય થતાં ટ્રેન  આવી. મા-દીકરી હેમખેમ મુંબઇ પણ પહોંચી ગયાં.

    આજે એ  વાતને છ છ વરસનાં વહાણાં વાઇ ચૂક્યાં છે. કેતકીનાં લગ્ન કમલેશ સાથે થઇ ગયાં છે. કમલેશ શ્રીમંત છે. કેતકીનું જીવન પણ સુખની છોળોમાં વીતી રહ્યું છે પણ હ્રદયના એક ખૂણામાં દફનાવેલી પેલી વાત તેના હૈયાને કોરી ખાય છે. છ વરસના એ ગાળામાં કેતકીનો ખોળો હજુ  ખાલી જ હતો. કેટલીય બાધા આખડી રાખી જોઇ; શહેરના મોટા ગણાતા ડોકટર પાસે તપાસ પણ કરાવી. બધા રિપોર્ટ નોર્મલ હતા. કેતકીમાં કંઇ જ દોષ નહોતો, પણ કમલેશની શારીરિક તપાસ કરાવતાં એવો રિપોર્ટ આવ્યો કે તેના વીર્યમાં સંતાન  ઉત્પન્ન કરી શકે એવાં શુક્રાણુઓ નહોતાં એટલે તે ક્યારેય પિતા બની શકે એમ નહોતો.  કોઇ પણ દવા કે ઇંજેક્શન તેમાં કારગત  નીવડે એમ નહોતાં. કેતકીને એની જાણ થઇ ત્યારે તેને કિરણ બહુ યાદ આવ્યા કરતો હતો. પોતે  કિરણની મા બની હોવા  છતાં સમાજની નજરમાં તે  વાંઝિયણ ગણાતી હતી.

     તે આ રીતે વિચારોમાં ગરકાવ થયેલી હતી ત્યાંજ તેના દ્વાર ઉપર કોઇએ બેલ મારી. કેતકીની વિચારમાળા તૂટી ગઇ. ભૂતકાળમાં ખોવાઇ ગયેલી કેતકી તુરત વર્તમાનમાઅં  આવી. રડીને સૂઝી ગયેલી આંખો છૂપાવી શકાય એમ નહોતી. કેતકીએ બારણું ખોલ્યું. સામે કમલેશ ઊભો હતો. કેતકીની આંખો સામે જોઇને એ પરિસ્થિતિ પામી ગયો. શું કરે? પોતે નિરુપાય હતો. આજે તે કેતકીને ખુશ રાખવા કોઇ  નવા વિચાર સાથે આવ્યો હતો.

     કેતકીને પોતાની પાસે બેસાડીને તેણે તેને સમજાવતાં કહ્યું, “જો, કેતકી, હું તારું દર્દ સમજી શકું છું. મારી એક વાત માનીશ? આપણે માટે એક ઉપાય  છે. આપણે કોઇ અનાથાશ્રમમાં જઇએ અને ત્યાંથી તું કોઇક બાળક્ને પસંદ કરી લે; બાળકને મા-બાપની હૂંફ મળશે અને આપણું ઘર તેના કિલ્લોલથી ગૂંજી ઊઠશે.” કેતકીનું હૈયું આ  વાત  સાંભળીને નાચી ઊઠ્યું. કમલેશની વાત  સાચી હતી.બન્ને એ પ્રવાસની તૈયારી શરુ કરી લીધી.

    તેઓ હરદ્વાર ગયાં. ત્યાં જઇને પૂછ્પરછ કરતાં અનાથાશ્રમ પહોંચ્યાં. ત્યાંના મેનેજરની ઓફિસ તરફ જતાં હતાં ત્યારે ચોગાનમાં કેટલાંક  બાળકોને તેઓએ રમતાં જોયાં. અમુક બાળકો તો રમવાનું છોડીને કેતકી અને કમલેશને  વીંટળાઇ   વળ્યાં.  કેતકીની નજર તેઓની ઉપર ફરી વળી. છ વરસ પહેલાં પોતે જે  નિશાની અહિં મૂકી ગઇ હતી એ જોવા મળશે? અરે રે એ ક્યાં હશે? કેવો હશે? અને મળે તો ય ઓળખાશે કેવી રીતે? તેને એકાએક યાદ આવ્યું કે પોતે તેને અહિં છોડી દેતાં પહેલાં તેના ગળામાં  નાનકડી ચિઠ્ઠી બાંધીને  તેનું નામ કિરણ રાખવાનું સૂચન કર્યું હતું. જો આ લોકોએ તેનું એ જ નામ રાખ્યું હોય તો પોતાનો એ લાલ જરૂર મળશે એવી તેને આશા હતી, પણ પોતે કેવી રીતે એ નામ લઇ શકે? આમ વ્ઇચારોની ગડમથલ કરતી કેતકી કમલેશની પાછળ ઘસડાતી હતી. તેઓ મેનેજરને મળ્યાં અને તેમને પોતાના આવવાનું કારણ કહ્યું.

    મેનેજર ખુશ થયા. તેમણે કહ્યું, “આપના જેવા સમજદાર દંપતી આવ્અં અનાથ બાળકોને અપનાવી લે તો કેટલાંય બાળકો સનાથ થઇ જાય.” પછી તેણે કેતકીને સંબોધીને કહ્યું, “આવો, બહેન, હું તમને બાળકો બતાવું. તમને ગમે તો પછી આપણે બીજી વિધિ કરીએ.” એટલામાં છ વરસનો એક ચબરાક, રૂપાળો છોકરો મેનેજર પાસે આવ્યો અને તે હિબકાં ભરતો હતો. એ કંઇ બોલવા જતો હતો પણ મેનેજરે તેને અટકાવીને કેતકી સામે જોયું. કેતકી તેની સામે ટીકી ટીકીને જોઇ રહી. મેનેજરે કેતકીને કહ્યું, “કેવો મજાનો છે ને? કોઇ અભાગી માતા અમારા  આશ્રમને આંગણે તેને મૂકી ગઇ હતી. નવાઇની વાત તો એ છે કે તેના ગળામાં બાંધેલી ચબરખીમાં માએ લખ્યું હતું કે આ બાળકનું નામ કિરણ પાડજો.” કેવી માયા છે ભગવાનની? મેનેજર મૂછમાં હસી રહ્યા.

    કેતકીએ કહ્યું, “મને તો આ બાબો બહુ ગમી ગયો છે.મારે હવે બીજાં બાળકો જોવાની જરૂર નથી.” એમ કહીને તેણે કિરણનો હાથ પકડી લીધો. કિરણ પણ તેની સાથે ચાલવા લાગ્યો.ઓફિસમાં આવતાં જ કમલેશ પણ કિરણ્ને જોઇને રાજીના રેડ થઇ ગયો. મેનેજરે બાળક્ને દત્તક સોંપવાને લગતી જરૂરી વિધિ પૂરી કરી. કમલેશ અને કેતકીએ અનાથાશ્રમને છૂટે હાથે દાન આપ્યું અને કિરણને લઇને તેઓ બહાર આવ્યાં અને ટેક્ષીમાં બેસતાં જ કમલેશે કેતકીને કહ્યું, “વાહ એ કેતકી, તારી પસંદગી એટલે કહેવું પડે. કિરણનો ચહેરો ય તને જ  મળતો આવે છે…કેમ જાણે તેણે તારી કૂખે જ જન્મ ન લીધો હોય…”કેતકીનું હ્રદય એક થડકારો ચૂકી ગયું…તેની આંખો સજળ બની ગઇ. કિરણ તેના ખોળામાં ઊંઘી ગયો હતો. કેતકી તેનું માથું પસવારી રહી હતી. હવે પોતે વાંઝણી નહોતી…પણ હતી   મા….જન્મદાત્રી   મા….પાલક   મા.

**********

    સ્વસ્તિક એ હિંદુ ધર્મનું પ્રથમ માંગલ્ય પ્રતીક છે. આમ તો સંસ્ક્રુત શબ્દ સ્વસ્તિકા પરથી એ શબ્દ આવેલો છે  પરંતુ કઇ સદીમાં  તેનું ચિત્રાંકન થયું એ કહેવું મુશ્કેલ છે.

    સ્વસ્તિકના ઘણા નમૂના ઇજિપ્ત, પર્શિયા, યુરોપ, ફ્રાંસ, જર્મની, સ્કોટલેંડ, આયર્લેંડ તેમજ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પથ્થર ઉપર કોતરાયેલા જોવા મળે  છે. કહેવાય છે કે ગોરાઓએ પોતાના ધંધા માટે જમીન ખોદી ત્યારે બુધ્ધની મૂર્તિ સાથે સ્વસ્તિકનું પ્રતીક મળી આવેલું.: એ કોલંબસ પહેલાંની સદી અગાઉનું હોવાનું મનાય છે. એવું પણ અનુમાન થાય છે કે બૌધ્ધ ધર્મ કોલંબસ કરતાં પહેલાં અમેરિકાની ભૂમિ પર પહોંચ્યો હશે.

     બ્રિટનમાં સ્વસ્તિકને ફિલકોટ  કહેવામાં આવે  છે. આનો અર્થ ત્યાંના લોકો ચાર પગવાળું  કહે છે. સ્કેંડિનેવિયામાં તેને ઇશ્વરના  હથોડાનું પ્રતીક ગણાય છે. તિબેટમાં ત્યાંના લોકો કપાળમાં અને હાથ ઉપર તેને છૂંદણાંરૂપે  અંકિત કરાવે  છે.સ્ત્રીઓ પોતાનાં વસ્ત્રો ઉપર તે છપાવે  છે. જાપાનમાં હજારોની સંખ્યામાં સ્વસ્તિક જોવા મળે છે.

     પ્રાચીન એશિયાના  રાજદૂતોને આજે પણ સ્વસ્તિક આપવામાં  આવે છે.અમોનિયાની કબરો પર  અંકિત કરવામાં  આવતા સ્વસ્તિક બુધ્ધ ભગવાનની મુદ્રા તરીકે ઓળખાય છે. અગાઉઅના ખ્રિસ્તીઓના ચર્ચમાંની ચીજો અને ચર્ચની બહારના બેલ ઉપર સ્વસ્તિકનું પ્રતીક જોવા મળે  છે. તેઓ આત્માના ચાર  તબક્કાની પ્રગતિનું પ્રતીક ગણે છે.

  જૂના જમાનામાં ઋષિમુનિઓ અને  શાસ્ત્રકારો મંત્રોની રચના કરતાં પહેલાં મંગલ કામના કરવા સ્વસિક અંકિત કરતા. દરેક શુભ કાર્યમાં  બ્રાહ્મણો પ્રારંભમાં એક મંત્ર બોલે છે :

   स्व स्ति न: इन्द्रोव्रुध्धश्रवा  स्वस्तिना  मूषा विश्व  वेष: ,

   स्वस्ति नस्ताक्क्ष्र्यो अरिष्ट नैमिनो   ब्रुहस्पति दधातुं……

     સ્વસ્તિકનો અર્થ શુભ અને લાભ થાઓ એવો થાય.. સ્વસ્તિક એ માનવ જીવનમાં મંગલ કાર્યનું સાક્ષી-પ્રતીક છે. તે પાંચ દેવોનો આધિપત્ય છે. બ્રહ્મા, શિવજી, ગણપતિ આદિ દેવોની તે આભારૂપ છે. તેની આક્રુતિ ઇશ્વરની સન્મુખ લઇ જાય છે.

  ગુજરાતમાં સ્વસ્તિકમાં મયુરનું સંયોજિત કલાત્મક રીતે કરવામાં આવે છે અને રંગોની ક્રુતિમાં સીતાજીના કેશગૂંફનનો સંકેત દર્શિત થાય છે. બંગાળમાં અલ્પના નામે સાથિયા થાય છે; દક્ષિણ ભારતમાં કોલમના નામે સ્વસ્તિક આલેખાય છે. રાજસ્થાનમા માંડણા,, મહારાષ્ટમાં રંગોળી અને ગુજરાતમાં સાથિયા તરીકે તેનું ચિત્રાંકન થાય છે. તેની એકમેકની વિરુધ્ધ મુખાક્રુતિને નર-નારાયણના સ્વરૂપનું પ્રતીક કહેવાય છે. ચાર લીટીઓની ગતિ સ્વસ્તિકના સર્જનમાં માધુર્ય સર્જે છે. તેના ચારે ય ખંડને ચાર યુગના પ્રતીક માનવામાં આવે  છે. સતયુગ, દ્વાપરયુગ,ત્રેતાયુગ અને કલિયુગમાં  ચાર અવતારી  પુરુષોનું  આગમન થયું છે.

એક કોડિયું

એને હંમેશાં પ્રકાશિત  રાખો

    આપણે ભગવાન  પાસે પીવાનું થોડુંક પાણી માગ્યું. એણે હજારો નદીઓ, ઝરણાંઓ અને સરોવરો આપણને આપી દીધાં….

    આપણે એની પાસે એકાદ ફૂલની માગણી કરી…એણે  આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી આપ્યા…..

     આપણે છાંયડા માટે  એની પાસે એક ઝાડ માગ્યું અને એણે આપણને મોટાં જંગલો આપી દીધાં….

     આપણે કહ્યું કે…”હે ભગવાન, એકલું એકલું લાગે છે તો એણે આપણને  કુટુંબ, સાથી-સંગાથી તેમજ મિત્રોની ભેટ મોકલી આપી….

       કેવો દયાળુ છે એ? કેટલો બધો માયાળુ છે એ?એના ઉપર વિશ્વાસ  રાખીએ તો એ શું નથી આપતો?

      ભગવાન પ્રત્યેની શ્રધ્ધા તેમજ વિશ્વાસનું  કોડિયું હંમેશાં સળગતું જ રાખો.પછી જુઓ કે અંધકારનો ડર

ક્યારે ય નહીં સતાવે. અને એ વાત પણ સત્ય જ છે કે આખા બ્રહ્માંડનું અંધારું  એકઠું  થાય ને તો પણ એક

કોડિયાને ક્યારે ય ઠારી શક્તું નથી….

                                                                           (ઇંટરનેટના સૌજન્યથી)

દ્વન્દ્વોનું દ્વન્દ્વ

દિગંબર સ્વાદિયા

એક કરતાં બે ભલાની કહેવત સાર્થક છે એ આપણાં રોજબરોજનાં જીવનમાં જોતા રહીએ છીએ. આપણા દૈનિક વ્યવહારમાં જ જુઓ ને…. માતાપિતા, પતિપત્ની, ભાઇબહેન, જીવનમ્રુત્યુ, સ્ત્રી પુરુષ, સુખદુ:ખ, રાત દિવસ,, દૂધ દહીં, વગેરે.  આવાં જોડકાંઓનો ચોલી-દામનનો સાથ હોય એવું નથી લાગતું?

    હકીકતમાં આવાં દ્વન્દ્વોમાંથી એકને નોખું પાડી જુઓ તો બીજામાં ખાસ કસ રહેશે નહિ. દાખલા તરીકે,  જીવન મ્રુત્યુમાંથી, માનો કે, જીવન હટાવી લો તો કેવળ મ્રુત્યુનું જ સામ્રાજ્ય છવાયેલું હોય એ વિચાર માત્રથી કંપારી નથી આવતી? અને મ્રુત્યુ હટાવી લો તો જીવનનો કેટલો ભરાવો થઇ જાય? આપણાં સ્વજનોમાંથી કોઇનું ક્યારે ય  મ્રુત્યુ ન થયું હોત તો આપણો  પોતાનો જ પરિવાર કેટલો બહોળો રહ્યો હોત? અને એવું દરેકની બાબતમાં બને તો? જરા વિચારી તો જુઓ.

    રાત દિવસની વાત કરીએ તો પરદેશનાં ઘણાં સ્થળો  એવાં છે કે જ્યાં રાતના આઠ દસ વાગે સૂર્યાસ્ત થતો હોય અને આપણાં કોલકાતા જેવાં શહેરમાં  સાંજના ચાર પાંચ વાગે ત્યાં અંધારું થવા માંડતું હોય. એમાં ભૌગોલિક કારણ ભલે ગમે  તે હોય, આપણે તો વિચાર કરીએ છીએ દ્વન્દ્વોનાં દ્વન્દ્વનો.

   ઘડીભર માનો કે ભગવાન તમારી સમક્ષ હાજર થઇને કંઇ પણ માગવાનું વરદાન આપે તો તમે શું માગો? કેવળ સુખ? કે પછી માતા કુંતીએ માગ્યું હતું એમ માત્ર દુ:ખ? હકીકતમાં દ્વન્દ્વનું અસ્તિત્વ હોય ત્યારે જ સમાજમાં સંતુલન  જળવાઇ રહેતું  હોય છે. દિવસ રાતની જોડીમાંથી  માત્રે દિવસ જ હોય તો કોને ગમે? અને ફ્ક્ત રાત્રી જ રહે તો શું  આપણે ચોવીસે કલાક ફ્ક્ત ઊંઘ્યા જ કરવાનું?

    વૈવિધ્ય જીવનનો અંતરંગ  ભાગ  છે. જમવા બેસીએ ત્યારે થાળીમાં  આપણી મનપસંદ અમુક જ મીઠાઇ, પકવાન કે વાનગીનો  ઢગલો હોય તો પણ આપણે રાજી થતા નથી. તેની સાથે જરા જુદા જુદા સ્વાદની બીજી વાનગીઓ પણ હોય તો આરોગવાની મજા આવે ને? રોટલી-શાક, ખીચડી-કઢી, કઢી-રોટલા,ઊંધિયું-જલેબી, શિખંડ-પૂરી, પૂરી-ભાજી, વગેરે જોડીઓએ આપણાં પાકશાસ્ત્રમાં અમરપદ મેળવી લીધું  છે.

    એવી જ રીતે ચા-પાણી, હવાપાણી, દવાદારૂ, તડકો-છાંયડો, ઠંડી-ગરમી, ભાવતાલ, ગીત-સંગીત વગેરે સંખ્યાબંધ જોડકાંઓ પણ આપણે વિસરી શકીએ નહિ. એક વિના બીજાનાં અસ્તિત્વની કલ્પના જ કરી શકાતી નથી. ભાષામાં વપરાતા શબ્દો તત્સમ કે તદભવ હોય, પદ્ય કે ગદ્ય લખાય, આશા-નિરાશા, નોકરી-બેકારી,ડાબું-જમણું, નાનું-મોટું, ગરીબ-અમીર,રંક-રાય, રાજા-રાણી, દાદા-દાદી, નાના-નાની,, શેઠ-વાણોતર,, લેખક-વાચક, ભાડુત-મકાનમાલિક, ગ્રાહક-વેપારી, દરદી-ડોકટર, વકીલ-અસીલ,ગુરુ-શિષ્ય, શિક્ષક-વિદ્યાર્થી,રાજા-પ્રજા, નેતા-જનતા, વક્તા-શ્રોતા, માનવ-દાનવ, જાનમાલ,મિલન-વિરહ, મોક્ષ-બંધન,સત-અસત, સૂર્યોદય-સૂર્યાસ્ત,દેરાણી-જેઠાણી, ભાઇ-ભાભી, બહેન-બનેવી, કાકા-ભત્રીજા, મામા-ભાણેજ, માસી-ભાણેજ,વગેરે.  જો કે આવું  દ્વન્દ્વ-વૈવિધ્ય કદાચ આપણી ભાષાઓમાં જ  છે. પરદેશમાં તો અંકલ અને આંટીમાં જ બધું સમેટી લેવાય  છે.

   કદાચ એટલે જ આપણા રુષિમુનીઓએ તેંત્રીસ કરોડ દેવતાની પરિકલ્પના રજૂ કરી હશે.  એક જ ભગવાને આપણી અબજોની વસતીની જરૂરિયાતો સંભાળવાની હોત તો એ ભગવાનપદેથી તાત્કાલિક રાજીનામું આપી દેત. આ તો જવાબદારીની વહેંચણી કરી લેવામાં  આવી છે. એટલે તમામ ભગવાન પોતાનાં ખાતાંનું ધ્યાન  રાખી શકે છે.

   વસવા માટે ગામડું કે શહેર એમ આપણે નક્કી કરીએ છીએ. પ્રવાસ માટે અનુકૂળતા પ્રમાણે આપણે નિર્ણય લઇએ છીએ. કલાપીને ઘડીભર યાદ કરીએ તો જ્યાં જ્યાં  નજર મારી પડે ત્યાં ઠેર ઠેર જોવા મળે છે    દ્વન્દ્વોનું જ દ્વન્દ્વ……

                                                                 

                                      **********                                        

ત્યાગ

ત્યાગ

                                                         કલ્પના  સ્વાદિયા

 

કૈલાસબા એ  હાશકારો  અનુભવ્યો..

જીવનની તડકીછાંયડી વેઠીને  તેમણે  આયખાંના સાત  દાયકા પૂરા કર્યા હતા. હવે કોઇ અબળખા રહી નથી. પતિ સુમંતરાયે ગામતરું કર્યાને ય આજકાલ  કરતાં દસકો વીતી ગયો હતો..

પોતાના એકના એક પુત્રને  તેની ઇચ્છા પ્રમાણે ભણાવ્યો હતો અને પોતાની નાતના એક  ખાનદાન  કુટુંબની સુશીલ પુત્રી સુનંદા સાથે ધામધૂમથી પરણાવ્યો હતો. સુનંદાએ સાસરે આવતાંવેંત ઘરની નાનીમોટી તમામ જવાબદારી સંભાળી લીધી હતી; એટલું જ નહિ પણે તેણે જય-વિજય નામના બે પુત્રોને જન્મ પણ આપ્યો હતો. સુનંદા જેવી પુત્રવધૂને પગલે ઘરમાં શાંતિ અને સમ્રુદ્ધિ જોવા મળતી હતી. કૈલાસબા પણ મૂડીનું વ્યાજ મેળવીને દાદીબા બની ગયાંનો ગર્વ અનુભવતાં હતાં.

મોટો જય પાંચ વરસનો અને નાનો  વિજય ત્રણ વરસનો હતો. દાદીબા તો તેને રામ-લક્ષ્મણની જોડી કહેતાં.જય સ્વભાવે શાંત હતો જ્યારે વિજય ભારે ઉત્પાતિયો  હતો. કોઇને પણ અદેખાઇ  આવે એવું આ કુટુંબ આનંદકિલ્લોલમાં દિવસો પસાર કરતું હતું……

પણ એ આનંદ ઝાઝો ટક્યો નહિ. કૈલાસબાના  સુખી પરિવારને  કોઇની નજર  લાગી ગઇ; આખા  ગામમાં

ઝેરી મેલેરિયાના વાયરા ફૂંકાયા…સરકારી હોસ્પિટલમાં દરદીને રાખવા માટે પૂરતી સગવડ થઇ શકી નહિ..

પરિણામે ઘણા દરદીઓ તો સારવારને અભાવે જ મ્રુત્યુ પામ્યા. સુનંદા પણ તેમાં ઝડપાઇ ગઇ અને આઠેક

દિવસની ટૂંકી માંદગી ભોગવીને એ સ્વર્ગવાસ પામી.

કૈલાસબાએ પુત્ર જયવીરને હિંમત  રાખવા કહ્યું. જયવીર તો દિગ્મૂઢ થઇ ગયો.. તેની આંખે અંધારાં આવવા લાગ્યાં. સુનંદા સાથેનાં પ્રસન્ન દાંપત્યજીવનનાં સંભારણાં  તેને કોરી ખાવા લાગ્યાં.

”મા ક્યાં ગઇ? ક્યારે આવશે?” એવા જય-વિજયના પ્રશ્નોનો તે શો જવાબ આપે? જયવીરની મૂંઝવણ જોઇને કૈલાસબા પણ અકળાતાં હતાં. તેઓ જય-વિજયને અને જયવીરને પણ સાંત્વના આપતાં પણ અંદરખાનેથી પોતે પણ હચમચી ઊઠ્યાં હતાં જ ને?

તેઓ વિચારતાં: ‘જયુની હજુ ઉમર જ શું છે? એ માની જાય તો તેને ફરીથી પરણાવી દઉં. તેને પત્નીનો સાથ મળશે અને બેય દીકરાઓને માની હૂંફ મળશે….પણ જયુ માનવો જોઇએ ને?”

અંતે એક દિવસ મોકો જોઇને કૈલાસબાએ વાત કાઢી, “જયુ બેટા,તારે હવે મનને શાંત કરવાની જરૂર છે…બેય છોકરાઓ પણ હિજરાય છે…”

હું  સમજું છું, બા…પણ સુનંદા હવે નથી એ વાત માનવા મારું મન તૈયાર જ થતું નથી.”

”દુ:ખનું ઓસડ દહાડા…જેવી  મારા  વા’લાની ઇચ્છા…પણ હવે ક્યાં લગી તું આમ  સોરવાતો રહીશ?” કૈલાસબાએ આંતરવ્યથા ઠાલવી.

મારું તો મગજ સૂન થઇ ગયું છે, બા.. ક્યારેક તો થાય છે કે બધું ફગાવીને ક્યાંક  ભાગી જાઉં? ક્યારેક થાય છે કે અગનપિછોડી ઓઢી લઉં કે પછી……”

ના, બેટા, ના.એમ હિંમત હાર્યે કાંઇ ન મળે. ભાગી જવાથી ઉપાધિ ઓછી થવાને બદલે વધતી જાય છે. ઠંડે કલેજે પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ…”બાએ સમજાવ્યું.

”તારી વાત સો ટકા સાચી પણ કરવું શું?”                                      

“તને ખરાબ  ન લાગે તો એક વાત કહું?”

જયવીરે કશો જવાબ આપ્યા વિના તેની સામે પ્રશ્નાર્થસૂચક નજરે  જોયું.

”જય-વિજયને માની હૂંફ  આપીએ,” કૈલાસબાએ ધીમેકથી મમરો મૂક્યો.

”ના, બા; એ નહિ બને. સુનંદાને સ્થાને બીજી કોઇ વ્યક્તિને હું કલ્પી જ શકતો નથી,” જયવીરે જરા ઊંચા અવાજે કહ્યું.

”સારું; જેવી તારી મરજી..તારી જિદને કારણે બેય ભાઇઓ માની મમતાથી વંચિત રહેશે, બીજું શું?”

કૈલાસબાએ વિચાર્યું,  “શી ઉતાવળ છે, હજી? બે ચાર મહિના પછી વાત….”દરમિયાન તેઓ પોતે જય-વિજયના ઉછેર પાછળ ધ્યાન  આપવા લાગ્યાં.

એવામાં જયવીરને  એક સમાજસેવી સંસ્થાના કાર્યક્રમમાં  હાજરી આપવી પડી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતી મુગ્ધા નામની યુવતી તેની નજરમાં વસી ગઇ.એ હસમુખ, મિલનસાર ને સંસ્કારી હતી. જયવીરે તેને એકાદ બે દિવસમાં મળવા પોતાને ઓફિસમાં બોલાવી.

મુગ્ધાના પિતા નહોતા; તે પોતાની વિધવા મા સાથે એકલી રહેતી હતી અને ફુરસદના  સમયામાં પેલી સંસ્થામાં સેવા આપવા જતી હતી. જયવીરે તેના ભણતર અને કુટુંબ વિશે પૂછપરછ કરી અને મુગ્ધાને વાંધો ન હોય  તો પોતે તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી. જયવીર પોતે વિધુર હોવાની તેમજ બે નાનાં બાળકોનો પિતા હોવાની વાત પણ કરી. મુગ્ધાએ બે ચાર દિવસમાં પોતે જવાબ આપશે એમ કહીને ઘેર પાછી ફરી અને પોતાની માતાની સલાહ પૂછી. બંને મા-દીકરીએ બે દિવસ સુધી આ બાબતનો વિચાર કર્યો અને છેવટે મુગ્ધાએ જયવીરને જીવનસાથી બનાવવા સંમતિ આપી.

જયવીરના આનંદનો પાર રહ્યો નહિ. તેણે કૈલાસબાને પણ ખુશીખબર આપ્યા. દાદીએ જય-વિજયને પણ નવી માને આવકારવા માનસિક રીતે તૈયાર કર્યા. જયવીર અને મુગ્ધાએ  સાદગીપૂર્વક જ લગ્ન કરાવાનું

ઠરાવ્યું. મુગ્ધાની મા કૈલાસબા સાથે હલી ગઇ. મુગ્ધા સાસરે આવી. તેણે પોતાની મમતાથી જય-વિજયનાં મન જોતજોતામાં જીતી લીધાં. જયવીર પણ હવે ખુશખુશાલ રહેતો હતો એ જોઇ કૈલાસબા પણ રાજી થયાં.

સમય જતાં સંસારના  નિયમાનુસાર મુગ્ધાને સારા દિવસો રહ્યા. તેણે શરમાઇને જયવીરને જાણ કરી. જયવીરે તેને ખૂબ લાડ લડાવતાં કહ્યું:”વાહ..આ તો તેં સરસ ખબર  આપ્યા..હવે તારે તબિયતનું ખૂબ  ધ્યાન  રાખવું  પડશે, સમજી? અને જરૂર જણાય ત્યારે આપણાં ફેમિલી ડોકટર સ્નેહાબહેનને તબિયત બતાવતી રહેજે.”

મુગ્ધા તો માત્રુત્વના વિચાર માત્રથી અનેરો રોમાંચ અનુભવવા લાગી. તેની માને ખબર પડી ત્યારે તેણે પણ ખાવાપીવામાં શું ધ્યાન રાખવું એની સૂચના આપી. કૈલાસબાને તેનાં લક્ષણો જોઇ ધ્રાસ્કો પડ્યો…”મુગ્ધા, શું થાય છે? તબિયત સારી નથી?” મુગ્ધા કંઇ જવાબ  આપે એ પહેલાં જ તેની મા એ જવાબ આપ્યો, “કૈલાસબા, મોઢું મીઠું કરાવો…તમે દાદીબા બનવાનાં…”

એ વાક્ય સાંભળતાં જ કૈલાસબા ધૂંઆપુંઆ થઇ ગયાં.તેઓ મુગ્ધા ઉપર વરસી પડ્યાં, “હજી જય-વિજયને ઉછેરવામાંથી જ ઊંચી આવી નથી ત્યાં આ નવી પળોજણ? મુગ્ધા, તું હવે નાની તો નથી જ …તારે સમજવું જોઇતું હતું ને??”

મુગ્ધાની  આંખો છલકાઇ ગઇ.તેણે જવાબ  આપવાનો પ્રયાસ કર્યો, “પણ બ, એમાં અમારી ક્યાં ભૂલ…?”

”ભૂલ નહિ તો બીજું શું? આ બેય છોકરાંઓ મા વિના હિજરાય છે તેનું ધ્યાન રાખવાને બદલે તારાં છોકરાં ઉછેરવાની છો?”

”આ તમે શું બોલો છો?બા, જય-વિજયને તો હું પેટનાં જણ્યાં જેટલો  પ્રેમ કરું છું…પૂછી જુઓ એ બંનેને…”

”મારે કોઇને પૂછાવું નથી,” કૈલાસબાએ કહ્યું, “એ બંને નિશાળે જતા ન થાય ત્યાં સુધી મારે ઘરમાં નાનાં

છોકરાંની જંજાળ નહિ જોઇએ..સમજી?”

મુગ્ધાઅને સમજાયું નહિ કે પોતે શું કરે? જયવીરની સલાહ લેવાનો કશો અર્થ નહોતો. તેણે ખૂબ મનોમંથન પછી સ્નેહાબહેનની સલાહ લેવાનું નક્કી કર્યું અને બીજે દિવસે ચૂપચાપ કોઇને પણ જાણ કર્યા વિના એ સ્નેહાબહેનને મળી અને તેને પોતાની સમસ્યા કહી.

”અરે, મુગ્ધા, તું નાહકની ગભરાય છે.બધું ઠીક થઇ જશે.તને કોઇ પ્રોબ્લેમ નહિ થાય…બધું હેમખેમ પાર ઉતરી જશે.”

“ના, મને એંધાણ સારાં લાગતાં નથી.બાને ગમતું એટલે, સ્નેહાબહેન,પ્લીઝ મારા ઉપર એક ઉપકાર કરશો?”

“બોલો, શું કરવું છે?” સ્નેહાબહેને પૂછ્યું.

”મારું ગર્ભાશય જ કાઢી નાખો ને ‘….”

”મુગ્ધા, તું જાણે  છે તું શું    કહી રહી છો?”

”હું બરાબર  સમજી વિચારીને જ કહું છું…અને જય-વિજય તો છેજ ને? પછી ક્યાં  વાંધો છે?” મુગ્ધાએ પૂરી

સ્વસ્થતાથી કહ્યું.

છેવટે સ્નેહાબહેને તેનું ગર્ભાશય કાઢી નાખ્યું. બે દિવસ પછી જયવીર અને કૈલાસબાને ખબર પડી ત્યારે તેઓ ડઘાઇ ગયાં….

”અરે, મુગ્ધા, આ તેં શું કર્યું?”કૈલાસબાએ પૂછ્યું.

”બા, આપણું કુટુંબ શાંતિથી રહે એ માટે આટલો ત્યાગ કંઇ મોટો કહેવાય?” મુગ્ધાએ વેધક પ્રશ્ન કર્યો..

 કૈલાસબા   શું બોલે?

(સૌજન્ય: અખંડ આનંદ-ડિસેમ્બર 2010)

મન

                  સહુનું  ગમતું  સદાય  કરતી,  સાચવે  સહુનું  મન,

                 મનનું  ગમતું  કરવાનું  એને  નહીં  થતું  હોય  મન?

                મા  પણ  થાકે, મા  કંટાળે, મા પણ  માંદી  થાય,

                ત્યારે જે  ના સમજાયું, એ  આજે  હવે  સમજાય;

                નાનપણે મા  યાદ  રહી  નહીં, પછી  યાદ  ના  આવી,

                આજ  હવે  સમજાય  છે આપણે  માને કેવી  ભૂલાવી?

               ગમતું અણગમતું કૈં  કેટલું  આપણે  રાખ્યું  યાદ

                સાવ નકામું સાચવવામાં, કામનું  થઇ  ગયું બાદ.

                સાવ એકલી તો યે  માતા  કામ  કેટલાં કરતી?

                કદી  કહ્યું  નહીં, થેંક્સ કે સોરી, તો યે  હેત વરસતી

                એ જ રસોયણ, એ જ તેડાગર, એ જ બની જાય  આયા,

                થાકે એની કાયા તો યે ફરતી એની  છાયા

                વાટ નીરખતી, માનતા  માનતી, મનમાં મંત્રો જપતી

                સાજા નરવા જોઇને  માતા દેવને  દીવો  ધરતી

                શંકા નહીં, એ ચિંતા કરતી, જ્યારે કરે સવાલ

                શબ્દથી ઝાઝું આંખ  બોલતી છલકી રહેતું વ્હાલ;

                મોટા  થઇને  બાપુ જેવા થાવાનું  મન  થાતું

                માના  જેવા  થઇ શકાય  નહીં, સત્ય હવે સમજાતું,

                નામ અને સરનામું થઇને બાપુ  સાથમાં  રહેતા,

                માની ઓળખ ભૂલાઇ જાતિ, સમયની સાથે વહેતા

                મા બાળકથી થાય ના જૂદી, ભલે કપાતી નાળ,

                 દૂર હોય કે પાસે, માતા સદાય લે  સંભાળ

                 જીવતી હોય એ જાળવી જાણજો, ના જાળવો તો ભૂલ

                 સ્મરણ  હોય તે મનમાં  માણજો, આંસુ બનશે ફૂલ;

                 મા ઈશ્વરથી અદકી છે, તમે કદી ન ભૂલશો આ,

                 ઈશ્વર સઘળે પહોંચી શક્યો નહીં, એથી બનાવી મા,

                 માને દુ:ખ દેવાથી મોટું  જગમાં  ના કોઇ  પાપ

                 આવા  પાપી થશો તમે તો ય મા તો કરશે માફ.    (સૌજન્ય: ગુજરાત સમાચાર).