Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2009

ઓ ર તા

તા

દિગંબર સ્વાદિયા

( ડિસેમ્બર 1986 –માંનવનીતસમર્પણમાં પ્રસિધ્ધ થયેલી એક વાર્તા રીડગુજરાતીના વિશ્વફલક ઉપર ફેલાયેલા વાચકોને સાદર અર્પણ……)

તુલસી ક્યારે પાણી રેડીને ગંગામા ઓસરીમાં ખાટલીએ જરા આડે પડખે થયાં ત્યાં બચુ ટપાલીનો અવાજ સંભળાયો, “લ્યો, ગંગામા, રોજ જીવ ખાતાંતાં તી આજ તમારી ટપાલ લઇ આવ્યો.

બચુ ટપાલી ખડકીમાં ઊભો હતો. હાથમાં એક લાંબું પીળું કવર હતું. ગંગામા ખાટલીમાં બેઠાં થયાં.

જીવતો રે, બેટાલાય જો ઉંએટલું બોલીને કવર હાથમાં લઇ લીધું. ટપાલી જતો રહ્યો.

ગંગામા ખડકી વાસીને ખાટંલી ઉપર હાંફતાં બેઠાં. કવરને આમતેમ ફેરવીને જોયું. ગામમાં સમીસાંજે એસ.ટી.ની બસમાં ટપાલની થેલી આવતી અને પછી બચુ ટપાલી એક વાર બીટમાં નીકળતો.

રોજ શેરીમાંથી નીકળતી વખતે હાકલા પડકારા કરવાની તેને ટેવ હતી. ગંગા ડોસી તો ઘણી વાર તેને ટોકતાં, “મારા પીટ્યા, ગામ આખાની ટપાલ દેતો ફરે છે તી કો દિમને દેતો હો તો?”

બચુ પણ હસીને જવાબ દેતો, “ચોક્કસ, ગંગામા, એક દિતમારો વારો આવશે.

પણ ગંગામા જાણતાં હતાં કે તેને વળી કોણ કાગળ લખવા નવરું બેઠું હતું? પોતે તો આમે કાળા અક્ષર કુહાડે માર્યાતા. પિયરમાં તો જમાનામાં વળી દીકરીને ભણાવવાની ચિંતા કોને હતી? દીકરી એટલે બે ટંક રોટલા ટીપી જાણે, ઘર સંભાળે અને છોકરાં જણે….બસ, બૈરાંના અવતારમાં બીજું કરવાનું શું હોય? નહિતર પોતે બાપની લાડકી નહોતી એમે નહોતું. ટપુ, રણછોડ, ગિરધર અને સતીશના પછી ગંગાનો જન્મ થયો ત્યારે ફઇબાએ ભીંત ઉપર કંકુના થાપા પાડ્યાતા એવું બા કહેતી. ગંગાથી નાનાં બે ભાઇબહેન ઉજર્યાં નહિ તેનો ધક્કો ગંગાની બાને પહોંચ્યો અને તેનું શરીર લેવાતું ગયું. ગંગા છેટે બેસતી થઇ પહેલાં તો તેની બા ભગવાનને ઘેર પુગી ગઇ.

આડોશપાડૉશનાં છોકરાંઓને પાટી દફતર લઇને નિશાળે જતાં જુએ કે ઘરના વાડાની પછવાડે આવેલી ગામની ધૂડી નિશાળનાં છોકરાંઓને સવારના પહોરમાં પ્રાર્થના ગાતાં સાંભળે ત્યારે ઘડીભર ગંગાને થતું, “ બધું શું ભણાતું હશે? ભણીયેં તો શું થાય? છોડિયું ને ભણવાની છૂટ કેમ નંઇ હોય?” મગજ વિચારે ચડી જતું ત્યાં રસોડામાં ચૂલે ચડાવેલી ખીચડી દાઝતી હોવાની વાસ આવતી અને દોડીને રાંધવા લાગતી. એમ કરતાં કરતાં તો કેટલીય દિવાળી ગઇ. ઘરમાં ભોજાઇઓ આવી. આજે પણ બધું દીવા જેવું યાદ છે. જાણે કે બધું ગઇ કાલે બન્યું હોય….

નદીને સામે કાંઠે આવેલા ગામની નિશાળના દેવશંકર માસ્તરની શાખ સારી. હટાણું કરવા આવેલા કો ભલા માણસે એક દિબાપુને કાને વાત નાખી:છોડી માટે મૂરતિયો ગોતો ત્યારે માસ્તર પણ ધ્યાનમાં રાખવા જેવા છે.મેળ બેસી ગયો. લગન લેવાયાં. મહિયરની માયા છૂટી; પ્રેમાળ પતિની હૂંફ મળી.

દેવશંકર માસ્તરનું ઘર માંડ્યું ત્યારે ગંગા સંસારના રંગઢંગના હજુ એકડા શીખતી હતી. ધીમે ધીમે અનુભવે તેને પીઢ બનાવી. માસ્તરને તેની માયા બહુ; માસ્તરના હાથ નીચે ભણતાં ટાબરિયાં તો તેને મા કહેતાં. શબ્દ સાંભળતાંવેંત મનોમન તેને કળાય, કેવાય એવી મીઠી મૂંઝવણ પણ થતી; “પોતે આવડી અમથી છોતાં જેવડી.. ને આટલાં બધાં છોકરાંઉની પોતે મા?” એવો વિચાર આવતાં તેનાં રૂંવાડાં ઊભાં થઇ જતાં; તે હસી પડતી અને પોતે સાચુકલી મા બનવાનાં સ્વપ્નોમાં ખોવાઇ જતી.

પણ સુખનો ભાણ ઊગતાંની સાથે આથમી ગયો. ઉનાળાની એક કાળઝાળ બપોરે ગામના બે ચાર જુવાનિયાઓની હારે માસ્તર નદીએ નાહવા ગયા. ધૂનાનાં ભમરિયાળાં પાણીએ તેને પોતાનામાં સમાવી લીધા.

સાથીદારોએ ઘણી મહેનત કરી. જ્યારે દેહ મળ્યો ત્યારે તેનો આતમદીવડો બુઝાઇ ગયો હતો.

હસતા રમતા દેવશંકર નહાવા ગયા હતા અને સમી સાંજે ખડકીમાં ઊતરેલા ચહેરે માણસોને જોયા ત્યારે ગંગા હેબતાઇ ગઇ. ઓસરીમાં સફેદ ચાદર ઓઢાડીને સુવડાવેલી લાશ આગળ તે ક્યાંય લગી સૂનમુન બેસી રહી. મનમાં ને મનમાં તે બળાપો કાઢતી રહી: આમ હાલ્યા જાવુંતું તો મને અણહાર કરવોતો ને! તમે તો ભારે સ્વારથી નીકળ્યાએકલપંડે ગામતરું કરતાં શરમે નો આવી?” છેવટે તેને ગળે ડૂમો ભરાઇ આવ્યો અને તે મોકળે મને રોઇ પડી.

ઘર…. ઓસરી….માસ્તરે પોતે ચણેલો તુલસીક્યારોમાળૉ પિંખાઇ ગયોહવે તો એકલી ચકલી પાંખો ફ્ફડાવીને એકલતા જીરવી રહી છે. પોતાનું કેવા દે એવું કોઇ નથી. કોની સાથે બે ઘડી વાત કરવી? કોને ત્યાં જઇને મન હલકું કરવું? ભગવાનને ઘેર પણ શેર માટી ઓછી પડતી હોય એમ તેણે ગંગાને ખોળાનો ખૂંદનાર પણ આપ્યો.

આમ વિચારોને ઝોલે ચડી ગયેલી ગંગાની આંખમાંથી બે આંસુ સરીને હાથેમાં પકડેલા કવર ઉપર પડ્યાં એનું તેને ઓહાણ રહ્યું નંઇ.

કોનો કાગળ હશે? કોની પાહે જઇને વંચાવું?” ગંગામા મનોમન વિચારતાં હતાં ત્યાં ખડકીનું બારણું ખખડ્યું. આગળિયો ઉઘાડીને જમના દાખલ થઇ.

કેમ માડી, મોં પડી ગ્યું સે? સુવાણ નથી”? જમનાએ પૂછ્યું.

ના રે, જમની; કાંઇ નથી. બચુડો અબઘડી કાગળ આપી ગ્યો

કોનો સે?”

મારો જાણે આતો ! લે, જરા ખોલ જો ઉં ! તું તો નસીબદાર છો.. તને તો તારે બાએ ચાર ચોપડી ભણાવી છે.

વાંચ ને દીકરી..!

જમનાએ આસ્તેકથી કવર ખોલ્યું. અંદરથી સરસ અક્ષરે લખાયેલો એક નાનકડો ગુલાબી કાગળ નીકળ્યો. ગંગામા

એકીટશે જોઇ રહ્યાં.

કોણે લખ્યો છે?” ગંગામાએ પૂછ્યું.

લખ્યો સે રઘુએજમના બોલી, “મથાળે તોડો..રઘુવીર પટેલએવું નામ લખ્યું સે

રઘુનું નામ સાંભળતાંવેંત ગંગામાને યાદ આવ્યું. રઘલો નિશાળનો બહુ તોફાની છોકરો હતો. ગામના સરપંચનો ખોટનો દીકરો હતો, એટલે પૂરો મોઢે ચડાવેલો હતો. એક દિદેવશંકર માસ્તર નિશાળની પાછલી પછીત આગળ છૂપાઇને તેને બીડી પીતો જોઇ ગયા હતા ત્યારે માસ્તરે ગુસ્સે થઇને ડાબા હાથની એક અડબોથ ચડાવી દીધીતી અને આખો દિબાંકડા ઉપર અંગૂઠા પકડાવીને ઊભો રાખ્યો હતો. જો કે પાછળથી સરપંચે માસ્તરને ઉધડા લઇ નાખ્યા

એટ્ અલે દેવશંકર માસ્તરે કચવાતે હૈયે માફી માગી લીધી હતી. રઘુને મોકળું મેદાન મળી ગયું. તેણે માસ્તરને પજવવાની અનેક તરકીબ વિચારી રાકહી.

એટલામાં તો દેવશંકર દેવ થઇ ગયા. તેમના બલિદાનથી રઘુ પસ્તાયો; તેણે મનોમન તેમની માફી માગી. ગંગાના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યો હતો.

આજે અચાનક રઘલાનો પત્ર મળતાં ગંગામા વિચારોમાં ખોવાઇ જાય સ્વાભાવિક હતું.

પૂજ્ય બા,

ઘણાં વરસે કાગળ લખું છું. ઓળખી તો જાશો ને? તમારા આશીર્વાદથી હવે હું ભણીગણીને ડોકટર બની ગયો છું. બે વરસ વિલાયત પણ જઇ આવ્યો. તમે તો જાણો છો કે મેં તો તમને બા ગણ્યાં છે. જનમ આપનારી બાનું તો મોઢું યાદ નથી આજેબે ચાર દિમાં તમને મળવા આવીશ અને તમને મારી હારે તેડી જઇશ. આવશો ને?..લિખિતંગ તમારા રઘુના પાયલાગણ..

જમનાએ કાગળ પાછો આપતાં પૂછ્યું, “તી તમે જાવાનાં, માડી? ”

મને તો સૂઝકો નથી પડતો કે શું કરું? બચાડાએ બા ગણીને તેડાવી છે એટલે નો જાઉં તો એને ઓછું આવે અને જાઉં તો ખડકીને સાચવણું વાસવું પડે. માસ્તર પાછા થ્યા દનથી કોઇ દિસાચવણું નથી માર્યું મેં…..દલમાં ઊંડે ઊંડે એવું કળાય સે કે નો કરે નારાયણ ને કદાસ આવી સડે તો….ગંગામાની આંખેથી આંસુ ટપક્યું. સાડલાની કોરથી તેણે આંખો લૂછી.

.                 “એમ કોચવાઓ મા, માડી….તમે ઇમને નારાજ નો કરતાં…..ખડકીને સાચવણું નંઇ મારવું પડે. મારા મામાની છોડી ચંપલીની હારે હું આંઇ થોડા દિરઇશ, એમાં શું?” જમનાએ હસીને તોડ કાઢ્યો. ગંગામાના મન ઉપરથી જાણે કે અધમણનો ભાર ઓછો થઇ ગયો હોય એમ તેણેહા…….કર્યું.

ત્રીજે દિસાંજની બસમાંથી એક ફૂટડો જુવાન ઉતર્યો. તેણે સફારી સૂટ પહેર્યો હતો; એડીવાળા બૂટ પહેર્યા હતા;

આંખો ઉપર મોટા કાચનાં ગોગલ્સ ચડાવ્યાં હતાં. હાથમાં બ્રિફકેસ લઇને ઊતર્યો કે તરત સામેની રામભરોસે હિંદુ હોટેલના ઓટલે બેઠેલા કાનાએ ટપાર્યો, “કોણ, અલ્યા રઘલો કે?”

રઘુ ઘડીભર ઝંખવાઇ ગયો. શહેરી સમાજમાં ડોકટર પટેલકે રઘુવીરભાઇનું સન્માનિત સંબોધન સાંભળીને ટેવાયેલા તેના કાનમાં આવું તોછડું સંબોધન જરા ખટક્યું. તેણે કાના તરફ તીરછી નજર કરી, સહેજ સ્મિત કર્યું અને તેના તરફ હાથ ઊંચો કરીને કશું બોલ્યા વિના માસ્તરની ખડકી તરફ ચાલતો થયો. પાછળથી તેને કાને કોઇની ટકોર અથડાઇ, “રૂઆબ તો જો

બેટાનો…..જાણે મોટો ગવંડરનો દીકરો…!

ખડકી આગળ ગંગામા ઊભાં હતાં. રઘુ ઓળખી ગયો; પગે લાગ્યો. ગંગામા તેનાં દુ:ખણાં લેતાં બોલ્યાં, “ક્રોડ વરહનો થા, બેટા. મારી તો આંખ્યું ઠરી તને જોઇને….”!

રઘુ ફળિયામાં ખાટલી ઉપર બેઠો. ગંગામા સામે ઓસરીની કોરે બેઠાં. ઘડી ભર બંને એકબીજાં સામું જોઇ રહ્યાં.

ગંગામાએ રસોડામાં રોટલા ટીપી રહેલી જમનાને કહ્યું: ગગી, મેમાનને પાણીનો લોટો તો આલી જા….

શું, બા, તમે મને મેમાન ગણ્યો?” રઘુએ પૂછ્યું, પણ ગંગામા જવાબ આપે પહેલાં શરમાળ જમના રસોડામાંથી જર્મન સિલ્વરનો લોટો ભરીને મૂકી ગઇ. જમના હતી ભલે ભીને વાન પણ તેનું શરીર ભરાવદાર અને સુડોળ હતું. તેની મોટી મારકણી આંખોમાં જાણે નેહનો દરિયો ઘૂઘવતો હતો. ઘરકામમાંથી પરવારે એટલે ગંગામાને ઘેર આવતી અને ઝીણું મોટું કામ કરી આપતી. રઘુનો કાગળ આવ્યા પછી રોજ આવીને ઝાપટઝપટ કરી જતી. આજે તેણે અંદરના અંધારિયા ઓરડામાંથી ફળિયામાં

બેઠેલા રઘુને ચોરીછૂપીથી જોયો ત્યારે તેનું હ્રદય એકાદ થડકો ચૂકી ગયું હોય એમ લાગ્યું. કેવા સરસ છે?” તેનાં મનનો મોરલો ટહૂકી ઊઠ્યો, “ખમ્મા મારા નણદીના વીરામનમંદિરમાં પડઘો પડ્યો. તેણે રસોડામાં જઇને રાંધવામાં મન પરોવ્યું,, ત્યાં માડીએ

પાણી આપી જવાનું કહ્યું.

રઘુ પાણી પીતાં પીતાં વિચારોમાં ખોવાઇ ગયો…. કોણ? માસ્તરની ગગી? પણ તેમને તો સંતાન ક્યાં હતું?

જે હોય તે, પણ ઠસ્સો મારી નાખે એવો છે એમાં ના નહિ.

ગંગામાના શબ્દો સાંભળીને તેની વિચારમાળા અટકી ગઇ, “ ઘણાં વરહે જોયો તને તો ! આંઇ તો આવડો

કીકલો હતો તંઇ ભણવા આવતોતો..

Advertisements

Read Full Post »

તપસ્વિની

              

ત પ સ્વિ ની

 

 

                                                                     -દિગંબર   સ્વાદિયા

 

     ચાલીસ  બેતાલીસ  વર્ષો પહેલાંનો એ પ્રસંગ  આજે  પણ  મારા  સમ્રુતિપટ ઉપર  તાજો છે.

  દિવસોમાં  હું  આકાશવાણી, દિલ્હીના  સમાચાર  વિભાગમાં  નોકરી  કરતો હતો. એ વર્ષોમાં

અધિક માસ  આવ્યો ત્યારે થોડા  દિવસ હરદ્વાર-રૂષિકેશમાં  ગાળવા  જવાની  અમને  ઇચ્છા  થઇ. જરૂરી  તૈયારી કર્યા પછી  મારાં પત્ની  કલ્પના અને  બે  ભૂલકાં અર્ચના અને  સુધાંશુ સાથે મેં

પ્રસ્થાન  કર્યું.

      હરદ્વારના  ગુજરાતી  સમાજમાં ઉતરવાની  સગવડ  થઇ ગઇ.  સાંજના  હર કી પૌડીનાં ભક્તિ-સભર  વાતાવરણમાં  થતી  ગંગાજીની  આરતીનાં  દર્શન  કર્યાં. ગંગાના  ધસમસતા પ્રવાહમાં  ફૂલોના  પડિયામાં  દીપ પ્રગટાવીને  તેને  નદીમાં  તરતો મૂકવાની  અને પાણી ઉપર

તેને  હાલક ડોલક  ઝૂલતો જતો  જોવાની  ખૂબ  મજા  આવી.  કનખલ, ભારત માતા  મંદિર,અને

અન્ય  આશ્રમો પણ  જોયા.

     હરદ્વારથી  ઉ.પ્ર.રોડવેઝની  બસમાં  રૂષિકેશ  પહોંચ્યા. ત્યાં  મુનિ કી રેત  ખાતે  શ્રી શિવાનંદ

આશ્રમ  છે  એની  મને  ખબર  હતી. હકીકતમાં  દિલ્હી  નોકરી  માટે  જવાનું  થયું એ પહેલાંનાં

પાંચેક  વર્ષો  અગાઉ  કેવળ  જિગ્નાસા  ખાતર મેં  સ્વામી  શિવાનંદજીને લખેલા  એક પત્રનો તેમણે  મને  જવાબ  લખ્યો હતો  અને  આશ્રમ જોવા  આવવાનું  સૂચન  પણ  કર્યું  હતું. સંજોગોવશાત  ત્યારે જઇ શક્યો નહોતો.

     આથી  સહ-કુટુંબ  ત્યાં  પહોંચ્યો ત્યારે  ત્યાંનો ભવ્ય  ગંગા કિનારો, કિનારે  બંધાયેલું આલિશાન  ગુજરાત  ભવન, સ્વામીજીની  કુટિર, આશ્રમની  હોસ્પિટલ, પોસ્ટ  ઓફિસ, અન્નક્ષેત્ર,

સડકની  સામે  ટેકરી ઉપર  આવેલું  શ્રી  વિશ્વનાથ મંદિર, ભોજનાલય, સ્વામીજીની  સમાધિ,

યોગ વેદાંત  મુદ્રણાલય  વગેરે  જોઇને  અમે  ખૂબ  પ્રસન્નતા  અનુભવી. ત્યાંથી  થોડે દૂર લક્ષ્મણ

ઝૂલા  હતો. (હવે તો આશ્રમ પાસે જ  શિવાનન્દ  ઝૂલા પણ બની  ગયો છે.) સામે પાર  પરમાર્થ

નિકેતન, ગીતા  ભવન વગેરે  આશ્રમો  દેખાતા  હતા  અને  ત્યાં  જવા  માટે એ વખતે હોડીની

નિ:શુલ્ક  સેવા  મળતી  હતી.

      મંદિરનાં  પ્રાંગણમાં જ  એક  વિશાળ  સત્સંગ  ખંડ  હતો. અમને  કહેવામાં  આવ્યું  હતું કે એ  ખંડમાં  ઓમ  નમો નારાયણાયનો અખંડ  જાપ  ચાલે  છે  અને  અમે  પણ  તેમાં  ભાગ લઇ

શકીએ  છીએ. એ ખંડમાં  દિવ્ય  જીવન  સંઘના  વિદ્વાન  સ્વામીઓનાં  ગીતા, યોગ તેમજ  અન્ય

વિષયો પર  પ્રવચનો થતાં અને અમે  તેમાં  હાજરી  આપતા. એ પ્રસંગે  સ્વામી ક્રુષ્ણાનંદજી, સ્વામી  અધ્યાત્માનંદજી વગેરેનાં  પ્રેરક  પ્રવચનો  સાંભળવાનો લહાવો લીધો હતો. એ પછી તો

અનુકૂળતા  મળતી  એ પ્રમાણે   આશ્રમની  મુલાકાતે  ઘણી  વાર  જવાનું  થયું છે.

      એ હોલમાં  પ્રવેશતાં જ ડાબી  અને  જમણી  તરફ  સંગેમરમરની  બે અત્યંત  મનમોહક

પ્રતિમાઓ જોઇ શકાતી હતી. એમાંથી  એક  ચામુંડા  માતાની  હતી. બીજી  મા  સરસ્વતીની હતી

એવું સ્મરણ થાય  છે.  એ મૂર્તિઓ જોઇને  હું  ખૂબ  પ્રભાવિત  થયો હતો.

       એ કોણે અને ક્યારે બનાવી  હશે એ જાણવાની  સ્વાભાવિકપણે  મને  ઉત્કંઠા  હતી; ત્યાં જ એક  સ્વામીજીએ  મને  સમજાવ્યું કે  દેશ વિદેશથી  અનેક  સાધકો સ્વામીજીના  સાન્નિધ્યમાં  સાધના  કરવા  આવતાં રહેતાં  હતાં. એ રીતે  થોડાં  વર્ષો પહેલાં  જર્મનીથી  એક  સાધિકા તેમનાં

દર્શને  આવી  હતી. અહિંનું  વાતાવરણ અને  સ્વામીજીની  પ્રતિભા  જોઇને  તેણે  સ્વદેશ પાછા ફરવાનો  વિચાર  માંડી  વાળ્યો અને  સ્વામીજીની  અનુમતિ મેળવીને તે  આશ્રમની  સેવામાં ઓતપ્રોત  થઇ ગઇ. સ્વામીજીએ  તેને  દીક્ષા  આપી અને  તેને  ઉમા નામ  આપ્યું એવું તેમણે  મને  કહ્યું  હોવાનું  સ્મરણ થાય  છે.

        કાલાંતરે સ્વામીજીએ  સમાધિ લીધા  પછી તેનું  મન  ઉદાસ  રહેવા લાગ્યું. તેને  આસપાસના  પહાડોમાં  જઇને  એકાંતમાં  સાધના  ચાલુ રાખવાનો વિચાર  આવ્યો. ખૂબ મનોમંથન પછી  અને  આશ્રમના  વરિષ્ઠ  સ્વામીઓની  સલાહ  લઇને તે  આસપાસના  કંદરાઓ

ઘૂમી  વળી.  છેવટે  તેને  લક્ષ્મણ ઝૂલાથી  થોડે દૂર  એક  પહાડ  ઉપર એક  અવાવરૂ ગુફા  મળી

આવી. તેના આગળના  પ્રવેશ માર્ગ  આડા  મોટા  પત્થરો  પડ્યા  હતા. તેની  પાછળના  ભાગમાં

એક  સાંકડું  બાંકોરું  હતું પણ  તેની  આગળ પણ  કાંટાં  ઝાંખરાંનાં  ઝૂંડ  હતાં. તેમણે   હિમત હાર્યા  વિના એ રસ્તો સાફ કર્યો અને  ધીમેથી    અંધારી ગુફામાં પ્રવેશ્યાં.

         ત્યાર  પછી તેમણે  ગુફા અંદરથી  સાફ  કરી  અને  તેનાં પ્રવેશદ્વાર પાસે નાનકડી ઝાંપી

બનાવી. તેમના  શિલ્પકામના  શોખને  ગુફામાં પણ થોડો વખત  પોષ્યો અને બીજી એકાદ  બે

પ્રતિમાઓ બનાવી. તેમને  સંગીતનો  શોખ  હતો એટલે  તેમની  સિતાર પણ ત્યાં  પડી  હતી.

તેમણે  પૂજાસ્થાન  બનાવીને  ત્યાં ધૂપ દીપ વગેરે  રાખ્યાં. એ જ ગુફાની  બહાર  સહેજ ઊંચાઇ

પર બીજી એક  બખોલ હતી જ્યાં  તેમણે  પોતાનો નિવાસ  રાખ્યો હતો. નીચેના   પરમાર્થ નિકેતનના સહકારથી   એકાદ  બે  સ્થાનિક  માણસો જંગલમાંથી જડીબુટ્ટી  લાવી, માતાજીની સૂચના પ્રમાણે  ખાંડીને તૈયાર  કરતા એવું  અમે  જોઇ શક્યા. ગુફામાં નાનું  પૂજાસ્થાન પણ

બનાવવામાં  આવ્યું  હતું.

          આવાં તપસ્વિનીનાં  દર્શન કરવાની  મને  ઇચ્છા  થઇ પણ અજાણી  ભોમકામાં એકલા

સાહસ  નહિ કરવાની  મને  સલાહ મળી. એ દિવસોમાં  રાજકોટથી  મોટી ઉમરનાં કેટલાંક બહેનો

અધિક માસ નિમિત્તે આશ્રમમાં  ઉતર્યાં હતાં અને તેઓએ પણ મારી  સાથે તપસ્વિનીનાં દર્શને

આવવાની ઇચ્છા વ્યક્ત  કરી. મેં તેમને ચઢાણનાં જોખમોની વાત  કરી પણ તેમણે હિંમત બતાવી.

અમારો કાફલો સવારના  નવેક  વાગ્યા પછી ઉપડ્યો. લક્ષ્મણ  ઝૂલા પાર  કરીને નિર્ધારિત કેડીએ

અમે  ચઢાણ  શરુ  કર્યું. કાચો રસ્તો હતો એટલે    બધાંને સંભાળપૂર્વક ચાલવાનું અમે  કહ્યું.

આટલા  કાફ્લામાં પુરુષોમાં  હું  એકલો જ હતો એટલે સાવધ  રહેવું  પડતું. એકાદ  કલાક પછી

સામેની  ભેખડ નીચે એક  વીરડો દેખાયો, જેમાં  ઠંડું  સ્વચ્છ પાણી પહાડમાંથી  આવતું  હતું. અમે

સહુએ પાણી  પીધું અને હાથ મોધું પણ  ધોયાં તો ય પાણી  ઘટ્યું કે  ઢોળાયું  નહિ. તાજામાજા થઇને  અમે  આગળ ચાલ્યા  અને  વીસેક મિનિટમાં  યથાસ્થાને  પહોંચ્યા.

            ગુફા  બંધ  હતી. જો કે  ઝાંપીમાંથી  અંદર દીવો બળતો જોઇ શકાતો હતો; સિતાર પડી

હતી  અને  એકાદ  બે  મૂર્તિઓ બનેલી  જોવા  મળતી  હતી. બહાર  બેસીને જડીબુટ્ટી  ખાંડતા બે

માણસોને  અમે માતાજી  વિશે  પૂછ્યું તો તેમણે  ઉપરની નાની  ગુફા તરફ આંગળી  ચીંધીને કહ્યું

કે તેઓ ત્યાં છે. તમે ચઢાણની  શરૂઆત  કરી હશે ત્યાં જ તેમને તમારા  આવવાની જાણ  થઇ ગઇ

હતી. અમે ગુફા જોવાની  ઇચ્છા  પ્રદર્શિત કરી . બહારથી તાળું  હતું.

           બરાબર  એ જ વખતે ઉપરની ગુફા આગળ પડેલી મોટી શિલાની  પાછળ શ્વેત વસ્ત્ર

લપેટેલાં એ માતાજીએ  ડોકું  કાઢ્યું. અમે સહુએ પ્રણામ  કર્યાં, અમારી  સાથે  આવેલાં  બહેનો તો

ભાવવિભોર  બનીને તેમનો ચરણ સ્પર્શ કરવા  અને  તેમને  ચરણે પૈસા ધરવા  અધીરાં થયાં પણ

તેમણે  અમને એમ કરતાં  વાર્યાં. ત્યાં રહેલા માણસોએ અમને  તેમની  સાથે માત્ર  હિન્દીમાં જ બોલવાની સૂચના  આપી. મેં તેમને ગુફામાં જઇને  દર્શન કરવા દેવા માટે વિનંતી કરી. તેમણે પેલા  માણસોને તાળું  ખોલી  દેવા કહ્યું. અમે ગુફામાં  દાર્શન કર્યાં. અંદર  અદભૂત  શાંતિ હતી.

અમે  બહાર  આવ્યાં પછી  માતાજીએ અમને  કહ્યું, આપ સબ  લોગ બહોત દૂર સે  આયે  હૈં..

વાપસ  જાને મેં ભી  સમય  લગેગા…ધૂપ  હો ગઇ હૈ ઔર આપ કે  સાથ છોટે  બચ્ચે હૈં ઇસ લિયે

અબ  આપ  લોગ  આરામસે  લૌટ જાઇયે.

            અમને  એટલી  સૂચના  આપીને  તેઓ પાછાં અંતર્ધ્યાન  થઇ   ગયાં. અમે દસેક મિનિટ  આરામ  કરીને  નીચી ઉતરવા  લાગ્યાં. રસ્તો કાચો અને પથરાળ  હતો એટલે ખૂબ આસ્તેકથી  ઉતરવાનું  હતું. વચ્ચે થોડી વાર વિશ્રામ  કરતાં  કરતાં  દોઢેક કલાક પછી અમે હેમખેમ પાછાં  ફર્યાં  ત્યારે  કોઇ દૈવી શક્તિનો સાક્ષાત્કાર થયાની  અનુભૂતિ થતી  હતી.

 

 

                                          ***********

        

Read Full Post »

                     

યાત્રા-પ્રવાસ

                                           **   પરમ  સમીપે

                                                                        દિગંબર સ્વાદિયા

જિંદગીની જંજાળોથી માણસ કંટાળે ત્યારે તેને કુદરતનો ખોળો યાદ આવે છે; ઉન્નત ગિરિશ્રુંગો અને કલકલ વહેતાં ઝરણાં સાંભરે છે એટલે તે યાત્રા પ્રવાસે જાય છે અને ફરી તાજોમાજો થઇને સંસારનો બોજો સંભાળી લે છે. યુગોથી તે જાણે કે પરમ તત્વની ખોજમાં અહિંતહિં ભટકતો રહે છે….તેના મનમાં શ્રધ્ધાની જ્યોત ટમટમી રહી છે…તેનો માંહ્યલો પોકારે છે:

               रूठे जो जिंदगी तो मना लेंगे हम,

                मिले जो गम तो निभा लेंगे हम,

               बस आप रहना सदा साथ  हमारे,

               बहते हुए आंसुओं में भी मुस्कुरा लेंगे हम  !

મુંબઇની કુલીનકુમાર ટ્રાવેલ્સની બાર દિવસની  યાત્રા પ્રવાસની સ્પેશિયલ ટ્રેનની વિગતો વાંચીને અમે તેનો લાભ લેવાનું નક્કી કર્યું. 8 ઓગસ્ટની  રાતે અગિયાર કલાકે છત્રપતિ શિવાજી ટર્મિનસ (વી.ટી.) થી  ગાડી ઉપડશે એમ કહેવામાં આવ્યું. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ એંજિનને આવતાં બે કલાક મોડું થયું એટલે ગાડી દોઢ વાગે ઉપડી.

અમારી સીટ બે નંબરના કોચમાં હતી. આજથી બાર દિવસ માટે એ  કંપાર્ટૅઁ મેંટ જ અમારું  ઘર બની જવાનું હતું. અમને પાગરણ આપવામાં આવ્યું હતું. જમવાની સગવડ પણ ટ્રેનમાં જ કરવામાં આવી હતી. અમારા સહ-પ્રવાસી તરીકે શ્રી પ્રતાપ રાઠોડ નામના રાજસ્થાની યુવાન હતા. તેઓ પોતાની પત્ની સંતોષકુંવર અને પાંચ નરસની રમતિયાળ પુત્રી પ્રાચી સાથે હતા. સ્વભાવ મિલનસાર અને સેવાભાવી હતો. અમને તેઓની ખૂબ ઓથ રહી. અમે  પ્રાચીનાં  દાદા-દાદી બની ગયાં.

સવારે અગિયારેક વાગે પાંચ મિનિટ માટે ગાડી વડોદરા થોભી ત્યારે સ્વજન સમાં બેન જાગ્રુતિ ત્રિવેદીને

મોબાઇલ ઉપર જાણ કરી. તેઓ ખુશ થયાં પણ સમયના અભાવે નહિ મળી શકવા બદલ દુખ પણ થયું.

અમારો પ્રથમ પડાવ મથુરા વ્રુંદાવનમાં હતો. મનમાં હતું કે ભગવાન શ્રીક્રુષ્ણનાં જીવન સાથે સંકળાયેલી એ તીર્થભૂમિ મનમાં કેવા કેવા ભાવ જગાડશે? વ્રુંદાવનના ભુર્જા રોડ પરના ચૈતન્ય વિહારમાં આવેલી રાધા માધવ દિવ્ય દેશ નામની આલિશાન ધર્મશાળામાં અમારો ઉતારો હતો. નહાઇને ખાસ બસમાં દેવદર્શને જવા રવાના  થયા.

વ્રુંદાવનની સાંકડી ગલીઓ, અસંખ્ય ખાડા ટેકરા, વરસાદને લીધે કાદવ કીચડ અને નિરંકૂશ ટ્રાફિક વચ્ચે અમારી બસ સમયનાં બંધન વિસરીને  પોરો ખાતી જતી હતી. પરિણામે બાર વાગે બંધ થઇ જતાં તમામ મંદિરોમાં અમે લાલાને બદલે તેનાં બંધ કમાડનાં દર્શન કરીને સંતોષ  માન્યો. આવાં તીર્થસ્થળોમાં ગાઇડની સેવા આપતા લોકોને પોતાની દક્ષિણામાં વધારે રસ હોય છે એમ વધુ એક વાર સાબિત થયું.

આમ ભગવાન માટે મનમાં થોડો અસંતોષ લઇને અમારો કાફલો ઉતારે પાછો ફર્યો. ભોજન અને વિરામ બાદ યમુના સ્નાન કરવાની કેટલાક મિત્રોંની ઇચ્છા હોવાથી પાછા ઉપડ્યા. અમે બસ અમુક સ્થાને રાખી અને જેઓને સ્નાન માટે જવું હતું તેઓ ગયા. બાકીના અમે વાટ જોતા બેસી રહ્યા ત્યારે મોડી સાંજનાં અંધારાંનો લાભ લઇને એક દારુડિયો બસમાં ઘૂસી ગયો. અમે સાથે મળીને તેને ઉતારી મૂક્યો. લાલાની નગરીમાં અમે રાત વીતાવી. સવારના પહોરમાં અમારે ગોકુળ જવાનું હતું.

દસમીની સવારે  ત્યાં પહોંચ્યા ત્યારે વાતાવરણમાં રાધા અને ક્રુષ્ણ પ્રત્યેનો ભક્તિભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યો. સહુનાં મુખમાં રાધે રાધે અને રાધે ક્રુષ્ણનાં નામનો ગુંજારવ સાંભળવા મળ્યો. રસ્તે નીકળતા

સાયકલ રીક્ષાવાળા પણ ઘંટડી વગાડવાને બદલે ભીડમાંથી માર્ગ કાઢવારાધે રાધેનો જપ કરતા જતા હતા.

ગોકુળનો ગાઇડ જરા સમજુ હતો. યમુનાના બ્રહ્મ ઘાટ ઉપર તેમના કોઇ સાથીએ એ સ્થળનો મહિમા સમજાવ્યો; કદંબનું ઝાડ બતાવ્યું જેના ઉપરથી કાનુડાએ યમુનામાં કૂદીને કાળીનાગને નાથ્યો હતો. પ્રસાદીરૂપે એ ધરતીની રજની ચપટી બધાને મળી. સહુએ યથાશક્તિ તેમને દક્ષિણા આપી. બીજાં ત્રણચાર મંદિરો જોઇને અમેરમણ રેતીજોવા ગયાં. બ્રાહ્મણો લોકોને નીચે બેસાડી, થોડું સમજાવીને લાફિંગ ક્લબની જેમ મોટેથી હસવાનું અને પછી ત્યાંની રજ જેવી રેતીમાં છૂટથી આળોટવાનું કહેતા. અમે જોયું. કંઇ કર્યું નહિ. પાછા ફર્યા.

હવે અમારે નંદ ભવન જોવા જવાનું હતું. લાલાના જન્મ પછી વાસુદેવજી તેને નંદ બાવાને ત્યાં સોંપી ગયા હતા એ ભવન આમ તો હવે સરકાર હસ્તક હતું એવું લખાણ ત્યાં વાંચવા મળ્યું. મને પંદરેક વરસો પહેલાં પુરી નજીકનાં સાક્ષી ગોપાલનાં મંદિરે થયેલો અનુભવ યાદ આવી ગયો. ત્યાંના ગાઇડે અમને સમજાવ્યું હતું  કે આ મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવાથી  કોઇ જાતનો ચાર્જ લેવાતો નથી અને છતાં ત્યાંના પંડિતોએ ભક્તોનાં ખિસ્સાં ખંખેરવાની યુક્તિઓ શોધી રાખી હતી. નંદ ભવનમાં પણ એવી જ કંઇક વ્યવસ્થા હતી. શબ્દોની માયાજાળમાં ભક્તોની આસ્થા અટવાઇ જતી જોવા મળી. ભક્તિના એજંટો  પોતાનાં ગજવાં ગરમ કરતા રહ્યા. લોકો ભોળવાતા રહ્યા…ભગવાન નિ:સહાય બનીને જોતા રહ્યા. ભોજન લીધા પછી અમારી ગાડી આગ્રા જવાની હતી. તાજમહાલ જોવા ગયા.

તાજમહાલને દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન મળ્યું છે. સફેદ સંગેમરમરનાં કાવ્ય સમી એ ઇમારતને હવે આસપાસના  ઉદ્યોગોનાં પ્રદૂષણની માઠી અસર થતી જાય છે. પાંચેક દાયકા પહેલાં મેં અને કલ્પનાએ

પૂનમની રાતે તેનું સૌન્દર્ય માણ્યું  હતું. આજે તેને પણ અવસ્થા આવતી જતી હોય એવું લાગ્યું. અંદર ભૂગર્ભમાં રહેલી મૂળ મઝાર સુધી જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકો માટે તેની ઉપરના ભાગમાં તેની પ્રતિક્રુતિ બનાવી દેવામાં આવી છે. બાદશાહ સલામતને દુઆ-સલામ કરીને અમે આગ્રા છાવણી

સ્ટેશને પહોંચ્યા ત્યારે અમારી ગાડી આવી ગઇ હતી.

આખી રાતના પ્રવાસ પછી સવારે ગાડી નવી દિલ્હીના સફદરજંગ સ્ટેશનના યાર્ડમાં થાક ઉતારી રહી હતી ત્યારે અમારે અક્ષરધામ જોવા તૈયાર થવાનું હતું.

અક્ષરધામ….ભારતીય કલા, ચિંતન અને મૂલ્યોનું એક અનુપમ સાંસ્ક્રુતિક પરિસર…ભગવાન સ્વામિનારાયણ

(1781-1830)ને સમર્પિત આ સમયાતીત સર્જન છે. એક સો એકર જમીનના વિશાળ વિસ્તારમાં ફેલાયેલાં એ

ભવ્ય મંદિર પરિસરનું નિર્માણ ફ્ક્ત પાંચ વર્ષમાં પૂરું થયું છે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં કેમેરા, મોબાઇલ,પર્સ વગેરે ક્લોક રૂમમાં  જમા  કરાવવાં પડે છે. સમગ્ર પરિસરમાં વ્યવસ્થા સંભાળતા મોટા ભાગના સ્વયંસેવકો

ગુજરાતી હતા. મુખ્ય મંદિરનાં દર્શન સવારના નવ થી સાંજના સાત સુધી થઇ શકે છે અને તેને માટે કશું શુલ્ક નથી પણ  પ્રદર્શન જોવાનો સમય સવારના નવથી સાંજે છ સુધી હોય છે અને તેને માટે પ્રવેશ ફી

આપવી પડે છે. સીનિયર  સીટીઝનોને ફીમાં થોડું વળતર અપાય છે. સંગીતમય ફુવારા જોવા હોય તો સાંજે

પોણા  સાતે તેની ખાસ ટિકિટ લઇને રોકાવું પડે છે. ઉપાહાર ગ્રુહોની સેવા પ્રશંસનીય છે. દર્શનાર્થીઓએ અસભ્ય  પહેરવેશ પહેર્યો હોય અથવા પાળેલાં  પ્રાણીઓ સાથે લાવ્યા હોય તો તેઓને પ્રવેશવાની મનાઇ છે.

દર સોમવારે અક્ષરધામ બંધ રહે છે.

મંદિરનાં દશ દ્વાર દિશાઓનાં પ્રતીક સમાન છે, જે વૈદિક શુભ કામના દર્શાવે છે :સમગ્ર બ્રહ્માંડમાં જે કંઇ પણ માંગલિક છે, દિવ્ય છે. તે દશે દિશાઓમાંથી અમારી તરફ પ્રવાહિત થાઓ અને અમારાં હ્રદયનાં શુભ

તત્ત્વોનો દરેક દિશાઓમાં મંગલ વિસ્તાર થાઓ.

ભારતીય શૈલીનાં પરંપરાગત ભક્તિ દ્વાર પણ પ્રેરક છે.મયૂર દ્વાર સૌન્દર્ય, સંયમ અને પવિત્રતાનાં પ્રતીક એવા  આપણાં રાષ્ટ્રીય  પક્ષી મોરનું સ્મરણ કરાવે છે.

ગુલાબી પત્થર અને શ્વેત સંગેમરમરથી બનેલાં મુખ્ય મંદિરમાં 234 કલામંડિત સ્તંભ, નવ કલામય ઘુમ્મટ, વીસ ચતુષ્કોણ શિખર અને વીસ હજારથી ય વધુ શિલ્પો છે.તેની ઊંચાઇ 141 ફૂટ,પહોળાઇ 316 ફૂટ અને લંબાઇ 356 ફૂટ છે. તેમાં ક્યાંય લોખંડ વપરાયું નથી.

તેની મધ્યમાં ભગવાન સ્વામિનારાયણની પંચધાતુની બનાવેલી સ્વર્ણજડિત અગિયાર ફૂટ ઊંચી મનોહર મૂર્તિ છે. આ ઉપરાંત, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, સીતા-રામ,રાધા-ક્રુષ્ણ અને શ્રી મહાદેવજી-પાર્વતીની મૂર્તિઓ પણ સુંદર છે.

અક્ષરધામનું મુખ્ય આકર્ષણ તેના ત્રણ વિશાળ ખંડો છે. પ્રથમ ખંડમાં રોબોટિક્સ,એનિમેટ્રોનિક્સધ્વનિ-પ્રકાશ  વગેરે આધુનિક પધ્ધતિઓ દ્વારા દર્શાવાયેલાં શ્રધ્ધા,અહિંસા,કરુણા, શાંતિ જેવાં સનાતન મૂલ્યો

અને તેમાં છૂપાયેલા સંદેશ સરસ છે. તેમાં ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગો વણી લેવામાં આવ્યા છે.

નીલકંઠ દર્શન નામના બીજા ખંડમાં  બાલયોગી નીલકંઠે કરેલી બાર હજાર કિલોમીટરની ભારત યાત્રાનું ફિલ્માંકન વિશાળ પરદા ઉપર મનમોહક લાગે છે. સત્ય ઘટના ઉપર આધારિત  એ ફિલ્મમાં દેશનાં તીર્થો, ઉત્સવો, સાંસ્ક્રુતિક પરંપરાઓ ની ઝલક જોવા મળે છે.

સંસ્ક્રુતિ વિહાર નામના ત્રીજા ખંડમાં આપણી દસ હજાર  વર્ષ જૂની ભારતીય સંસ્ક્રુતિની ઝાંખી નૌકા વિહાર કરાવીને પ્રસ્તુત કરવામાં આવી છે. આઠ સો  જીવંત લાગે  એવી પ્રતિમાઓ અતીતને જાણે કે સાકાર કરે છે.

વિશ્વની  સર્વપ્રથમ યુનિવર્સિટી તક્ષશીલા, સુશ્રુત ની પ્રાચીન હોસ્પિટલ, વગેરેનું દર્શન દર્શકોને  ભાવ વિભોર કર્યા વિના રહેતું નથી.

અક્ષરધામ હાટમાં વિવિધ ભાષાઓનું પ્રેરક ધાર્મિક સાહિત્ય, અને યાદગાર ચીજવસ્તુઓ વેચાય છે. સુંદર

ઉપાહાર ગ્રુહમાં દર્શકો પોતાને ક્ષુધા શાંત કરી શકે છે.

સંગીતમય ફુવારા સાંજે જોઇ શકાય છે પણ તેને માટે અલગ  ટિકિટ લેવી પડે છે.

એકંદરે આ રળિયામણું તીર્થધામ જોઇ અમે જમ્મુ તરફ આગળ વધવા સ્ટેશને પાછા ફર્યા. જમ્મુમાં અશાંતિ હતી એટલે કાર્યક્રમમાં કદાચ ફેરફાર થાય એવી શક્યતા હતી. આમ છતાં, અર્ધી રાતે બે વાગે ગાડી જમ્મુ પહોંચી ત્યારે આખું  શહેર તો કરફ્યુ ઓઢીને જંપી ગયું હતું. સ્ટેશનની બહાર ત્રણ બસ અમારી રાહ જોતી હતી. અમે બાયપાસ દ્વારા કટરા તરફ ગયા. કટરાથી પાંચેક કિલોમીટર એક પોલિસ તપાસ ચોકી બનાવવામાં આવી હતી ત્યાં અમારી બસ રોકવામાં આવી. તમામ પુરુષોને ઉતરીને પોલિસ તપાસ માટે જવાનું  કહેવામાં આવ્યું અને મહિલાઓને બસમાં બેસી રહેવાનું કહ્યું. પોલિસે બસની અંદરથી પણ પૂરી તપાસ કરી લીધી પછી જ બધાને  આગળ જવા દેવામાં આવ્યા.

શ્રી વૈષ્ણવ દેવી શ્રાઇન બોર્ડની આ સુસજ્જ ધર્મશાળામાં અમે પ્રાત: વિધિ પતાવી. જે લોકો પહાડ ચડીને દર્શન કરવા જવાના હતા એ લોકો રવાના થવા લાગ્યા. પહાડમાં તોફાની વરસાદ દેખાતો હતો. અમે અગાઉ બે ત્રણ વાર દર્શને જઇ આવ્યા હતા એટલે અમે નીચે જ રોકાઇ ગયા. સહુ મોડી સાંજે થાક્યા પાક્યા પાછા ફર્યા. એક બહેન લપસી જતાં તેમને હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યાં અને તેમને વિમાનમાં મુંબઇ પહોંચાડવામાં આવ્યાં.

હવે અમારો કાફલો અમુતસર જવાનો હતો. ત્યાં સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ અને વાઘા સરહદ જોવા જવાનો પ્રોગ્રામ હતો. અમે એ ત્રણે ય સ્થળો જોયાં. સુવર્ણ મંદિરમાં તો ભક્તિ હિલોળે ચઢી હોય એમ લાગતું હતું. જલિયાવાલા બાગમાં સ્વાતંત્ર્ય સંગ્રામના અનામી શહીદોને શ્રધ્ધાંજલિ આપી. વાઘા સરહદે ભારત અને

પાકિસ્તાનના સૈનિકોને સરહદની રખેવાળી કરતા અને નિત્ય ક્રમ મુજબ પોતાના રાષ્ટ્રધ્વજો વિધિપૂર્વક ઉતારતા જોયા. સમગ્રા વાતાવરણમાં અજબ પ્રકારનો ઉશ્કેરાટ જોઇ શકાતો હતો.

હવે અમારી યાત્રાના અંતિમ પડાવ સમા હરિદ્વાર ઋષિકેશ અને મસૂરી બાકી રહ્યા હતા. અમારા માટે જો કે એ સ્થળૉ અજાણ્યાં નહોતાં. હર કી પૌડી ઉપર ગંગા માતાની આરતી ઐતિહાસિક ઘટના ગણાય છે. હજારોની સંખ્યામાં લોકો પાનના પડિયામાં  ફૂલોના ઢગલા વચ્ચે  દીવાની વાટ પ્રગટાવીને તેને નદીના ધસમસતા પ્રવાહમાં તરતા મૂકતા હોય છે અને એ જ્યોત નાચતી કૂદતી અદીઠ કાળ પ્રવાહમાં સમાઇ જતી હોય છે.

સવારે મસૂરી ગયા. પર્વતોની મહારાણીનું તેને બિરુદ મળ્યું છે. અત્યંત ઊંચાઇ પર સંતાકૂકડી રમતાં વાદળૉ અને ઊંચા પહાડોની ગોદમાંથી જાણે દાદાના ખોળામાંથી છટકીને રમવા માટે ભાગતી બાલિકા જેવાં ઝરણાં જોવાની  ભારે મજા આવી.

આમ જોતજોતામાં વીસમી તારીખ આવી ગઇ અને અમારે આજે વી.ટી. ઉતરવાનો સમય થઇ ગયો હતો.

અનેક સંસ્મરણો હૈયે સંઘરીને અમે પાછાં  આવી ગયાં == મહાનગરની માયામાં ફરી લપેટાઇ જવા….

ઇશરનું વિવિધ સ્વરૂપે દર્શન કરીને….પરમ સમીપે જવાની ફરીથી તક મળે ત્યારે જવાના સંકલ્પ સાથે….

 

                                                  (** શિર્ષક સૌજન્ય: કુન્દનિકા  કાપડિયા).

 

 

                                           ________________

Read Full Post »

            ભૂલ કરવાનો પણ અબાધિત  અધિકાર

             (સૌજન્ય: દિવ્ય ભાસ્કર, 6 ઓગસ્ટ 08)

                     છે ભૂલા પડવાનો એક જ ફાયદો,

                      કેટલા બધા રસ્તા પરિચિત થાય છે…

                                              (અમિત વ્યાસ)

જિંદગી જુગાર જેવી છે. તેમાં ઘણી વાર બ્લાઇંડ રમવું પડે છે. બધાં જ પત્તાં બંધ હોવા છતાં ચાલ રમવી પડે છે. મેનેજ્મેંટની ભાષામાં તેને કેલ્ક્યુલેટેડ રિસ્ક કહે છે. ગણતરી મુજબનું જોખમ! જોખમ ખમવાં  પડે છે. દરેક વખતે તદન સેફ ગેમ રમવાથી જિવાતું નથી. થોડીક જુદી રીતે વિચારીએ તો એવું કહી શકાય કે આપણે કોઇના ઉપર વિશ્વાસ

મૂકીને મોટે ભાગે  જોખમ જ ઊઠાવતાં હોઇએ છીએ. બીજી એક વાત એ પણ છે કે જોખમ ઊઠાવીએ અને વિશ્વાસ મૂકીએ તો જ ગાડું આગળ ચાલે. હોડી દરિયામાં ઉતારતી વખતે નાવિકને જો દરિયા અને હવા ઉપર ભરોસો ન હોય તો એ કોઇ દિવસ દરિયામાં ઝુકાવી

ન શકે. દરેક વખતે હવા અનુકૂળ હોય જ એવું જરૂરી નથી.

જોખમ લેતી વખતે માણસ એટલું જ વિચારતો હોય છે કે વધુમાં વધુ નુકસાન શું થઇ શકે? આવું નુકસાન થાય તો આપણે સહન કરી શકીએ કે નહિ? નુકસાન સહન થાય એમ હોય તો માણસ  જોખમ ઉઠાવતાં ગભરાતો નથી. મતલબ કે ભૂલ થાય તો પણ વાંધો નહિ આવે. ભૂલ થવાની આ વાત જિંદગીને પણ લાગુ પડે છે. એવો  કોઇ માણસ છે કે જેણે જિંદગીમાં કોઇ દિવસ કોઇ ભૂલ જ નથી કરી? ભૂલ વિશે એવું પણ કહેવાય છે કે જેણે કોઇ ભૂલ કરી હોતી નથી તેણે મોટે ભાગે કોઇ કામ જ કર્યું હોતું નથી. ભૂલથી ડરી જઇએ તો કંઇ કામ જ ન થાય!

જ્યાં બીજી તક ન મળવાની હોય ત્યાં પહેલી તક ગુમાવવી ન જોઇએ. પ્રેકટિસ વખતે દાખલો ખોટો પડે તો વાંધો નહિ. પરીક્ષામાં દાખલો ખોટો પડે તો માર્ક કપાઇ જાય. દરેક પ્રેકટિસ પરીક્ષા માટે જ હોય  છે. દરેક પ્રેકટિસ પરફેક્શન માટે હોય છે.

બને ત્યાં સુધી વડીલોની વાત માનવી કારણ કે તેઓ પાસે ભૂલ કરવાનો વધુ અનુભવ હોય છે. એ લોકોએ ઢગલાબંધ ભૂલો કરી હોય છે. વડીલેને ખબર હોય છે કે આવું ન કરાય કારણ કે તેઓ એવી ભૂલ કરવાનાં પરિણામ ભોગવી ચૂક્યા હોય છે. અલબત્ત્ તેનો મતલબ એ પણ નથી કે વડીલોની દરેક વાત માની જ લેવી. બનવાજોગ છે કે વડીલો જેમાં નિષ્ફ્ળ ગયા હોય તેમાં તમે સફળ પણ થાઓ!

તમને ભૂલ કરવાનો જે અધિકાર મળ્યો છે તે અધિકાર તમારા લોકોને પણ આપતાં અચકાઓ નહિ. ખાસ કરીને સંતાનોને ઓવર પ્રોટેક્ટ કરીને અટકાવો નહિ. કેટલીક ભૂલો એવી હોય છે કે જે કદાચ થાય તો પણ કંઇ જિંદગી હારી જવાતી નથી. ડાહ્યા લોકો તો પોતાનાં સંતાનોને ઇરાદાપૂર્વક  કેટલીક ભૂલો કરવા દે છે. દરેક માણસને જન્મ સાથે જ ભૂલ કરવાનો અધિકાર મળે છે. ભૂલ કરવાનું જોખમ ઊઠાવનારો જ સફળ થાય છે. ભૂલથી ડરો નહિ.પડકાર સ્વીકારો. પડકારને પડકારો. સફળતાનો વિશ્વાસ રાખો અને કદાચ નિષ્ફળ બનો તો બીજા પ્રયાસ માટે કમર કસો… સફળતાનું સર્જન જોખમ ઊઠાવનારા માણસ માટે જ થયું છે..એવો વિશ્વાસ કેળવો કે એ માણસ હું જ છું….!

નાનો હતો ત્યારે  મારાં દસ કામમાંથી નવ કામ નિષ્ફળ નીવડતાં, પણ મારે નિષ્ફળ નીવડવું નહોતું એટલે મેં દસગણું વધારે કામ કરવા માંડ્યું…..

                                                            જ્યોર્જ બર્નાડ શો.

 

                                     ******

Read Full Post »

%d bloggers like this: