Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2008

 આ ત મ પં ખી 
 

આતમપંખી  પૂરાણું  કાયા  પીંજરે  રે,       
 મુક્તિ  કાજે  ફફડાવે  છે  પાંખ  રે,                      
 અંત  સમયે  વે’લા  આવજો  રે..                      
 વા’લા  અંત  સમયે હાથ  ઝાલજો રે….     
   પાંચ  તત્વોની  ઘડી  તેં  આ  પૂતળી  રે,       
 એના  ખેલ  બધા  તારે  હાથ  રે…..અંત  સમયે0          
        કાયા  કાચી  માટીનું  છે કોડિયું  રે,       
 એમાં  ભક્તિની પેટાવી  દ્યો જ્યોત  રે…અંત  સમયે0
        માયાનગરીમાં  જીવ  આ  ભૂલો  પડ્યો  રે,       
 એને  વૈરાગ્યની  વાંસળી  સંભળાવ રે… અંત  સમયે0
        હરિ હૈયાની  હાટડી સૂની  પડી  રે,       
 ભજન ભક્તિનો આપી  દે વેપાર  રે…અંત  સમયે0
        તન  તંબૂરો તૂ હી તૂ હી  બોલતો રે,       
 તારી ક્રુપાની  આપી  દે  કરતાલ  રે…અંત  સમયે0
        કરુણાના સાગર કાન  તમને  વિનવું રે,       
 તારાં  દર્શન્નાં  આપી  દે તું  દાન  રે….અંત  સમયે0
                                                       –કલ્પના  સ્વાદિયા.

Advertisements

Read Full Post »

            સિંદૂરની  સાક્ષીએ….                                                       -દિગંબર  સ્વાદિયા.
  પરીક્ષિતબાબુ રિટાયર  થયા. નવી  દિલ્હીના એક  ધમધમતા વિસ્તારમાં બેઠા  ઘાટના  એક  મકાનમાં તેઓ પત્ની  મીરાં  અને  પુત્રી  નંદિની  સાથે રહેતા  હતા. તેમની  ઇચ્છા  હતી  કે  થોડા  દિવસમાં નંદિનીને  લાયક કોઇ સારાં  વરઘર મળી  જાય  તો તેને  સાસરે  વળાવીને વતનમાં ઠરીઠામ  થઇને  રહેવું. તેમના ચોગાનમાં  એક  નાનો બ્લોક  બનેલો હતો. એ જો ભાડે  આપ્યો હોય  તો થોડી  આવક  પણ  થાય એવી  તેમની  ગણતરી  હતી. એ માટે તેઓએ  સ્થાનિક  અખબારમાં  જાહેર  ખબર  પણ  આપી હતી.    એ  વાંચીને જ એક દિવસ સાધારણ  દેખાતું  એક  દંપતી મકાન  જોવા  આવ્યું. બધી  વાત  કરી. શેખર  અને  દામિનીને મકાન  ગમ્યું. દર  મહિને પાંચ સો  રૂપિયાનું  ભાડું  નક્કી થયું. બે  દિવસ  પછી  એ  લોકો રહેવા  પણ આવી  ગયાં. મીરાંને  દામિનીનો સ્વભાવ સારો લાગ્યો.
   એક પ્રતિષ્ઠિત  કંપનીમાં  નોકરીએ  જતી  નંદિનીને જો કે આ વાત  ગમી નહોતી અને  તેણે મા-બાપ  સાથે દલીલ પણ  કરી  જોઇ:”શું જરૂર  હતી બહારની  કોઇ પણ  વ્યક્તિને  આપણાં  આંગણાંમાં  આવવા દેવાની?” માએ તેને  શાંત  પાડતાં કહ્યું: “તારે  અક્ળાવાની  જરૂર  નથી. માણસો સારા લાગે  છે.  આપણને  ઓથ  રહેશે.”   “અને  કાલે  સવારે  આપણે  વતનમાં  જવું  પડે તો પણ  ઘર  રેઢું  ન  રહે  ને?” પરીક્ષિતબાબુએ કહ્યું. નંદિની  ચૂપ રહી. ધીમે  ધીમે તેને પણ  દામિની  સાથે  સખીપણાં  થઇ ગયાં. શેખર  થોડો અતડો રહેતો . કોક વાર દામિનીનો ચહેરો પડી ગયેલો જોઇને નંદિની  તેને  પૂછતી:” શું  છે, ભાભી, તબિયત  સારી  નથી?”    દામિની  જવાબ  ટાળતી પણ  તેની  ચહેરાની  ગ્લાનિ જોઇને નંદિની  સમજી ગઇ કે  દામિની  જરૂર  કંઇક  છૂપાવે  છે. છેવટે  તેના  અતિશય આગ્રહ  આગળ  દામિની ઝૂકી  પડી.  તેણે  કહ્યું, “તમારા  ભાઇ  આજકાલ બહુ  મોડા  આવે  છે  અને  છાંટોપાણી  કરીને  આવે  છે  એટલે અમારે થોડી રકઝક  થાય  છે.”     “ઓહો, તો એમ  વાત  છે? બોલો, હું  તેને સમજાવું?” નંદિનીએ પૂછ્યું.     “ના, એનું  કાંઇ ઠેકાણું  નહિ.. ક્યાંક  તમારું  અપમાન  કરી  બેસે તો મારે તો મરવા  જેવું  થાય.”     “એની  તમે  ફિકર  કરો મા…આજે  આવવા  દો..”     શેખરને  આરામથી  સમજાવી  જોયો. એ તો સામો વિફર્યો. “”એ ય છોકરી, તારે એમાં  ડબડબ  કરવાની  જરૂર  નથી, સમજી?”     મીરાંને  તેની  આવી  રીત  ગમી  નહિ. તેણે  આસ્તેકથી  કહ્યું, “બેટા, એમાં તને  શું  ખાટુંમોળું  કહી  નાખ્યું?  દારૂથી  શરીર  ખરાબ થાય ને?”
    “ડોસલી, તું  પણ  તેને  ગાડે  બેસી ગઇ?  દામિનીએ જ ચડાવી  લાગે છે.”
   “ના, ભાભી શું  કામ  કહે?  અમે  જોઇ શકતાં  નથી?” નંદિનીએ કહ્યું.    “જો બેટા,” મીરાં  સમજાવતાં  બોલી, “નંદિનીના  બાપુજીને હજુ  એની ખબર પડે  એ  પહેલાં એમ  કરો..તમે  લોકો બીજે મકાન  ગોતી  લો..”    શેખર  એ  વાત  સાંભળીને  ખૂબ  તપી  ગયો. તેણે  મીરાંને  જવાબ  આપ્યો, “બીજે  રહેવા  જાઉં, એમ? તો મારી  એક  વાત  સાંભળી લે, ડોસી… આ  તારા  કપાળનું  સિંદૂર  ભૂંસાશે ને  ત્યારે હું ખાલી  કરીને  જઇશ…”     મા-દીકરી  હેબતાઇ જ ગયાં. શરાબી  માણસ  આટલો હલકટ  બની શકે એ વાત તેઓના  માન્યામાં  આવતી  નહોતી. સંજોગોવશાત તેઓ ત્રણેયને કોઇ કૌટુંબિક  કામે વતનમાં  જવાનું  થયું.
    વતનમાં  અચાનક  પરીક્ષિતબાબુની  તબિયત  લથડી. ડોકટરોની સારવાર  મળી  પણ તેમને  બચાવી  શકાયા  નહિ.  મા-દીકરી ઉપર જાણે કે આભ  તૂટી  પડ્યું.  જરૂરી  ક્રિયાકર્મ  પતાવીને  તેઓ દિલ્હી  પાછાં  આવ્યાં. દામિનીને  ખબર  પડી ત્યારે તેને પણ  થયું  કે  કેવાં કાળ  ચોઘડિયે શેખરે વેણ ઉચાર્યાં  હશે? તેને  બહુ દુ:ખ  થયું. શેખર કંઇ  બોલ્યો  નહિ.      દસ પંદર  દિવસ  પછી  એક  દિવસ  અડધી  રાતે  નંદિનીના  ઘરનું બારણું  કોઇએ  ખટખટાવ્યું. મા-દીકરી  સફાળાં  જાગી  ગયાં. નંદિનીએ બારીમાંથી જોયું  તો દામિની હતી. બારણું  ખોલ્યું. તેને  ચિતાતુર અવસ્થામાં જોઇને  નંદિનીએ પૂછ્યું, “શું  થયું, ભાભી?  શેખર  નથી  આવ્યો હજુ”      “આવી તો ગયા  છે  પણ તાવમાં  પટકાયા  છે. કંઇક  લવારો  કર્યા કરે છે. મને  ખબર  પડતી  નથી..માની  સલાહ  લેવા  આવી  છું”.      “મા  શું  કરવાનાં  હતાં? દવા પાઇ દ્યો..સૂઇ જશે.”      મીરાંએ  તુરત  તેને  કહ્યું, “ચાલ, હું  આવું  છું…નંદુ, તું રૂમ બંધ કરીને આરામથી  સૂઇ જા..હું  આવીશ ત્યારે જગાડીશ.”      “પણ, મા..”નંદિનીને  માના  નિર્ણય  ઉપર ગુસ્સો  આવ્યો…     “જે  થયું  એ  બધું અત્યારે  યાદ  કરવાનો સમય  નથી…અત્યારે તો મારી આ  બીજી  દીકરીના  ચૂડી અને  ચાંદલાનો સવાલ  છે…ચાલ, બેટા, “ કહીને મા દામિની  સાથે શેખરની  સારવાર  માટે  ગયાં. નંદિની સમસમીને  બેઠી  રહી.     મીરાંની  સૂચના  મુજબ  દામિનીએ  પોતાં  મૂકવાં  શરુ કર્યાં. મીરાં પોતે તેનાં  માથાં ઉપર  પ્રેમથી  હાથ  ફેરવીને  ગાયત્રી  જાપ કરવા  લાગી. ધીમે ધીમે  શેખરને  આરામ લાગવા  માંડ્યો એટલે તેને ઊંઘ  આવી ગઇ. દામિની માનાં  વાત્સલ્ય  આગળ  નમી  પડી. બીજે  દિવસે  શેખરને  બધી  વાતની જાણ  થઇ ત્યારે તે મીરાંને  ચરણે  પડીને  ખૂબ  રડ્યો  અને  પોતાનાં અમંગળ  વચનો બદલ  માફી  માગી.
    મીરાંએ  કહયું, “બેટા  શેખર, થવા  કાળ  થઇ ગયું. આપણે તો ઉપરવાળાના  હાથનાં  રમકડાં  છીએ. તું  નાહકનો કોચવાઇશ નહિ.” 
   ત્યાર  પછી તો શેખરે  સગા  દીકરાની  જેમ  ફરજ  બજાવીને મા- દીકરીની  સેવા  કરી  અને  નંદિની માટે  સારાં  માગાં  આવ્યાં  ત્યારે તેને ધામધૂમથી  પરણાવી.     જેનાં  કવેણથી  પોતાનું  સૌભાગ્ય  નંદવાયું  હતું  તેના  જીવન-મરણની ઘડીએ  બધું  ભૂલી  જઇને  પોતાનું  કર્તવ્ય  નિભાવનારી  એ માતા કે  નંદિની પણ  હવે  હયાત  નથી પણ  તેઓની  આવી  ક્ષમાપનાનો પ્રસંગ આજે પણ  તેમનાં  પરિવારજનો  ભૂલ્યાં  નથી.

 

Read Full Post »

               ત પ સ્વિ ની                                                                      -દિગંબર   સ્વાદિયા     

ચાલીસ  બેતાલીસ  વર્ષો પહેલાંનો એ પ્રસંગ  આજે  પણ  મારા  સમ્રુતિપટ ઉપર  તાજો છે. એ  દિવસોમાં  હું  આકાશવાણી, દિલ્હીના  સમાચાર  વિભાગમાં  નોકરી  કરતો હતો. એ વર્ષોમાં અધિક માસ  આવ્યો ત્યારે થોડા  દિવસ હરદ્વાર-રૂષિકેશમાં  ગાળવા  જવાની  અમને  ઇચ્છા  થઇ. જરૂરી  તૈયારી કર્યા પછી  મારાં પત્ની  કલ્પના અને  બે  ભૂલકાં – અર્ચના અને  સુધાંશુ – સાથે મેં પ્રસ્થાન  કર્યું.       હરદ્વારના  ગુજરાતી  સમાજમાં ઉતરવાની  સગવડ  થઇ ગઇ.  સાંજના  હર કી પૌડીનાં ભક્તિ-સભર  વાતાવરણમાં  થતી  ગંગાજીની  આરતીનાં  દર્શન  કર્યાં. ગંગાના  ધસમસતા પ્રવાહમાં  ફૂલોના  પડિયામાં  દીપ પ્રગટાવીને  તેને  નદીમાં  તરતો મૂકવાની  અને પાણી ઉપર
તેને  હાલક ડોલક  ઝૂલતો જતો  જોવાની  ખૂબ  મજા  આવી.  કનખલ, ભારત માતા  મંદિર,અને અન્ય  આશ્રમો પણ  જોયા.      હરદ્વારથી  ઉ.પ્ર.રોડવેઝની  બસમાં  રૂષિકેશ  પહોંચ્યા. ત્યાં  મુનિ કી રેત  ખાતે  શ્રી શિવાનંદ આશ્રમ  છે  એની  મને  ખબર  હતી. હકીકતમાં  દિલ્હી  નોકરી  માટે  જવાનું  થયું એ પહેલાંનાં પાંચેક  વર્ષો  અગાઉ  કેવળ  જિગ્નાસા  ખાતર મેં  સ્વામી  શિવાનંદજીને લખેલા  એક પત્રનો તેમણે  મને  જવાબ  લખ્યો હતો  અને  આશ્રમ જોવા  આવવાનું  સૂચન  પણ  કર્યું  હતું. સંજોગોવશાત  ત્યારે જઇ શક્યો નહોતો.      આથી  સહ-કુટુંબ  ત્યાં  પહોંચ્યો ત્યારે  ત્યાંનો ભવ્ય  ગંગા કિનારો, કિનારે  બંધાયેલું આલિશાન  ગુજરાત  ભવન, સ્વામીજીની  કુટિર, આશ્રમની  હોસ્પિટલ, પોસ્ટ  ઓફિસ, અન્નક્ષેત્ર, સડકની  સામે  ટેકરી ઉપર  આવેલું  શ્રી  વિશ્વનાથ મંદિર, ભોજનાલય, સ્વામીજીની  સમાધિ, યોગ વેદાંત  મુદ્રણાલય  વગેરે  જોઇને  અમે  ખૂબ  પ્રસન્નતા  અનુભવી. ત્યાંથી  થોડે દૂર લક્ષ્મણ ઝૂલા  હતો. (હવે તો આશ્રમ પાસે જ  શિવાનન્દ  ઝૂલા પણ બની  ગયો છે.) સામે પાર  પરમાર્થ નિકેતન, ગીતા  ભવન વગેરે  આશ્રમો  દેખાતા  હતા  અને  ત્યાં  જવા  માટે એ વખતે હોડીની નિ:શુલ્ક  સેવા  મળતી  હતી.       મંદિરનાં  પ્રાંગણમાં જ  એક  વિશાળ  સત્સંગ  ખંડ  હતો. અમને  કહેવામાં  આવ્યું  હતું કે એ  ખંડમાં  ઓમ  નમો નારાયણાયનો અખંડ  જાપ  ચાલે  છે  અને  અમે  પણ  તેમાં  ભાગ લઇ શકીએ  છીએ. એ ખંડમાં  દિવ્ય  જીવન  સંઘના  વિદ્વાન  સ્વામીઓનાં  ગીતા, યોગ તેમજ  અન્ય વિષયો પર  પ્રવચનો થતાં અને અમે  તેમાં  હાજરી  આપતા. એ પ્રસંગે  સ્વામી ક્રુષ્ણાનંદજી, સ્વામી  અધ્યાત્માનંદજી વગેરેનાં  પ્રેરક  પ્રવચનો  સાંભળવાનો લહાવો લીધો હતો. એ પછી તો
અનુકૂળતા  મળતી  એ પ્રમાણે   આશ્રમની  મુલાકાતે  ઘણી  વાર  જવાનું  થયું છે.       એ હોલમાં  પ્રવેશતાં જ ડાબી  અને  જમણી  તરફ  સંગેમરમરની  બે અત્યંત  મનમોહક પ્રતિમાઓ જોઇ શકાતી હતી. એમાંથી  એક  ચામુંડા  માતાની  હતી. બીજી  મા  સરસ્વતીની હતી એવું સ્મરણ થાય  છે.  એ મૂર્તિઓ જોઇને  હું  ખૂબ  પ્રભાવિત  થયો હતો.
       એ કોણે અને ક્યારે બનાવી  હશે એ જાણવાની  સ્વાભાવિકપણે  મને  ઉત્કંઠા  હતી; ત્યાં જ એક  સ્વામીજીએ  મને  સમજાવ્યું કે  દેશ વિદેશથી  અનેક  સાધકો સ્વામીજીના  સાન્નિધ્યમાં  સાધના  કરવા  આવતાં રહેતાં  હતાં. એ રીતે  થોડાં  વર્ષો પહેલાં  જર્મનીથી  એક  સાધિકા તેમનાં દર્શને  આવી  હતી. અહિંનું  વાતાવરણ અને  સ્વામીજીની  પ્રતિભા  જોઇને  તેણે  સ્વદેશ પાછા ફરવાનો  વિચાર  માંડી  વાળ્યો અને  સ્વામીજીની  અનુમતિ મેળવીને તે  આશ્રમની  સેવામાં ઓતપ્રોત  થઇ ગઇ. સ્વામીજીએ  તેને  દીક્ષા  આપી અને  તેને  ઉમા નામ  આપ્યું એવું તેમણે  મને  કહ્યું  હોવાનું  સ્મરણ થાય  છે.         કાલાંતરે સ્વામીજીએ  સમાધિ લીધા  પછી તેનું  મન  ઉદાસ  રહેવા લાગ્યું. તેને  આસપાસના  પહાડોમાં  જઇને  એકાંતમાં  સાધના  ચાલુ રાખવાનો વિચાર  આવ્યો. ખૂબ મનોમંથન પછી  અને  આશ્રમના  વરિષ્ઠ  સ્વામીઓની  સલાહ  લઇને તે  આસપાસના  કંદરાઓ ઘૂમી  વળી.  છેવટે  તેને  લક્ષ્મણ ઝૂલાથી  થોડે દૂર  એક  પહાડ  ઉપર એક  અવાવરૂ ગુફા  મળી આવી. તેના આગળના  પ્રવેશ માર્ગ  આડા  મોટા  પત્થરો  પડ્યા  હતા. તેની  પાછળના  ભાગમાં એક  સાંકડું  બાંકોરું  હતું પણ  તેની  આગળ પણ  કાંટાં  ઝાંખરાંનાં  ઝૂંડ  હતાં. તેમણે   હિમત હાર્યા  વિના એ રસ્તો સાફ કર્યો અને  ધીમેથી  એ  અંધારી ગુફામાં પ્રવેશ્યાં.
         ત્યાર  પછી તેમણે  ગુફા અંદરથી  સાફ  કરી  અને  તેનાં પ્રવેશદ્વાર પાસે નાનકડી ઝાંપી બનાવી. તેમના  શિલ્પકામના  શોખને  ગુફામાં પણ થોડો વખત  પોષ્યો અને બીજી એકાદ  બે પ્રતિમાઓ બનાવી. તેમને  સંગીતનો  શોખ  હતો એટલે  તેમની  સિતાર પણ ત્યાં  પડી  હતી. તેમણે  પૂજાસ્થાન  બનાવીને  ત્યાં ધૂપ દીપ વગેરે  રાખ્યાં. એ જ ગુફાની  બહાર  સહેજ ઊંચાઇ પર બીજી એક  બખોલ હતી જ્યાં  તેમણે  પોતાનો નિવાસ  રાખ્યો હતો. નીચેના   પરમાર્થ નિકેતનના સહકારથી   એકાદ  બે  સ્થાનિક  માણસો જંગલમાંથી જડીબુટ્ટી  લાવી, માતાજીની સૂચના પ્રમાણે  ખાંડીને તૈયાર  કરતા એવું  અમે  જોઇ શક્યા. ગુફામાં નાનું  પૂજાસ્થાન પણ બનાવવામાં  આવ્યું  હતું.           આવાં તપસ્વિનીનાં  દર્શન કરવાની  મને  ઇચ્છા  થઇ પણ અજાણી  ભોમકામાં એકલા સાહસ  નહિ કરવાની  મને  સલાહ મળી. એ દિવસોમાં  રાજકોટથી  મોટી ઉમરનાં કેટલાંક બહેનો અધિક માસ નિમિત્તે આશ્રમમાં  ઉતર્યાં હતાં અને તેઓએ પણ મારી  સાથે તપસ્વિનીનાં દર્શને આવવાની ઇચ્છા વ્યક્ત  કરી. મેં તેમને ચઢાણનાં જોખમોની વાત  કરી પણ તેમણે હિંમત બતાવી. અમારો કાફલો સવારના  નવેક  વાગ્યા પછી ઉપડ્યો. લક્ષ્મણ  ઝૂલા પાર  કરીને નિર્ધારિત કેડીએ અમે  ચઢાણ  શરુ  કર્યું. કાચો રસ્તો હતો એટલે  આ  બધાંને સંભાળપૂર્વક ચાલવાનું અમે  કહ્યું. આટલા  કાફ્લામાં પુરુષોમાં  હું  એકલો જ હતો એટલે સાવધ  રહેવું  પડતું. એકાદ  કલાક પછી સામેની  ભેખડ નીચે એક  વીરડો દેખાયો, જેમાં  ઠંડું  સ્વચ્છ પાણી પહાડમાંથી  આવતું  હતું. અમે સહુએ પાણી  પીધું અને હાથ મોધું પણ  ધોયાં તો ય પાણી  ઘટ્યું કે  ઢોળાયું  નહિ. તાજામાજા થઇને  અમે  આગળ ચાલ્યા  અને  વીસેક મિનિટમાં  યથાસ્થાને  પહોંચ્યા.             ગુફા  બંધ  હતી. જો કે  ઝાંપીમાંથી  અંદર દીવો બળતો જોઇ શકાતો હતો; સિતાર પડી હતી  અને  એકાદ  બે  મૂર્તિઓ બનેલી  જોવા  મળતી  હતી. બહાર  બેસીને જડીબુટ્ટી  ખાંડતા બે માણસોને  અમે માતાજી  વિશે  પૂછ્યું તો તેમણે  ઉપરની નાની  ગુફા તરફ આંગળી  ચીંધીને કહ્યું કે તેઓ ત્યાં છે. તમે ચઢાણની  શરૂઆત  કરી હશે ત્યાં જ તેમને તમારા  આવવાની જાણ  થઇ ગઇ હતી. અમે ગુફા જોવાની  ઇચ્છા  પ્રદર્શિત કરી . બહારથી તાળું  હતું.            બરાબર  એ જ વખતે ઉપરની ગુફા આગળ પડેલી મોટી શિલાની  પાછળ શ્વેત વસ્ત્ર લપેટેલાં એ માતાજીએ  ડોકું  કાઢ્યું. અમે સહુએ પ્રણામ  કર્યાં, અમારી  સાથે  આવેલાં  બહેનો તો ભાવવિભોર  બનીને તેમનો ચરણ સ્પર્શ કરવા  અને  તેમને  ચરણે પૈસા ધરવા  અધીરાં થયાં પણ તેમણે  અમને એમ કરતાં  વાર્યાં. ત્યાં રહેલા માણસોએ અમને  તેમની  સાથે માત્ર  હિન્દીમાં જ બોલવાની સૂચના  આપી. મેં તેમને ગુફામાં જઇને  દર્શન કરવા દેવા માટે વિનંતી કરી. તેમણે પેલા  માણસોને તાળું  ખોલી  દેવા કહ્યું. અમે ગુફામાં  દાર્શન કર્યાં. અંદર  અદભૂત  શાંતિ હતી. અમે  બહાર  આવ્યાં પછી  માતાજીએ અમને  કહ્યું, “આપ સબ  લોગ બહોત દૂર સે  આયે  હૈં.. વાપસ  જાને મેં ભી  સમય  લગેગા…ધૂપ  હો ગઇ હૈ ઔર આપ કે  સાથ છોટે  બચ્ચે હૈં ઇસ લિયે અબ  આપ  લોગ  આરામસે  લૌટ જાઇયે.”
            અમને  એટલી  સૂચના  આપીને  તેઓ પાછાં અંતર્ધ્યાન  થઇ   ગયાં. અમે દસેક મિનિટ  આરામ  કરીને  નીચી ઉતરવા  લાગ્યાં. રસ્તો કાચો અને પથરાળ  હતો એટલે ખૂબ આસ્તેકથી  ઉતરવાનું  હતું. વચ્ચે થોડી વાર વિશ્રામ  કરતાં  કરતાં  દોઢેક કલાક પછી અમે હેમખેમ પાછાં  ફર્યાં  ત્યારે  કોઇ દૈવી શક્તિનો સાક્ષાત્કાર થયાની  અનુભૂતિ થતી  હતી.

                                          ***********
        

Read Full Post »

%d bloggers like this: