Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

દ્વન્દ્વોનું દ્વન્દ્વ

દિગંબર સ્વાદિયા

એક કરતાં બે ભલાની કહેવત સાર્થક છે એ આપણાં રોજબરોજનાં જીવનમાં જોતા રહીએ છીએ. આપણા દૈનિક વ્યવહારમાં જ જુઓ ને…. માતાપિતા, પતિપત્ની, ભાઇબહેન, જીવનમ્રુત્યુ, સ્ત્રી પુરુષ, સુખદુ:ખ, રાત દિવસ,, દૂધ દહીં, વગેરે.  આવાં જોડકાંઓનો ચોલી-દામનનો સાથ હોય એવું નથી લાગતું?

    હકીકતમાં આવાં દ્વન્દ્વોમાંથી એકને નોખું પાડી જુઓ તો બીજામાં ખાસ કસ રહેશે નહિ. દાખલા તરીકે,  જીવન મ્રુત્યુમાંથી, માનો કે, જીવન હટાવી લો તો કેવળ મ્રુત્યુનું જ સામ્રાજ્ય છવાયેલું હોય એ વિચાર માત્રથી કંપારી નથી આવતી? અને મ્રુત્યુ હટાવી લો તો જીવનનો કેટલો ભરાવો થઇ જાય? આપણાં સ્વજનોમાંથી કોઇનું ક્યારે ય  મ્રુત્યુ ન થયું હોત તો આપણો  પોતાનો જ પરિવાર કેટલો બહોળો રહ્યો હોત? અને એવું દરેકની બાબતમાં બને તો? જરા વિચારી તો જુઓ.

    રાત દિવસની વાત કરીએ તો પરદેશનાં ઘણાં સ્થળો  એવાં છે કે જ્યાં રાતના આઠ દસ વાગે સૂર્યાસ્ત થતો હોય અને આપણાં કોલકાતા જેવાં શહેરમાં  સાંજના ચાર પાંચ વાગે ત્યાં અંધારું થવા માંડતું હોય. એમાં ભૌગોલિક કારણ ભલે ગમે  તે હોય, આપણે તો વિચાર કરીએ છીએ દ્વન્દ્વોનાં દ્વન્દ્વનો.

   ઘડીભર માનો કે ભગવાન તમારી સમક્ષ હાજર થઇને કંઇ પણ માગવાનું વરદાન આપે તો તમે શું માગો? કેવળ સુખ? કે પછી માતા કુંતીએ માગ્યું હતું એમ માત્ર દુ:ખ? હકીકતમાં દ્વન્દ્વનું અસ્તિત્વ હોય ત્યારે જ સમાજમાં સંતુલન  જળવાઇ રહેતું  હોય છે. દિવસ રાતની જોડીમાંથી  માત્રે દિવસ જ હોય તો કોને ગમે? અને ફ્ક્ત રાત્રી જ રહે તો શું  આપણે ચોવીસે કલાક ફ્ક્ત ઊંઘ્યા જ કરવાનું?

    વૈવિધ્ય જીવનનો અંતરંગ  ભાગ  છે. જમવા બેસીએ ત્યારે થાળીમાં  આપણી મનપસંદ અમુક જ મીઠાઇ, પકવાન કે વાનગીનો  ઢગલો હોય તો પણ આપણે રાજી થતા નથી. તેની સાથે જરા જુદા જુદા સ્વાદની બીજી વાનગીઓ પણ હોય તો આરોગવાની મજા આવે ને? રોટલી-શાક, ખીચડી-કઢી, કઢી-રોટલા,ઊંધિયું-જલેબી, શિખંડ-પૂરી, પૂરી-ભાજી, વગેરે જોડીઓએ આપણાં પાકશાસ્ત્રમાં અમરપદ મેળવી લીધું  છે.

    એવી જ રીતે ચા-પાણી, હવાપાણી, દવાદારૂ, તડકો-છાંયડો, ઠંડી-ગરમી, ભાવતાલ, ગીત-સંગીત વગેરે સંખ્યાબંધ જોડકાંઓ પણ આપણે વિસરી શકીએ નહિ. એક વિના બીજાનાં અસ્તિત્વની કલ્પના જ કરી શકાતી નથી. ભાષામાં વપરાતા શબ્દો તત્સમ કે તદભવ હોય, પદ્ય કે ગદ્ય લખાય, આશા-નિરાશા, નોકરી-બેકારી,ડાબું-જમણું, નાનું-મોટું, ગરીબ-અમીર,રંક-રાય, રાજા-રાણી, દાદા-દાદી, નાના-નાની,, શેઠ-વાણોતર,, લેખક-વાચક, ભાડુત-મકાનમાલિક, ગ્રાહક-વેપારી, દરદી-ડોકટર, વકીલ-અસીલ,ગુરુ-શિષ્ય, શિક્ષક-વિદ્યાર્થી,રાજા-પ્રજા, નેતા-જનતા, વક્તા-શ્રોતા, માનવ-દાનવ, જાનમાલ,મિલન-વિરહ, મોક્ષ-બંધન,સત-અસત, સૂર્યોદય-સૂર્યાસ્ત,દેરાણી-જેઠાણી, ભાઇ-ભાભી, બહેન-બનેવી, કાકા-ભત્રીજા, મામા-ભાણેજ, માસી-ભાણેજ,વગેરે.  જો કે આવું  દ્વન્દ્વ-વૈવિધ્ય કદાચ આપણી ભાષાઓમાં જ  છે. પરદેશમાં તો અંકલ અને આંટીમાં જ બધું સમેટી લેવાય  છે.

   કદાચ એટલે જ આપણા રુષિમુનીઓએ તેંત્રીસ કરોડ દેવતાની પરિકલ્પના રજૂ કરી હશે.  એક જ ભગવાને આપણી અબજોની વસતીની જરૂરિયાતો સંભાળવાની હોત તો એ ભગવાનપદેથી તાત્કાલિક રાજીનામું આપી દેત. આ તો જવાબદારીની વહેંચણી કરી લેવામાં  આવી છે. એટલે તમામ ભગવાન પોતાનાં ખાતાંનું ધ્યાન  રાખી શકે છે.

   વસવા માટે ગામડું કે શહેર એમ આપણે નક્કી કરીએ છીએ. પ્રવાસ માટે અનુકૂળતા પ્રમાણે આપણે નિર્ણય લઇએ છીએ. કલાપીને ઘડીભર યાદ કરીએ તો જ્યાં જ્યાં  નજર મારી પડે ત્યાં ઠેર ઠેર જોવા મળે છે    દ્વન્દ્વોનું જ દ્વન્દ્વ……

                                                                 

                                      **********                                        

Advertisements

ત્યાગ

ત્યાગ

                                                         કલ્પના  સ્વાદિયા

 

કૈલાસબા એ  હાશકારો  અનુભવ્યો..

જીવનની તડકીછાંયડી વેઠીને  તેમણે  આયખાંના સાત  દાયકા પૂરા કર્યા હતા. હવે કોઇ અબળખા રહી નથી. પતિ સુમંતરાયે ગામતરું કર્યાને ય આજકાલ  કરતાં દસકો વીતી ગયો હતો..

પોતાના એકના એક પુત્રને  તેની ઇચ્છા પ્રમાણે ભણાવ્યો હતો અને પોતાની નાતના એક  ખાનદાન  કુટુંબની સુશીલ પુત્રી સુનંદા સાથે ધામધૂમથી પરણાવ્યો હતો. સુનંદાએ સાસરે આવતાંવેંત ઘરની નાનીમોટી તમામ જવાબદારી સંભાળી લીધી હતી; એટલું જ નહિ પણે તેણે જય-વિજય નામના બે પુત્રોને જન્મ પણ આપ્યો હતો. સુનંદા જેવી પુત્રવધૂને પગલે ઘરમાં શાંતિ અને સમ્રુદ્ધિ જોવા મળતી હતી. કૈલાસબા પણ મૂડીનું વ્યાજ મેળવીને દાદીબા બની ગયાંનો ગર્વ અનુભવતાં હતાં.

મોટો જય પાંચ વરસનો અને નાનો  વિજય ત્રણ વરસનો હતો. દાદીબા તો તેને રામ-લક્ષ્મણની જોડી કહેતાં.જય સ્વભાવે શાંત હતો જ્યારે વિજય ભારે ઉત્પાતિયો  હતો. કોઇને પણ અદેખાઇ  આવે એવું આ કુટુંબ આનંદકિલ્લોલમાં દિવસો પસાર કરતું હતું……

પણ એ આનંદ ઝાઝો ટક્યો નહિ. કૈલાસબાના  સુખી પરિવારને  કોઇની નજર  લાગી ગઇ; આખા  ગામમાં

ઝેરી મેલેરિયાના વાયરા ફૂંકાયા…સરકારી હોસ્પિટલમાં દરદીને રાખવા માટે પૂરતી સગવડ થઇ શકી નહિ..

પરિણામે ઘણા દરદીઓ તો સારવારને અભાવે જ મ્રુત્યુ પામ્યા. સુનંદા પણ તેમાં ઝડપાઇ ગઇ અને આઠેક

દિવસની ટૂંકી માંદગી ભોગવીને એ સ્વર્ગવાસ પામી.

કૈલાસબાએ પુત્ર જયવીરને હિંમત  રાખવા કહ્યું. જયવીર તો દિગ્મૂઢ થઇ ગયો.. તેની આંખે અંધારાં આવવા લાગ્યાં. સુનંદા સાથેનાં પ્રસન્ન દાંપત્યજીવનનાં સંભારણાં  તેને કોરી ખાવા લાગ્યાં.

”મા ક્યાં ગઇ? ક્યારે આવશે?” એવા જય-વિજયના પ્રશ્નોનો તે શો જવાબ આપે? જયવીરની મૂંઝવણ જોઇને કૈલાસબા પણ અકળાતાં હતાં. તેઓ જય-વિજયને અને જયવીરને પણ સાંત્વના આપતાં પણ અંદરખાનેથી પોતે પણ હચમચી ઊઠ્યાં હતાં જ ને?

તેઓ વિચારતાં: ‘જયુની હજુ ઉમર જ શું છે? એ માની જાય તો તેને ફરીથી પરણાવી દઉં. તેને પત્નીનો સાથ મળશે અને બેય દીકરાઓને માની હૂંફ મળશે….પણ જયુ માનવો જોઇએ ને?”

અંતે એક દિવસ મોકો જોઇને કૈલાસબાએ વાત કાઢી, “જયુ બેટા,તારે હવે મનને શાંત કરવાની જરૂર છે…બેય છોકરાઓ પણ હિજરાય છે…”

હું  સમજું છું, બા…પણ સુનંદા હવે નથી એ વાત માનવા મારું મન તૈયાર જ થતું નથી.”

”દુ:ખનું ઓસડ દહાડા…જેવી  મારા  વા’લાની ઇચ્છા…પણ હવે ક્યાં લગી તું આમ  સોરવાતો રહીશ?” કૈલાસબાએ આંતરવ્યથા ઠાલવી.

મારું તો મગજ સૂન થઇ ગયું છે, બા.. ક્યારેક તો થાય છે કે બધું ફગાવીને ક્યાંક  ભાગી જાઉં? ક્યારેક થાય છે કે અગનપિછોડી ઓઢી લઉં કે પછી……”

ના, બેટા, ના.એમ હિંમત હાર્યે કાંઇ ન મળે. ભાગી જવાથી ઉપાધિ ઓછી થવાને બદલે વધતી જાય છે. ઠંડે કલેજે પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ…”બાએ સમજાવ્યું.

”તારી વાત સો ટકા સાચી પણ કરવું શું?”                                      

“તને ખરાબ  ન લાગે તો એક વાત કહું?”

જયવીરે કશો જવાબ આપ્યા વિના તેની સામે પ્રશ્નાર્થસૂચક નજરે  જોયું.

”જય-વિજયને માની હૂંફ  આપીએ,” કૈલાસબાએ ધીમેકથી મમરો મૂક્યો.

”ના, બા; એ નહિ બને. સુનંદાને સ્થાને બીજી કોઇ વ્યક્તિને હું કલ્પી જ શકતો નથી,” જયવીરે જરા ઊંચા અવાજે કહ્યું.

”સારું; જેવી તારી મરજી..તારી જિદને કારણે બેય ભાઇઓ માની મમતાથી વંચિત રહેશે, બીજું શું?”

કૈલાસબાએ વિચાર્યું,  “શી ઉતાવળ છે, હજી? બે ચાર મહિના પછી વાત….”દરમિયાન તેઓ પોતે જય-વિજયના ઉછેર પાછળ ધ્યાન  આપવા લાગ્યાં.

એવામાં જયવીરને  એક સમાજસેવી સંસ્થાના કાર્યક્રમમાં  હાજરી આપવી પડી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતી મુગ્ધા નામની યુવતી તેની નજરમાં વસી ગઇ.એ હસમુખ, મિલનસાર ને સંસ્કારી હતી. જયવીરે તેને એકાદ બે દિવસમાં મળવા પોતાને ઓફિસમાં બોલાવી.

મુગ્ધાના પિતા નહોતા; તે પોતાની વિધવા મા સાથે એકલી રહેતી હતી અને ફુરસદના  સમયામાં પેલી સંસ્થામાં સેવા આપવા જતી હતી. જયવીરે તેના ભણતર અને કુટુંબ વિશે પૂછપરછ કરી અને મુગ્ધાને વાંધો ન હોય  તો પોતે તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી. જયવીર પોતે વિધુર હોવાની તેમજ બે નાનાં બાળકોનો પિતા હોવાની વાત પણ કરી. મુગ્ધાએ બે ચાર દિવસમાં પોતે જવાબ આપશે એમ કહીને ઘેર પાછી ફરી અને પોતાની માતાની સલાહ પૂછી. બંને મા-દીકરીએ બે દિવસ સુધી આ બાબતનો વિચાર કર્યો અને છેવટે મુગ્ધાએ જયવીરને જીવનસાથી બનાવવા સંમતિ આપી.

જયવીરના આનંદનો પાર રહ્યો નહિ. તેણે કૈલાસબાને પણ ખુશીખબર આપ્યા. દાદીએ જય-વિજયને પણ નવી માને આવકારવા માનસિક રીતે તૈયાર કર્યા. જયવીર અને મુગ્ધાએ  સાદગીપૂર્વક જ લગ્ન કરાવાનું

ઠરાવ્યું. મુગ્ધાની મા કૈલાસબા સાથે હલી ગઇ. મુગ્ધા સાસરે આવી. તેણે પોતાની મમતાથી જય-વિજયનાં મન જોતજોતામાં જીતી લીધાં. જયવીર પણ હવે ખુશખુશાલ રહેતો હતો એ જોઇ કૈલાસબા પણ રાજી થયાં.

સમય જતાં સંસારના  નિયમાનુસાર મુગ્ધાને સારા દિવસો રહ્યા. તેણે શરમાઇને જયવીરને જાણ કરી. જયવીરે તેને ખૂબ લાડ લડાવતાં કહ્યું:”વાહ..આ તો તેં સરસ ખબર  આપ્યા..હવે તારે તબિયતનું ખૂબ  ધ્યાન  રાખવું  પડશે, સમજી? અને જરૂર જણાય ત્યારે આપણાં ફેમિલી ડોકટર સ્નેહાબહેનને તબિયત બતાવતી રહેજે.”

મુગ્ધા તો માત્રુત્વના વિચાર માત્રથી અનેરો રોમાંચ અનુભવવા લાગી. તેની માને ખબર પડી ત્યારે તેણે પણ ખાવાપીવામાં શું ધ્યાન રાખવું એની સૂચના આપી. કૈલાસબાને તેનાં લક્ષણો જોઇ ધ્રાસ્કો પડ્યો…”મુગ્ધા, શું થાય છે? તબિયત સારી નથી?” મુગ્ધા કંઇ જવાબ  આપે એ પહેલાં જ તેની મા એ જવાબ આપ્યો, “કૈલાસબા, મોઢું મીઠું કરાવો…તમે દાદીબા બનવાનાં…”

એ વાક્ય સાંભળતાં જ કૈલાસબા ધૂંઆપુંઆ થઇ ગયાં.તેઓ મુગ્ધા ઉપર વરસી પડ્યાં, “હજી જય-વિજયને ઉછેરવામાંથી જ ઊંચી આવી નથી ત્યાં આ નવી પળોજણ? મુગ્ધા, તું હવે નાની તો નથી જ …તારે સમજવું જોઇતું હતું ને??”

મુગ્ધાની  આંખો છલકાઇ ગઇ.તેણે જવાબ  આપવાનો પ્રયાસ કર્યો, “પણ બ, એમાં અમારી ક્યાં ભૂલ…?”

”ભૂલ નહિ તો બીજું શું? આ બેય છોકરાંઓ મા વિના હિજરાય છે તેનું ધ્યાન રાખવાને બદલે તારાં છોકરાં ઉછેરવાની છો?”

”આ તમે શું બોલો છો?બા, જય-વિજયને તો હું પેટનાં જણ્યાં જેટલો  પ્રેમ કરું છું…પૂછી જુઓ એ બંનેને…”

”મારે કોઇને પૂછાવું નથી,” કૈલાસબાએ કહ્યું, “એ બંને નિશાળે જતા ન થાય ત્યાં સુધી મારે ઘરમાં નાનાં

છોકરાંની જંજાળ નહિ જોઇએ..સમજી?”

મુગ્ધાઅને સમજાયું નહિ કે પોતે શું કરે? જયવીરની સલાહ લેવાનો કશો અર્થ નહોતો. તેણે ખૂબ મનોમંથન પછી સ્નેહાબહેનની સલાહ લેવાનું નક્કી કર્યું અને બીજે દિવસે ચૂપચાપ કોઇને પણ જાણ કર્યા વિના એ સ્નેહાબહેનને મળી અને તેને પોતાની સમસ્યા કહી.

”અરે, મુગ્ધા, તું નાહકની ગભરાય છે.બધું ઠીક થઇ જશે.તને કોઇ પ્રોબ્લેમ નહિ થાય…બધું હેમખેમ પાર ઉતરી જશે.”

“ના, મને એંધાણ સારાં લાગતાં નથી.બાને ગમતું એટલે, સ્નેહાબહેન,પ્લીઝ મારા ઉપર એક ઉપકાર કરશો?”

“બોલો, શું કરવું છે?” સ્નેહાબહેને પૂછ્યું.

”મારું ગર્ભાશય જ કાઢી નાખો ને ‘….”

”મુગ્ધા, તું જાણે  છે તું શું    કહી રહી છો?”

”હું બરાબર  સમજી વિચારીને જ કહું છું…અને જય-વિજય તો છેજ ને? પછી ક્યાં  વાંધો છે?” મુગ્ધાએ પૂરી

સ્વસ્થતાથી કહ્યું.

છેવટે સ્નેહાબહેને તેનું ગર્ભાશય કાઢી નાખ્યું. બે દિવસ પછી જયવીર અને કૈલાસબાને ખબર પડી ત્યારે તેઓ ડઘાઇ ગયાં….

”અરે, મુગ્ધા, આ તેં શું કર્યું?”કૈલાસબાએ પૂછ્યું.

”બા, આપણું કુટુંબ શાંતિથી રહે એ માટે આટલો ત્યાગ કંઇ મોટો કહેવાય?” મુગ્ધાએ વેધક પ્રશ્ન કર્યો..

 કૈલાસબા   શું બોલે?

(સૌજન્ય: અખંડ આનંદ-ડિસેમ્બર 2010)

મન

                  સહુનું  ગમતું  સદાય  કરતી,  સાચવે  સહુનું  મન,

                 મનનું  ગમતું  કરવાનું  એને  નહીં  થતું  હોય  મન?

                મા  પણ  થાકે, મા  કંટાળે, મા પણ  માંદી  થાય,

                ત્યારે જે  ના સમજાયું, એ  આજે  હવે  સમજાય;

                નાનપણે મા  યાદ  રહી  નહીં, પછી  યાદ  ના  આવી,

                આજ  હવે  સમજાય  છે આપણે  માને કેવી  ભૂલાવી?

               ગમતું અણગમતું કૈં  કેટલું  આપણે  રાખ્યું  યાદ

                સાવ નકામું સાચવવામાં, કામનું  થઇ  ગયું બાદ.

                સાવ એકલી તો યે  માતા  કામ  કેટલાં કરતી?

                કદી  કહ્યું  નહીં, થેંક્સ કે સોરી, તો યે  હેત વરસતી

                એ જ રસોયણ, એ જ તેડાગર, એ જ બની જાય  આયા,

                થાકે એની કાયા તો યે ફરતી એની  છાયા

                વાટ નીરખતી, માનતા  માનતી, મનમાં મંત્રો જપતી

                સાજા નરવા જોઇને  માતા દેવને  દીવો  ધરતી

                શંકા નહીં, એ ચિંતા કરતી, જ્યારે કરે સવાલ

                શબ્દથી ઝાઝું આંખ  બોલતી છલકી રહેતું વ્હાલ;

                મોટા  થઇને  બાપુ જેવા થાવાનું  મન  થાતું

                માના  જેવા  થઇ શકાય  નહીં, સત્ય હવે સમજાતું,

                નામ અને સરનામું થઇને બાપુ  સાથમાં  રહેતા,

                માની ઓળખ ભૂલાઇ જાતિ, સમયની સાથે વહેતા

                મા બાળકથી થાય ના જૂદી, ભલે કપાતી નાળ,

                 દૂર હોય કે પાસે, માતા સદાય લે  સંભાળ

                 જીવતી હોય એ જાળવી જાણજો, ના જાળવો તો ભૂલ

                 સ્મરણ  હોય તે મનમાં  માણજો, આંસુ બનશે ફૂલ;

                 મા ઈશ્વરથી અદકી છે, તમે કદી ન ભૂલશો આ,

                 ઈશ્વર સઘળે પહોંચી શક્યો નહીં, એથી બનાવી મા,

                 માને દુ:ખ દેવાથી મોટું  જગમાં  ના કોઇ  પાપ

                 આવા  પાપી થશો તમે તો ય મા તો કરશે માફ.    (સૌજન્ય: ગુજરાત સમાચાર).

હે પુત્ર, માની મમતાનો વિચાર કર……
જનની એટલે માતા. માતા એ ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન છે. તેની છાતીમાં માનવતા ઉછરે છે.
જે મસ્તી આંખોમાં છે તે મદિરાલયમાં નથી હોતી;
અમીરી દિલની કોઇ મોટા મહાલયમાં નથી હોતી;
શીતળતા પામવા કાં દોટ મૂકે, ઓ માનવી?
જે માની ગોદમાં હોય છે તે હિમાલયમાં નથી હોતી.
જો આજના દરેક સંતાનસ્નેહભાવથી પોતાના માતાપિતાની સાથે રહેતા અને સેવા કરતા થઇ જાય તો
સમાજના મોટા ભાગના પ્રશ્નો ઉકલી જાય અને દરેક ઘર એક સ્વર્ગ બની જાય.
પૈસા ખર્ચતાં બધું મળશે પણ મા-બાપ નહિ મળે; જ્યારે પ્રુથ્વી પર તમે પહેલો શ્વાસ લીધો ત્યારે તમારાં
માતા-પિતા હાજર હતાં; માતા=પિતાનો છેલ્લો શ્વાસ હોય ત્યારે તમારી હાજરી શું અનિવાર્ય નથી?
બચપન દૂધથી જીવે; ઘડપણ હૂંફથી જીવે. તને દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકતો નહિ. તું લાચાર હતો ત્યારે તને જેણે સાચવ્યો એ મા-બાપ લાચાર બને ત્યારે તું સાચવી લેજે. રાઇના દાણા જેવડી પથરી જો તને પેટમાં ત્રાહિમામ પોકરાવે છે તો બે કિલોના તને નવ નવ મહિના માએ પેટમાં કઇ રીતે ઉંચક્યો હશે? મા-બાપની આંખમાં બે વાર આંસુ આવે છે : દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.
માટે ભૂલો બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ.

(સૌજન્ય: ગુજરાત સમાચાર)

ક્રોધનું કુટુંબ

તમને નવાઇ લાગશે પણ ક્રોધનો પરિવાર છે.

  • * ક્રોધની બહેન નું નામ છે જિદ. તે હમેશા તેની સાથે જ રહે છે.

  • * ક્રોધની પત્નીનું નામ છે હિંસા કે છૂપાયેલી રહે છે પણ ક્યારેક બહાર આવીને ખાનાખરાબી કરે છે.

  • * ક્રોધનો સગો ભાઇ છે અહંકાર.

  • * ક્રોધનો બાપ પણ છે જેનાથી તે ડરે છે. તેનું નામ છે ભય.

  • * નિંદા અને ચાડી ચુગલી ક્રોધની દીકરીઓ છે. એક મોં પાસે અને બીજી કાન પાસે રહે છે.

  • * ક્રોધના દીકરાનું નામ છે વેરઝેર જે તેને એક્લો પાડે છે.

  • * ક્રોધની પુત્રવધૂનું નામ છે ઇર્ષા જે તેને આગળ વધવા દેતી નથી.

  • * ક્રોધની પુત્રી છે ઘ્રુણા જે હમેશા નાકની પાસે રહે છે અને વારંવાર મરડાયા કરે છે.

  • * ક્રોધની મા છે છળકપટ જે આંખોમાં રહે છે.

  • * ક્રોધનો મિત્ર છે સ્વાર્થ જે હરામની કમાણી ખાવા તૈયાર હોય છે.

(સંકલિત))

રાહ જોઇશ

રાહ  જોઇશ

રાહ  જો ઉં  છું તમારી

સ્વપ્ને મળવા  મથી તો નીંદર  રિસાણી,

યાદ  સળવળી તો પાંપણ  ભીંજાણી;

પ્રતીક્ષા હૈયામાં  ભરી તો મનમાં  મૂંઝાણી;

તમે  આવો તો ખરા

હવે તો છેલ્લા શ્વાસે પ્રીતિ મારી રુન્ધાણી

કલ્પનાબેન  સ્વાદિયા

યાદ કરું  છું

તને હું  યાદ કરું છું, સાંભળ મારા હૈયાનો  સાદ,

દીધા’તા કોલ જીવનના, નથી તને શું એ ઘડીની યાદ?

તને હું શમણામાં મળવા  આવું  મદભરી  રાત…  તને0

વિરહની વેદનામાં વીતી રહી છે જિંદગીની  સાંજ,

તને હું ઝંખું  છું (2) મારા રોમ રોમમાં , એક તારો નાદ…

તને હું સંભારું  છું પલ પલ, પલ પલ અશ્રુની મઝધાર,

તારી હું  વાટડી જોઇ  રહી છું પ્રતીક્ષાને દ્વાર..તને હું  સંભારું છું…..

કલ્પનાબેન  સ્વાદિયા

(આ વરસે  વેલેંટાઇન ડે નિમિત્તે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ઇનામ વિજેતા નીવડેલી આ કાવ્યક્રુતિઓ ખાસ “મધપૂડા”નાવાચકો માટે મોકલવા   બદલ  અમે કલ્પનાબેનના આભારી છીએ.)

***********************************

ઝરૂખે દિવા

 જીવનને સુખમય બનાવવાના  કેટલાક  નુસખા :

આંગળીમાં  કાંટો  વાગે ત્યારે ભગવાનનો  ખૂબ  આભાર માનો કે તે આંખોમાં નથી લાગ્યો.

ત્રીજા વર્ગમાં પાસ થયા હો  તો દુ:ખી ન થાઓ. જે મળ્યું છે તે તમારા પરિશ્રમનું ફળ છે. સારું થયું કે તમારું નામ

નાપાસ થનારાઓમાં નથી.

ચિતા ઓછી કરો.ખેલો-કૂદો વધુ; વાહનમાં ઓછા બેસો; પગથી ચાલો વધુ; નિરાશ ઓછા થાઓ; હસો વધુ;

ખાઓ  ઓછું; પચાવો વધુ; ખર્ચ  ઓછો કરો; બચાવો વધુ; ઉપદેશ ઓછો આપો; કામ કરો વધુ….

(સૌજન્ય: ઇશા કુંદનિકા લિખિત  “ઝરુખે દીવા”)

%d bloggers like this: