Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2012

                                     સમી સાંજનો  સૂર્યોદય

                                                               કલ્પના  સ્વાદિયા

   મુંબઇમાં  બોરીવલી (પશ્ચિમ) માં   લોકમાન્ય ટિળક રોડ પર આવેલો વીર સાવરકર ઉદ્યાન છેલ્લાં પાંચ વર્ષોથી વરિષ્ઠ નાગરિકો માટે  સંસ્કાર-તીર્થ બની  ચૂક્યો  છે. અહિંના શિક્ષણપ્રેમી સમાજસેવક શ્રી વિનુભાઇ વળીયાએ  પોતાનાં સદગત પત્ની પુષ્પાબેનની  સ્મ્રુતિમાં  પુષ્પા મા   ફાઉન્ડેશનની સ્થાપના કરી અને આ વિશાળ  ઉદ્યાનમાં  વરિષ્ઠ  નાગરિકોના લાભાર્થે  દાદા દાદી પાર્કની  સમાજોપયોગી  પ્રવ્રુત્તિના શ્રીગણેશ  કર્યા. આજે  એ  સ્થાન  સાચા  અર્થમાં  લોકોનો  વિસામો  બની  ચૂક્યું  છે.

   બોરીવલીમાં  આમ તો જ્યેષ્ઠ  નાગરિકો  માટે  સાધારણ પ્રવ્રુત્તિઓ  કરતી  ઘણી  સંસ્થાઓ ચાલે  છે પણ  દાદા દાદી  પાર્કની  તોલે  એ  ન  આવે. માત્ર પાંચ  છ  સભ્યોનાં  નામ લખીને   શરૂ કરાયેલા  આ  પાર્ક્નું  નામ  જોતજોતામાં  ચારે  દિશામાં  ગાજવા  લાગ્યું. આજે  તેની  ત્રણ  શાખાઓના  સભ્યોની કુલ  સંખ્યા  સાડા  છ હજારનો આંક  વટાવી   ગઇ  છે .

   એક  નાનકડાં  બીજમાંથી  વટવ્રુક્ષ  જેવી  પાંગરેલી  આ  સંસ્થામાં  નાતજાત, ધર્મ કે  કોમના  ભેદભાવ  વિના સભ્ય  બની  શકાય . છે  સભ્યે  ખાસ  પ્રકારના  લેમિનેટેડ   રંગીન  ઓળખપત્ર માટે એક જ વાર એક સો બે રુપિયા ભરવા  પડે  છે. એ કાર્ડ  પાર્કમાં  તેની  હાજરી  હોય  ત્યારે  અથવા  અન્યત્ર  પાર્કના  કાર્યક્રમોમાં ,હાજર રહેતી  વખતે પહેરી  રાખવું  પડે છે. તેમાં સભ્યનું  નામ, ઉમર, સરનામું, ટેલિફોન નંબર,જન્મતારીખ, લોહીનું  ગ્રુપ વગેરે  માહિતી  સંકલિત  કરાયેલી  હોય  છે.

    મુંબઇ જેવાં  મહાનગરનાં  અતિ વ્યસ્ત  જીવનને  ધ્યાનમાં  રાખીને  દાદા  દાદી પાર્કનો સમય  સવાર-સાંજનો રાખવામાં  આવ્યો  છે.  સભ્યો  વિશાળ ઉદ્યાનમાં  હળવો વ્યાયામ અને  યોગાભ્યાસ  કરી  શકે  છે. રવિવારે  અને જાહેર  રજાના  દિવસે  પાર્ક  બંધ  રહે  છે.  પાર્કમાં  સભ્યો  માટે  હિંચકા  પણ  છે. સભ્યોએ  કોમ્પ્યુટર દ્વારા  હાજરી  પૂરાવવી પડે  છે. સામાન્ય  રીતે  મહિનામાં  સાઠ  ટકા   હાજરી  આપવી  પડે  છે.  તેઓને  પસંદગી  પ્રમાણે વિના  મૂલ્યે  ગરમ ચા, કોફી, દૂધ અથવા  ટમેટાં  સૂપ આપવામાં  આવે  છે. સભ્યો માટે એક ટી.વી. છે જેના ઉપર તેઓ  સમાચાર, ક્રિકેટ મેચ. વગેરે  નિહાળી  શકે  છે.

     સભ્યો  માટે સુસજ્જ પુસ્તકાલય  પણ  છે, ત્યાંથી તેઓ  પુસ્તકો   તેમજ  “અખંડ આનંદ”, “કુમાર”, “નવનીત સમર્પણ”, ગ્રુહશોભા  તેમજ  ચિત્રલેખા જેવાં  સામયિકો વાંચવા  લઇ  જાય  છે. પુસ્તક બે સપ્તાહ માટે  અને  મેગેઝિન   એક  અઠવાડિયા  માટે  અપાય છે. આ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને  અંગ્રેજી  છાપાં પણ  વાંચી શકાય  છે.  સભ્યોની  સર્જક પ્રતિભાને પ્રોત્સાહન  આપવા  “કોશિશ” નામનો  વાર્ષિક  અંક પણ  બહાર  પાડવામાં  આવે  છે.

તેમાં પ્રવ્રુત્તિઓ ના   સચિત્ર અહેવાલ  અને સભ્યોની  મૌલિક  ક્રુતિઓ  સમાવી  લેવામાં  આવે  છે બાહોશ સંપાદકોની  ટીમ દ્વારા  તૈયાર  થતો  આ અંક  અગ્રગણ્ય  વ્યાવસાયિક  પ્રકાશનની તોલે  આવે  એવો  હોય  છે. સંસ્થાની તમામ પ્રવ્રુત્તિઓને  નિયમિત  રીતે  કેમેરામાં  કંડારી રાખવાની  અને  તેને  વ્યવસ્થિત  રાખવાની  સગવડ પણ  છે. નવા જમાનાની જરૂરિયાત મુજબ સભ્યોને કોમ્પ્યુટર અને  ઇન્ટરનેટથી પરિચિત કરાવવા  તેઓને  નિ:શુલ્ક શિક્ષણ અપાય છે. આપણી  માત્રુભાષાની ઉપેક્ષા કરવી આપણને પાલવે નહિ. ભાષા સ્વચ્છ અક્ષરોમાં  અને  શુધ્ધ  લખાય એ આવશ્યક છે. સાથોસાથ તેના  શબ્દપ્રયોગો, કહેવતોઅને  સાહિત્યથી  માહિતગાર  થવું પણ  એટલું  જ  જરૂરી  છે. આથી પાર્કના  સભ્યોને  ગમ્મત  સાથે  જ્ઞાન  મળે એવા  ખાસ  કાર્યક્રમો ભાષા-નિષ્ણાતના  માર્ગદર્શન  હેઠળ યોજવામાં આવે  છે. મુંબઇની  સ્થાનિક  ભાષા મરાઠી ઉપર  પણ  ધ્યાન  આપવામાં  આવે  છે.

   સભ્યો ક્રિકેટ,ચેસ અને  કેરમ રમે છે. બહેનો પણ  કેરમમાં  પારંગત  છે. વરિષ્ઠ  નાગરિકોને ક્રિકેટ રમતા અને  સેંચુરી ફટકારતા  જોવા  એ  પણ  જીવનનો લ્હાવો  છે. બોરીવલીના  કેટલાક  વેપારીઓ પાર્કના સભ્યોને કાર્ડ બતાવવાથી અમુક ટકાનું  વળતર  આપે  છે. સ્થાનિક  અખબારો પણ  પાર્કની  પ્રવ્રુત્તિઓને સારી પ્રસિદ્ધિ  આપે  છે. પત્રકારો પણ અવારનવાર  મુલાકાતો  લેતા રહે  છે. ગયે  વર્ષે  મુંબઇમાં  યોજાયેલી  મેરેથોન દોડમાં ઓછા સમયમાં સૌથી વધુ અંતર  કાપનારા  પાર્કના  એક  સભ્યનું  ઠેર ઠેર જાહેર  સન્માન કરવામાં  આવ્યું  હતું.

    સભ્યોને  થતી  નાની  મોટી  શારીરિક તકલીફમાં  રાહત  અને  સારવાર  આપવા  માટે  હાડકાંના  સર્જન , જનરલ  ફિઝિશ્યન,આંખના  દાક્તર તેમજ  હોમિયોપેથિક અને આયુર્વેદિક નિષ્ણાતો નિ:શુલ્ક  સેવા  આપતા રહે  છે. જેઓ  એક્યુપ્રેશરનાં  પોઇંટસ આપી  શકતા  હોય  એવા સભ્યો  પોતાના સાથીઓને  નિ:શુલ્ક મદદ કરતા રહે  છે. આર્થાઇટીસ  જેવા રોગ  સામે  લોકજાગ્રુતિ ફેલાવવા ડિગ્નીટી  ફાઉન્ડેશન  દ્વારા  યોજાતા મેરેથોન  વોક્માં  સભ્યો વિશાળ સંખ્યામાં  ભાગ  લે   છે.

   સ્થાનિક નગર સેવકો અને  મેયર, ધારાસભ્યો  અને  સંસદ સભ્યો, કેંદ્રિય પ્રધાનો , પોલિસ  અધિકારીઓ , જાણીતા

ધારાશાસ્ત્રીઓ, ઇન્ક્મટેક્ષ્ના સલાહકારો  તેમજ  શહેરના અગ્રગણ્ય તબીબો અવારનવાર આવતા  રહે  છે. એ ઉપરાંત જૈન મુનિઓ અને અન્ય  કથાકારોનાં  પ્વચનો  પણ યોજાય છે. સૌરાષ્ટ્રનાં  લોક્ગીતોનો  ડાયરો યોજાય ત્યારે

  ઉદ્યાનનું  વિશાળ  મેદાન  હક્ડેઠઠ ભરાઇ   જતું  હોય  છે.    આ ઉપરાંત  ટી.વી.ની  લોકપ્રિય  સિરિયલોના કલાકારો  પણ  આવીને  મનોરંજન  કરાવે  છે. એ  સિવાય  સુગમ સંગીતના  અને  વેલેન્ટાઇન ડે જેવા કાર્યક્રમોમાં પણ  સભ્યો  હોંશે  હોંશે  ભાગ લે  છે. 

     દશેરાની  સવારે  સભ્યો પાર્કમાં  ફાફડા  જલેબીની  જયાફત  માણે છે. નવરાત્રીમાં ગરબા  હરીફાઇમાં ખેલૈયાઓને  પરંપરાગત  વેશભૂષામાં  ઝૂમતા જોઇને  ભાગ્યે જ કોઇને  ખ્યાલ  આવે  કે  આ  બધા  સિનિયર્સ  છે.

નવેમ્બર કે ડિસેમ્બરમાં યોજાતા  વાર્ષિકોત્સવમાં  “કોશિશ”નું   લોકાર્પણ  થાય  છે.  સભ્યો  આકર્ષક ફેશનપરેડ અને મનોરંજન  કાર્યક્રમ  રજૂ  કરે  છે.

      દર  મહિને  બસો  અઢી  સો  સભ્યોના  જન્મદિવસ  સામૂહિક રીતે ઉજવાય  છે. હાજર  રહેલા  સભ્યોમાંથી  સૌથી મોટી  ઉમરનાં દાદા દાદીને હાથે  કેક  કપાય અને ત્યાર પછી દરેકને ગુલાબનું  ફૂલ  અને ગ્રીટિંગ કાર્ડ અપાય  છે. સભ્યોને  રાહતના  દરે  ગુજરાતી નાટકો  અને હિન્દી  ફિલ્મો  બતાવવામાં  આવે  છે. બહેનો  અંતાક્ષરી અને રમતો રમે  અને ભજનોની  રમઝટ  બોલાવે   છે. અનુકૂળતા પ્રમાણે સભ્યોને   ધાર્મિક સ્થળોનાં  દર્શને  લઇ જવામાં આવે  છે.

     આવી વૈવિધ્યસભર  લોકોપયોગી પ્રવ્રુત્તિઓનું  વ્યાપક  ફલક ધરાવતી  આ સંસ્થા  ગિનિઝ બૂકમાં  સ્થાન  મેળવવા  પાત્ર  છે  ને?

 

                                      *****************

 

              

Advertisements

Read Full Post »

%d bloggers like this: