Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2011

વાં ઝ ણી મા

વાં ઝ ણી   મા

                                                                                          કલ્પનાબેન સ્વાદિયા

    કેતકીએ કેલેંડર સામે જોયું. આજે સોમવાર હતો. આકાશવાણી ઉપરથી તેનો મનપસંદ સાપ્તાહિક કાર્યક્રમ “મહિલામંડળ” શરૂ થવાની તૈયારી હતી. બરાબર બાર અને એક મિનિટે તેને કાર્યક્રમની વિગતો સાંભળવા મળી. આજે માત્રુત્વના મહિમા વિશે કોઇ બહેનનો વાર્તાલાપ હતો.  ઉદઘોષિકાએ પૂર્વ ભૂમિકા તરીકે આ ગીત સંભળાવ્યું:

                        ધોયો ધફોયો મારો સાડલો,

                               ખોળાનો ખૂંદનાર દ્યો ને રન્નાદે,

                                         વાંઝિયાનાં મે’ણાં માતા દોહ્યલાં…

     એ ગીતના શબ્દો તેના હ્રદયની આસપાસ વીંધતા રહ્યા. કાર્યક્રમ સાંભળવામાં તેનું ચિત્ત ન રહ્યું. કેતકીનું ભગ્ન હ્રદય એ ગીત સાંભળીને વ્યથિત થઇ ગયું. તેનું અત્રુપ્ત માત્રુહ્રદય  ભારે અજંપો અનુભવી રહ્યું. તેની આંખોને ટોડલે મોતીનાં તોરણ બંધાયાં…શ્રાવણ  ભાદરવો વહેવા લાગ્યાં…તે પલંગમાં ફસડાઇને ધ્રુસકે ચડી.

     તેના માનસપટ ઉપર છ વરસ પહેલાંનો ભૂતકાળ  જાણે કરવટ બદલી રહ્યો. તેના  મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું.હ્રદયની કોઇ અતલ કોતરોનાં ઊંડાણમાંથી  કોઇકનો કોમળ સ્વર પડઘાતો રહ્યો…”મા…મા….મા…”તેણે મોઢું ધોયું…સ્વસ્થ બનવાની કોશિશ કરી…અરીસામાં નજર ગઇ પણ તે પોતાનો ચહેરો જ ઓળખી ન શકી…”વાંઝિયાનાં  મે’ણાં  માતા દોહ્યલાં….”પણ પોતે ક્યાં વાંઝણી હતી? પણ સમાજે તો તેનાં નામ આગળ એ મે’ણું લગાવી દીધું હતું ને? સમાજને પોતે ખમ્મા ખોળાનો ખૂંદનાર  આપ્યો હતો પણ સમાજને તેની ક્યાં જાણ છે? અને જાણ થઇ જાય તો? એ વિચાર માત્રથી કેતકીનું આળુ હ્રદય કંપી ઊઠ્યું…

    ઘણી વાર તેના મનમાં થતું કે કમલેશ તો તેના પતિ છે. તેમનાથી કંઇ છૂપાવવાનું  શું  હોય? તેમને વિશ્વાસમાં લઇને તેમને પોતાના અતીતથી પરિચિત કરાવ્યા હોય તો? પોતાના મનનો બોજ પણ હલકો  થઇ જાય….પણ તેની સાથોસાથ મનના કોઇ અગોચર ખૂણામાંથી ચેતવણીનો સૂર પણ સંભળાતો…”જોજે, રખે ને એવું ગાંડપણ કરતી…એમ કરવાથી તું ક્યાંયની નહિ રહે…તારી મમતા અને ભાવનાની કદર થવી તો દૂર રહી, ઊલટું  “કુલટા”,”પતિતા” અને “ચારિત્ર્યહીન” જેવા શબ્દો તારું જીવન દોજખ બનાવી દેશે અને તારી આબરૂ ધૂળધાણી થઇ જશે.” કેતકી મનમાં જ સમસમી રહેતી પણ આજે તેનું માનું દિલ બળવો પોકારી રહ્યું હતું.

    કોલેજ જીવનના એ દિવસો હતા.સહુ મિત્રો અને બહેનપણીઓ સાથેની ધિંગામસ્તીના એ દિવસો કેમ ભૂલાય? એમાં ય તેનાથી આગળનાં વરસમાં ભણતો કેતન નામનો તેજસ્વી વિદ્યાર્થી તેની નજરમાં ક્યારે વસી ગયો  તેની ખબર પણ ન રહી. તે અભ્યાસમાં હોશિયાર તો હતો જ..તેની રીતભાત અને વિનય જોઇને કેતકીની જેમ અનેક યુવતીઓ તેના ઉપર વારી જતી હતી. એવામાં કોલેજનો શાનદાર શરદોત્સવ ઉજવાયો ત્યારે  તેના વિવિધ કાર્યક્રમોમાં  કેતન-કેતકીની જુગલ જોડી છવાઇ ગયેલી જોઇને બધા વિદ્યાર્થીઓમાં તેઓ સારસાઆઅ-બેલડીનાં ઉપનામથી પંકાઇ ગયાં.

    કેતકી ધનવાન માતાપિતાની લાડકવાયી પુત્રી હતી. વળી સંતાનમાં તે એકલી જ હોવાથી તેનો પડ્યો બોલ ઝીલાતો. કોઇ પણ જાતની રોકટોક વગર તેની યૌવનવેલ પાંગરવા માંડી હતી. યુવાની અને વસંત જાણે એકાબીજાની હોડમાં ઉતર્યાં. બાગમાં જ્યારે વસંતનાં વધામણાં  થાય ત્યારે યૌવનની કળી ખીલું ખીલું થઇ રહી હોય અને એ વખતે ભ્રમરોને શોધવા જવું પડે ખરું? એ તો કળીની મહેકથી જ ખેંચાઇ આવે છે. કેતનની આંખોમાં પણ  કેતકીનાં કામણ જોવા મળતાં હતાં પણ પોતાનું કોલેજનું આ છેલ્લું વરસ  હતું  અને કેતકીને તો હજુ વાર હતી. કેતકીના મનમાં પણ આ અજંપો  પડઘાતો હતો..કેતન જશે  પછી? તેણે એક દિવસ તેને પૂછી પણ જોયું: “તું તો આ વરસે પાઅસ થઇ જઇશ. પછી મુંબઇ  છોડીને વતન તો નહિ જતો રહે ને?”

    “અરે ગાંડી, વતનમાં જઇશ તો શું મારી પ્યારી કેતકી મારાથી દૂર હશે શું? બસ, તું પણ બી.એ. પૂરું કરી લે પછી તું સદા સદાને માટે મારી જ બની જશે….આપ્ણે લગ્ન કરી લઇશું…હું મારી બાને પણ તારી વિશે વાત કરી લઇશ….હવે  તો ખુશ ને?”

    કેતનના શબ્દોએ તેના ઉપર જાદુ કર્યું.તેણે માની લીધું કે હવે દુનિયાને કોઇ તાકાત અમારા પ્રેમને અવરોધી નહિ શકે…અને જે કાલે પોતાના જીવનનો સુકાની  થવાનો હોય તેને અત્યારથી જ પોતાનું તન-મન સોંપવામાં વાંધો ય શો હોય? કેતકી આનંદવિભોર થઇ ગઇ….કેતન સાથેના વ્યવહારમાં તે સંપૂર્ણપણે ડૂબી ગઇ. કેતન તેના રોમેરોમમાં સમાઇ ગયો….પણ માણસ ધારે છે કંઇ અને ઈશ્વર કરે છે કંઇ,,,વિધાત્રી તેઓનાં જીવનમાં પ્રચંડ આંધીનાં એંધાણ આપી રહી હતી.

    કેતકી તો ઘરમાં પણ સ્વપ્નોમાં જ ખોવાયેલી રહેવા લાગી. તેની માતાને ચકોર નજરથી આ છાનું ન રહ્યું. તે જાણતી હતી કે કેતન સાથે ક્યારેક કેતકી વધુ પડતી છૂટ લેતી હતી પણ તેને સમજાવવા જતાં ક્યાંક કેતકી તેનું અપમાન કરી બેસે તો? એ ડરથી તે ચૂપ રહેવાનું પસંદ કરતાં…અને એમ તો કેતન પણ સરસ મજાનો ફૂટડો યુવાન હતો. બંન્નેની જોડી પણ સરસ લાગતી હતી..તો ય આજકાલનાં પતંગિયાંનો શો ભરોસો? રખે ને ક્યાંક છેહ દઇ દે તો? દીકરીની જાત તો રઢિયાળી રાત જેવી…બહુ સાચવવી પડે…કંઇ આડુંઅવળું  કરી બેસે તો સમાજમાં મોઢું બતાવવું ભારે પડે ને? આવ્આ સારા નરસા વિચારો કરતી એ બેસી રહેતી. કેતકીના પિતા પ્રભુદાસ તો પોતાના ધંધામાં જ એટલા ગળાડૂબ રહેતા કે ઘરમાં શું થાય છે, કોણ આવે છે. કોણ ક્યાં જાય  છે એની તેમને જરા ય ચિંતા જ નહોતી. એમાં વળી કેતકી હવે ઉમરલાયક થતી જાય છે એટલે એને વરાવવા પરણાવવાનો  સમય  થઇ ગયો છે એ તો તેમને સમજાય જ ક્યાંથી? કેતકીની માતાને જ એ બધા કડવા ઘૂંટડા પીવાના  હતા.

    પરીક્ષા તો આવી અને ગઇ પણ ખરી.કેતન થોડા દિવસ માટે પોતાને વતન ગયો…કેતકી તેના પાછા આવવાની રાહ જોતી રહી…તેને પેલી પંક્તિઓ યાદ આવી ગઇ :

                  સ્મરણ  લીલું  કપૂરી પાન જેવું,

                  હવામાં ચોતરફ લોબાન જેવું……

                                     (અદમ ટંકારવી)

     કેતકીના જીવનમાં પાનખર અટ્ટહાસ્ય કરતી ઊભી રહી. કેતન કેમ ન આવ્યો? બાને સમજાવી શક્યો નહિ હોય? એ ચિંતામાં તેની તબિયત થોડી લથડી પણ ભોળી કેતકીને  તેનું કારણ સમજાયું નહિ. મા સમજી ગઇ. કેતકી મા બનવાની હતી. તેણે કેતકીને કહ્યું કે કેતન સાથેના પ્રેમનું પ્રતીક તેના ઉદરમાં છે. કેતકી સમસમી ગઇ.તેણે કેતનને જલદી પાછા આવી જવાની વિનંતિ કરતો પત્ર લખ્યો.

    ત્રીજે દિવસે જ કેતનની બહેને લખેલો જવાબ  આવ્યો. એ પત્ર વાંચીને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. માએ વિચાર્યું કે હવ્એ કેતકીને વઢવાનો કંઇ અર્થ નહોતો. તેમણે કેતકીને આશ્વાસન આપતાં કહ્યું, “બેટા, આ આફ્તમાંથી ઉગરવાનો એક જ માર્ગ  છે કે તું કેતનને તાર કરીને તેડાવ અને તમે બન્ને તુરત લગ્ન કરી લો.” માના ઉદાર વલણથી કેતકીનું હ્રદય ઝૂકી ગયું પણ હવે શું? તેણે કેતનની બહેને લખેલો પત્ર માને વાંચવા આપ્યો. પત્ર વાંચીને માના હ્રદયના ધબકારા વધી ગયા. તેની આંખો સામે અંધકાર છવાઇ ગયો. તેને પોતાની લાડલી પુત્રીના ભવિષ્ય માટે જાત જાતના અમંગળ વિચારો આવવા માંડ્યા. સાથોસાઅથે તેમને પોતાના પ્રતિષ્ઠિત કુટુંબની આબરૂનું  લિલામ  થતું હોય એમ લાગ્યું.પણ  આખરે એ પણ મા હતી. તેનું હ્રદય મમતાથી છલકી ઊઠ્યું. કેતકીને અંદર તેના રૂમમાં  જવાનું કહીને પોતે પતિની સાથે વાત કરવા ગઇ. કેતકીની સ્થિતિથી તેને વાકેફ કર્યા. પત્નીની વાત સાંભળતાં જ પ્રભુદાસનો પારો સાતમે આસમાને પહોંચી ગયો. પત્નીએ તેમને શાંતિ જાળવવા અને હવે બગડેલી બાજી કેમ સુધારવી એનો વિચાર કરવાનો આગ્રહ કર્યો.થોડી વાર  ખંડમાં નીરવ  શાંતિ છવાઇ ગઇ. પ્રભુદાસ અને તેની પત્ની વિચારોમાં ડૂબી ગયાં.”ગર્ભપાત”, “બાળહત્યા” જેવા વિચારો તેઓના માનસ ઉપર અથડાતા રહ્યા. એકાએક કેતકીની માએ ચીસ પાડીને કહ્યું, “નહિ..નહિ..બિલકુલ નહિ. હું મારાં કૂળમાં આવું ઘોર પાપ નહિ થવા દઉં..” પ્રભુદાસ તો કુશળ વેપારી હતા. તેમણે વચલો માર્ગ બતાવતાં પત્નીને કહ્યું, “તમે મા-દીકરી કાલે સવારની ગાડીમાં હરદ્વાર ઉપડી જાઓ. પૂરા દિવસ થાય ત્યાં સુધી આસપાસનાં સ્થળોએ હરજો ફરજો. પછી નવજાત આ બાળક્ને કોઇ અનાથાશ્રમમાં છોડી દઇને પાછાં  આવતાં રહેજો…અહિં કોઇ પૂછપરછ કરશે તો કહી દઇશ કે મા-દીકરી ચાર ધામની જાત્રાએ ગયાં છે.” પ્રભુદાસની સલાહ મુજબ મા-દીકરી ઉપડી ગયાં.

    ટ્રેનની ગતિ સાથે કેતકીના મનની ગતિ પણ વધવા લાગી…”બિચારો કેતન..” કેતન યાદ આવતાં જ તેની આંખો છલકાઇ ગઇ.તેના પ્રેમનું પ્રતીક આજે તે ઠેકાણે પાડવા જઇ રહી હતી. કેતન તો હવે સ્વપ્ન બની ગયો. શીતળાના ખપ્પરમાં તે હોમાઇ ગયો હતો. તેની નાની બહેને કેતકીને લખેલા પત્રમાં એ જ સમાચાર લખ્યા હતા. કેતકીનું સોનેરી સ્વપ્ન જોતજોતામાં રોળાઇ ગયું.

    મા  દીકરી સિમલા, મસૂરી, બદરી કેદાર, ઋષિકેશ વગેરે સ્થળોએ આરામથી હરીફરીને હરદ્વાર પહોંચ્યાં અને ત્યાં એક નાનું ઘર ભાડે રાખીને રહેવા લાગ્યાં. પૂરા  નવ માસે કેતકીએ પુત્રને જન્મ આપ્યો.દૂધમલ દીકરાને જોઇ કઇ માનું હ્રદય પુલકિત ન બને? દીકરાને છાતીસરસો ચાંપી લીધો પણ હ્રદય ઉપર  જાણે કે ધગધગતો અંગારો ચાંપી દીધો હોય  એવી વેદના તેને થવા લાગી. અરે રે વિધાતા, આ માસુમ શિશુને આ અફાટ  ધરતી ઉપર તજી દઇને પોતે જગતમાં ફરીથી “કુમારિકા” કહેવડાવતી મહાલશે અને આ નવજાત બાળક મા અને  બાપની હૂંફ તો શું પણ તેનાં નામ પણ જાણી શકશે નહિ. તેની માનું હ્રદય પણ  આર્દ્ર બ્ની ગયું પરંતુ અત્યારે મમતાના પ્રવાહન્ને નાજુક બનાવીને રાચવાનો સમય નહોતો. લાગણીના  અવિરત ધોધને કઠોરતાની દિવાલમાં જકડી દીધો. બાળક પ્રત્યે ઊઠતા કરુણ ભાવને પણ અંતરને ખૂણે દફનાવીને મા-દીકરીએ મુંબઇ તરફ ઉપડવાની તૈયારી કરી લીધી.

   સાંજ પડી. ધીરે ધીરે નિશાદેવીનું સામ્રાજ્ય અવનિ પર પથરાઇ  ગયું. નિદ્રાદેવીની જાદુઇ લાકડી જન સમુદાય પર ફરવા લાગી. બજારમાં રડ્યાખડ્યા એકાદ માનવીના પગરવ સિવાય સર્વત્ર શાંતિ છવાઇ ગઇ હતી. નવજાત  શિશુને એક જૂના સાડલામાં લપેટી મા-દીકરી રૂમની બહાર  નીકળી ગયાં.શેરીને એક ખૂણે આવેલાં એક ભવનના તોતિંગ દરવાજા આગળ કેતાકીના પગ થંભી ગયા.અનાથાલયનું એ દ્વાર હતું.  અત્યારે એ બંધ હતું. કેતકીએ ચોતરફ નજર ફેરવી લીધી. આંસુના અભિષેક સાથે પોતાના કલેજાના ટુકડાને આસ્તેકથી ઓટલા ઉપર સુવાડીને મા-દીકરી ઝડપથી ચાલીને સ્ટેશને પહોંચી ગયાં. સમય થતાં ટ્રેન  આવી. મા-દીકરી હેમખેમ મુંબઇ પણ પહોંચી ગયાં.

    આજે એ  વાતને છ છ વરસનાં વહાણાં વાઇ ચૂક્યાં છે. કેતકીનાં લગ્ન કમલેશ સાથે થઇ ગયાં છે. કમલેશ શ્રીમંત છે. કેતકીનું જીવન પણ સુખની છોળોમાં વીતી રહ્યું છે પણ હ્રદયના એક ખૂણામાં દફનાવેલી પેલી વાત તેના હૈયાને કોરી ખાય છે. છ વરસના એ ગાળામાં કેતકીનો ખોળો હજુ  ખાલી જ હતો. કેટલીય બાધા આખડી રાખી જોઇ; શહેરના મોટા ગણાતા ડોકટર પાસે તપાસ પણ કરાવી. બધા રિપોર્ટ નોર્મલ હતા. કેતકીમાં કંઇ જ દોષ નહોતો, પણ કમલેશની શારીરિક તપાસ કરાવતાં એવો રિપોર્ટ આવ્યો કે તેના વીર્યમાં સંતાન  ઉત્પન્ન કરી શકે એવાં શુક્રાણુઓ નહોતાં એટલે તે ક્યારેય પિતા બની શકે એમ નહોતો.  કોઇ પણ દવા કે ઇંજેક્શન તેમાં કારગત  નીવડે એમ નહોતાં. કેતકીને એની જાણ થઇ ત્યારે તેને કિરણ બહુ યાદ આવ્યા કરતો હતો. પોતે  કિરણની મા બની હોવા  છતાં સમાજની નજરમાં તે  વાંઝિયણ ગણાતી હતી.

     તે આ રીતે વિચારોમાં ગરકાવ થયેલી હતી ત્યાંજ તેના દ્વાર ઉપર કોઇએ બેલ મારી. કેતકીની વિચારમાળા તૂટી ગઇ. ભૂતકાળમાં ખોવાઇ ગયેલી કેતકી તુરત વર્તમાનમાઅં  આવી. રડીને સૂઝી ગયેલી આંખો છૂપાવી શકાય એમ નહોતી. કેતકીએ બારણું ખોલ્યું. સામે કમલેશ ઊભો હતો. કેતકીની આંખો સામે જોઇને એ પરિસ્થિતિ પામી ગયો. શું કરે? પોતે નિરુપાય હતો. આજે તે કેતકીને ખુશ રાખવા કોઇ  નવા વિચાર સાથે આવ્યો હતો.

     કેતકીને પોતાની પાસે બેસાડીને તેણે તેને સમજાવતાં કહ્યું, “જો, કેતકી, હું તારું દર્દ સમજી શકું છું. મારી એક વાત માનીશ? આપણે માટે એક ઉપાય  છે. આપણે કોઇ અનાથાશ્રમમાં જઇએ અને ત્યાંથી તું કોઇક બાળક્ને પસંદ કરી લે; બાળકને મા-બાપની હૂંફ મળશે અને આપણું ઘર તેના કિલ્લોલથી ગૂંજી ઊઠશે.” કેતકીનું હૈયું આ  વાત  સાંભળીને નાચી ઊઠ્યું. કમલેશની વાત  સાચી હતી.બન્ને એ પ્રવાસની તૈયારી શરુ કરી લીધી.

    તેઓ હરદ્વાર ગયાં. ત્યાં જઇને પૂછ્પરછ કરતાં અનાથાશ્રમ પહોંચ્યાં. ત્યાંના મેનેજરની ઓફિસ તરફ જતાં હતાં ત્યારે ચોગાનમાં કેટલાંક  બાળકોને તેઓએ રમતાં જોયાં. અમુક બાળકો તો રમવાનું છોડીને કેતકી અને કમલેશને  વીંટળાઇ   વળ્યાં.  કેતકીની નજર તેઓની ઉપર ફરી વળી. છ વરસ પહેલાં પોતે જે  નિશાની અહિં મૂકી ગઇ હતી એ જોવા મળશે? અરે રે એ ક્યાં હશે? કેવો હશે? અને મળે તો ય ઓળખાશે કેવી રીતે? તેને એકાએક યાદ આવ્યું કે પોતે તેને અહિં છોડી દેતાં પહેલાં તેના ગળામાં  નાનકડી ચિઠ્ઠી બાંધીને  તેનું નામ કિરણ રાખવાનું સૂચન કર્યું હતું. જો આ લોકોએ તેનું એ જ નામ રાખ્યું હોય તો પોતાનો એ લાલ જરૂર મળશે એવી તેને આશા હતી, પણ પોતે કેવી રીતે એ નામ લઇ શકે? આમ વ્ઇચારોની ગડમથલ કરતી કેતકી કમલેશની પાછળ ઘસડાતી હતી. તેઓ મેનેજરને મળ્યાં અને તેમને પોતાના આવવાનું કારણ કહ્યું.

    મેનેજર ખુશ થયા. તેમણે કહ્યું, “આપના જેવા સમજદાર દંપતી આવ્અં અનાથ બાળકોને અપનાવી લે તો કેટલાંય બાળકો સનાથ થઇ જાય.” પછી તેણે કેતકીને સંબોધીને કહ્યું, “આવો, બહેન, હું તમને બાળકો બતાવું. તમને ગમે તો પછી આપણે બીજી વિધિ કરીએ.” એટલામાં છ વરસનો એક ચબરાક, રૂપાળો છોકરો મેનેજર પાસે આવ્યો અને તે હિબકાં ભરતો હતો. એ કંઇ બોલવા જતો હતો પણ મેનેજરે તેને અટકાવીને કેતકી સામે જોયું. કેતકી તેની સામે ટીકી ટીકીને જોઇ રહી. મેનેજરે કેતકીને કહ્યું, “કેવો મજાનો છે ને? કોઇ અભાગી માતા અમારા  આશ્રમને આંગણે તેને મૂકી ગઇ હતી. નવાઇની વાત તો એ છે કે તેના ગળામાં બાંધેલી ચબરખીમાં માએ લખ્યું હતું કે આ બાળકનું નામ કિરણ પાડજો.” કેવી માયા છે ભગવાનની? મેનેજર મૂછમાં હસી રહ્યા.

    કેતકીએ કહ્યું, “મને તો આ બાબો બહુ ગમી ગયો છે.મારે હવે બીજાં બાળકો જોવાની જરૂર નથી.” એમ કહીને તેણે કિરણનો હાથ પકડી લીધો. કિરણ પણ તેની સાથે ચાલવા લાગ્યો.ઓફિસમાં આવતાં જ કમલેશ પણ કિરણ્ને જોઇને રાજીના રેડ થઇ ગયો. મેનેજરે બાળક્ને દત્તક સોંપવાને લગતી જરૂરી વિધિ પૂરી કરી. કમલેશ અને કેતકીએ અનાથાશ્રમને છૂટે હાથે દાન આપ્યું અને કિરણને લઇને તેઓ બહાર આવ્યાં અને ટેક્ષીમાં બેસતાં જ કમલેશે કેતકીને કહ્યું, “વાહ એ કેતકી, તારી પસંદગી એટલે કહેવું પડે. કિરણનો ચહેરો ય તને જ  મળતો આવે છે…કેમ જાણે તેણે તારી કૂખે જ જન્મ ન લીધો હોય…”કેતકીનું હ્રદય એક થડકારો ચૂકી ગયું…તેની આંખો સજળ બની ગઇ. કિરણ તેના ખોળામાં ઊંઘી ગયો હતો. કેતકી તેનું માથું પસવારી રહી હતી. હવે પોતે વાંઝણી નહોતી…પણ હતી   મા….જન્મદાત્રી   મા….પાલક   મા.

**********

Advertisements

Read Full Post »

    સ્વસ્તિક એ હિંદુ ધર્મનું પ્રથમ માંગલ્ય પ્રતીક છે. આમ તો સંસ્ક્રુત શબ્દ સ્વસ્તિકા પરથી એ શબ્દ આવેલો છે  પરંતુ કઇ સદીમાં  તેનું ચિત્રાંકન થયું એ કહેવું મુશ્કેલ છે.

    સ્વસ્તિકના ઘણા નમૂના ઇજિપ્ત, પર્શિયા, યુરોપ, ફ્રાંસ, જર્મની, સ્કોટલેંડ, આયર્લેંડ તેમજ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પથ્થર ઉપર કોતરાયેલા જોવા મળે  છે. કહેવાય છે કે ગોરાઓએ પોતાના ધંધા માટે જમીન ખોદી ત્યારે બુધ્ધની મૂર્તિ સાથે સ્વસ્તિકનું પ્રતીક મળી આવેલું.: એ કોલંબસ પહેલાંની સદી અગાઉનું હોવાનું મનાય છે. એવું પણ અનુમાન થાય છે કે બૌધ્ધ ધર્મ કોલંબસ કરતાં પહેલાં અમેરિકાની ભૂમિ પર પહોંચ્યો હશે.

     બ્રિટનમાં સ્વસ્તિકને ફિલકોટ  કહેવામાં આવે  છે. આનો અર્થ ત્યાંના લોકો ચાર પગવાળું  કહે છે. સ્કેંડિનેવિયામાં તેને ઇશ્વરના  હથોડાનું પ્રતીક ગણાય છે. તિબેટમાં ત્યાંના લોકો કપાળમાં અને હાથ ઉપર તેને છૂંદણાંરૂપે  અંકિત કરાવે  છે.સ્ત્રીઓ પોતાનાં વસ્ત્રો ઉપર તે છપાવે  છે. જાપાનમાં હજારોની સંખ્યામાં સ્વસ્તિક જોવા મળે છે.

     પ્રાચીન એશિયાના  રાજદૂતોને આજે પણ સ્વસ્તિક આપવામાં  આવે છે.અમોનિયાની કબરો પર  અંકિત કરવામાં  આવતા સ્વસ્તિક બુધ્ધ ભગવાનની મુદ્રા તરીકે ઓળખાય છે. અગાઉઅના ખ્રિસ્તીઓના ચર્ચમાંની ચીજો અને ચર્ચની બહારના બેલ ઉપર સ્વસ્તિકનું પ્રતીક જોવા મળે  છે. તેઓ આત્માના ચાર  તબક્કાની પ્રગતિનું પ્રતીક ગણે છે.

  જૂના જમાનામાં ઋષિમુનિઓ અને  શાસ્ત્રકારો મંત્રોની રચના કરતાં પહેલાં મંગલ કામના કરવા સ્વસિક અંકિત કરતા. દરેક શુભ કાર્યમાં  બ્રાહ્મણો પ્રારંભમાં એક મંત્ર બોલે છે :

   स्व स्ति न: इन्द्रोव्रुध्धश्रवा  स्वस्तिना  मूषा विश्व  वेष: ,

   स्वस्ति नस्ताक्क्ष्र्यो अरिष्ट नैमिनो   ब्रुहस्पति दधातुं……

     સ્વસ્તિકનો અર્થ શુભ અને લાભ થાઓ એવો થાય.. સ્વસ્તિક એ માનવ જીવનમાં મંગલ કાર્યનું સાક્ષી-પ્રતીક છે. તે પાંચ દેવોનો આધિપત્ય છે. બ્રહ્મા, શિવજી, ગણપતિ આદિ દેવોની તે આભારૂપ છે. તેની આક્રુતિ ઇશ્વરની સન્મુખ લઇ જાય છે.

  ગુજરાતમાં સ્વસ્તિકમાં મયુરનું સંયોજિત કલાત્મક રીતે કરવામાં આવે છે અને રંગોની ક્રુતિમાં સીતાજીના કેશગૂંફનનો સંકેત દર્શિત થાય છે. બંગાળમાં અલ્પના નામે સાથિયા થાય છે; દક્ષિણ ભારતમાં કોલમના નામે સ્વસ્તિક આલેખાય છે. રાજસ્થાનમા માંડણા,, મહારાષ્ટમાં રંગોળી અને ગુજરાતમાં સાથિયા તરીકે તેનું ચિત્રાંકન થાય છે. તેની એકમેકની વિરુધ્ધ મુખાક્રુતિને નર-નારાયણના સ્વરૂપનું પ્રતીક કહેવાય છે. ચાર લીટીઓની ગતિ સ્વસ્તિકના સર્જનમાં માધુર્ય સર્જે છે. તેના ચારે ય ખંડને ચાર યુગના પ્રતીક માનવામાં આવે  છે. સતયુગ, દ્વાપરયુગ,ત્રેતાયુગ અને કલિયુગમાં  ચાર અવતારી  પુરુષોનું  આગમન થયું છે.

Read Full Post »

%d bloggers like this: