મધપુડૉ

એક ગુજરાતી બ્લોગ નો પ્રયાસ-દિગંબર સ્વાદિયા

સિંદૂરની સાક્ષીએ

Posted by Madhpudo on May 31, 2008

            સિંદૂરની  સાક્ષીએ….                                                       -દિગંબર  સ્વાદિયા.
  પરીક્ષિતબાબુ રિટાયર  થયા. નવી  દિલ્હીના એક  ધમધમતા વિસ્તારમાં બેઠા  ઘાટના  એક  મકાનમાં તેઓ પત્ની  મીરાં  અને  પુત્રી  નંદિની  સાથે રહેતા  હતા. તેમની  ઇચ્છા  હતી  કે  થોડા  દિવસમાં નંદિનીને  લાયક કોઇ સારાં  વરઘર મળી  જાય  તો તેને  સાસરે  વળાવીને વતનમાં ઠરીઠામ  થઇને  રહેવું. તેમના ચોગાનમાં  એક  નાનો બ્લોક  બનેલો હતો. એ જો ભાડે  આપ્યો હોય  તો થોડી  આવક  પણ  થાય એવી  તેમની  ગણતરી  હતી. એ માટે તેઓએ  સ્થાનિક  અખબારમાં  જાહેર  ખબર  પણ  આપી હતી.    એ  વાંચીને જ એક દિવસ સાધારણ  દેખાતું  એક  દંપતી મકાન  જોવા  આવ્યું. બધી  વાત  કરી. શેખર  અને  દામિનીને મકાન  ગમ્યું. દર  મહિને પાંચ સો  રૂપિયાનું  ભાડું  નક્કી થયું. બે  દિવસ  પછી  એ  લોકો રહેવા  પણ આવી  ગયાં. મીરાંને  દામિનીનો સ્વભાવ સારો લાગ્યો.
   એક પ્રતિષ્ઠિત  કંપનીમાં  નોકરીએ  જતી  નંદિનીને જો કે આ વાત  ગમી નહોતી અને  તેણે મા-બાપ  સાથે દલીલ પણ  કરી  જોઇ:”શું જરૂર  હતી બહારની  કોઇ પણ  વ્યક્તિને  આપણાં  આંગણાંમાં  આવવા દેવાની?” માએ તેને  શાંત  પાડતાં કહ્યું: “તારે  અક્ળાવાની  જરૂર  નથી. માણસો સારા લાગે  છે.  આપણને  ઓથ  રહેશે.”   “અને  કાલે  સવારે  આપણે  વતનમાં  જવું  પડે તો પણ  ઘર  રેઢું  ન  રહે  ને?” પરીક્ષિતબાબુએ કહ્યું. નંદિની  ચૂપ રહી. ધીમે  ધીમે તેને પણ  દામિની  સાથે  સખીપણાં  થઇ ગયાં. શેખર  થોડો અતડો રહેતો . કોક વાર દામિનીનો ચહેરો પડી ગયેલો જોઇને નંદિની  તેને  પૂછતી:” શું  છે, ભાભી, તબિયત  સારી  નથી?”    દામિની  જવાબ  ટાળતી પણ  તેની  ચહેરાની  ગ્લાનિ જોઇને નંદિની  સમજી ગઇ કે  દામિની  જરૂર  કંઇક  છૂપાવે  છે. છેવટે  તેના  અતિશય આગ્રહ  આગળ  દામિની ઝૂકી  પડી.  તેણે  કહ્યું, “તમારા  ભાઇ  આજકાલ બહુ  મોડા  આવે  છે  અને  છાંટોપાણી  કરીને  આવે  છે  એટલે અમારે થોડી રકઝક  થાય  છે.”     “ઓહો, તો એમ  વાત  છે? બોલો, હું  તેને સમજાવું?” નંદિનીએ પૂછ્યું.     “ના, એનું  કાંઇ ઠેકાણું  નહિ.. ક્યાંક  તમારું  અપમાન  કરી  બેસે તો મારે તો મરવા  જેવું  થાય.”     “એની  તમે  ફિકર  કરો મા…આજે  આવવા  દો..”     શેખરને  આરામથી  સમજાવી  જોયો. એ તો સામો વિફર્યો. “”એ ય છોકરી, તારે એમાં  ડબડબ  કરવાની  જરૂર  નથી, સમજી?”     મીરાંને  તેની  આવી  રીત  ગમી  નહિ. તેણે  આસ્તેકથી  કહ્યું, “બેટા, એમાં તને  શું  ખાટુંમોળું  કહી  નાખ્યું?  દારૂથી  શરીર  ખરાબ થાય ને?”
    “ડોસલી, તું  પણ  તેને  ગાડે  બેસી ગઇ?  દામિનીએ જ ચડાવી  લાગે છે.”
   “ના, ભાભી શું  કામ  કહે?  અમે  જોઇ શકતાં  નથી?” નંદિનીએ કહ્યું.    “જો બેટા,” મીરાં  સમજાવતાં  બોલી, “નંદિનીના  બાપુજીને હજુ  એની ખબર પડે  એ  પહેલાં એમ  કરો..તમે  લોકો બીજે મકાન  ગોતી  લો..”    શેખર  એ  વાત  સાંભળીને  ખૂબ  તપી  ગયો. તેણે  મીરાંને  જવાબ  આપ્યો, “બીજે  રહેવા  જાઉં, એમ? તો મારી  એક  વાત  સાંભળી લે, ડોસી… આ  તારા  કપાળનું  સિંદૂર  ભૂંસાશે ને  ત્યારે હું ખાલી  કરીને  જઇશ…”     મા-દીકરી  હેબતાઇ જ ગયાં. શરાબી  માણસ  આટલો હલકટ  બની શકે એ વાત તેઓના  માન્યામાં  આવતી  નહોતી. સંજોગોવશાત તેઓ ત્રણેયને કોઇ કૌટુંબિક  કામે વતનમાં  જવાનું  થયું.
    વતનમાં  અચાનક  પરીક્ષિતબાબુની  તબિયત  લથડી. ડોકટરોની સારવાર  મળી  પણ તેમને  બચાવી  શકાયા  નહિ.  મા-દીકરી ઉપર જાણે કે આભ  તૂટી  પડ્યું.  જરૂરી  ક્રિયાકર્મ  પતાવીને  તેઓ દિલ્હી  પાછાં  આવ્યાં. દામિનીને  ખબર  પડી ત્યારે તેને પણ  થયું  કે  કેવાં કાળ  ચોઘડિયે શેખરે વેણ ઉચાર્યાં  હશે? તેને  બહુ દુ:ખ  થયું. શેખર કંઇ  બોલ્યો  નહિ.      દસ પંદર  દિવસ  પછી  એક  દિવસ  અડધી  રાતે  નંદિનીના  ઘરનું બારણું  કોઇએ  ખટખટાવ્યું. મા-દીકરી  સફાળાં  જાગી  ગયાં. નંદિનીએ બારીમાંથી જોયું  તો દામિની હતી. બારણું  ખોલ્યું. તેને  ચિતાતુર અવસ્થામાં જોઇને  નંદિનીએ પૂછ્યું, “શું  થયું, ભાભી?  શેખર  નથી  આવ્યો હજુ”      “આવી તો ગયા  છે  પણ તાવમાં  પટકાયા  છે. કંઇક  લવારો  કર્યા કરે છે. મને  ખબર  પડતી  નથી..માની  સલાહ  લેવા  આવી  છું”.      “મા  શું  કરવાનાં  હતાં? દવા પાઇ દ્યો..સૂઇ જશે.”      મીરાંએ  તુરત  તેને  કહ્યું, “ચાલ, હું  આવું  છું…નંદુ, તું રૂમ બંધ કરીને આરામથી  સૂઇ જા..હું  આવીશ ત્યારે જગાડીશ.”      “પણ, મા..”નંદિનીને  માના  નિર્ણય  ઉપર ગુસ્સો  આવ્યો…     “જે  થયું  એ  બધું અત્યારે  યાદ  કરવાનો સમય  નથી…અત્યારે તો મારી આ  બીજી  દીકરીના  ચૂડી અને  ચાંદલાનો સવાલ  છે…ચાલ, બેટા, “ કહીને મા દામિની  સાથે શેખરની  સારવાર  માટે  ગયાં. નંદિની સમસમીને  બેઠી  રહી.     મીરાંની  સૂચના  મુજબ  દામિનીએ  પોતાં  મૂકવાં  શરુ કર્યાં. મીરાં પોતે તેનાં  માથાં ઉપર  પ્રેમથી  હાથ  ફેરવીને  ગાયત્રી  જાપ કરવા  લાગી. ધીમે ધીમે  શેખરને  આરામ લાગવા  માંડ્યો એટલે તેને ઊંઘ  આવી ગઇ. દામિની માનાં  વાત્સલ્ય  આગળ  નમી  પડી. બીજે  દિવસે  શેખરને  બધી  વાતની જાણ  થઇ ત્યારે તે મીરાંને  ચરણે  પડીને  ખૂબ  રડ્યો  અને  પોતાનાં અમંગળ  વચનો બદલ  માફી  માગી.
    મીરાંએ  કહયું, “બેટા  શેખર, થવા  કાળ  થઇ ગયું. આપણે તો ઉપરવાળાના  હાથનાં  રમકડાં  છીએ. તું  નાહકનો કોચવાઇશ નહિ.” 
   ત્યાર  પછી તો શેખરે  સગા  દીકરાની  જેમ  ફરજ  બજાવીને મા- દીકરીની  સેવા  કરી  અને  નંદિની માટે  સારાં  માગાં  આવ્યાં  ત્યારે તેને ધામધૂમથી  પરણાવી.     જેનાં  કવેણથી  પોતાનું  સૌભાગ્ય  નંદવાયું  હતું  તેના  જીવન-મરણની ઘડીએ  બધું  ભૂલી  જઇને  પોતાનું  કર્તવ્ય  નિભાવનારી  એ માતા કે  નંદિની પણ  હવે  હયાત  નથી પણ  તેઓની  આવી  ક્ષમાપનાનો પ્રસંગ આજે પણ  તેમનાં  પરિવારજનો  ભૂલ્યાં  નથી.

 

Posted in My Random Thoughts | Leave a Comment »

તપસ્વિની

Posted by Madhpudo on May 31, 2008

               ત પ સ્વિ ની                                                                      -દિગંબર   સ્વાદિયા     

ચાલીસ  બેતાલીસ  વર્ષો પહેલાંનો એ પ્રસંગ  આજે  પણ  મારા  સમ્રુતિપટ ઉપર  તાજો છે. એ  દિવસોમાં  હું  આકાશવાણી, દિલ્હીના  સમાચાર  વિભાગમાં  નોકરી  કરતો હતો. એ વર્ષોમાં અધિક માસ  આવ્યો ત્યારે થોડા  દિવસ હરદ્વાર-રૂષિકેશમાં  ગાળવા  જવાની  અમને  ઇચ્છા  થઇ. જરૂરી  તૈયારી કર્યા પછી  મારાં પત્ની  કલ્પના અને  બે  ભૂલકાં – અર્ચના અને  સુધાંશુ – સાથે મેં પ્રસ્થાન  કર્યું.       હરદ્વારના  ગુજરાતી  સમાજમાં ઉતરવાની  સગવડ  થઇ ગઇ.  સાંજના  હર કી પૌડીનાં ભક્તિ-સભર  વાતાવરણમાં  થતી  ગંગાજીની  આરતીનાં  દર્શન  કર્યાં. ગંગાના  ધસમસતા પ્રવાહમાં  ફૂલોના  પડિયામાં  દીપ પ્રગટાવીને  તેને  નદીમાં  તરતો મૂકવાની  અને પાણી ઉપર
તેને  હાલક ડોલક  ઝૂલતો જતો  જોવાની  ખૂબ  મજા  આવી.  કનખલ, ભારત માતા  મંદિર,અને અન્ય  આશ્રમો પણ  જોયા.      હરદ્વારથી  ઉ.પ્ર.રોડવેઝની  બસમાં  રૂષિકેશ  પહોંચ્યા. ત્યાં  મુનિ કી રેત  ખાતે  શ્રી શિવાનંદ આશ્રમ  છે  એની  મને  ખબર  હતી. હકીકતમાં  દિલ્હી  નોકરી  માટે  જવાનું  થયું એ પહેલાંનાં પાંચેક  વર્ષો  અગાઉ  કેવળ  જિગ્નાસા  ખાતર મેં  સ્વામી  શિવાનંદજીને લખેલા  એક પત્રનો તેમણે  મને  જવાબ  લખ્યો હતો  અને  આશ્રમ જોવા  આવવાનું  સૂચન  પણ  કર્યું  હતું. સંજોગોવશાત  ત્યારે જઇ શક્યો નહોતો.      આથી  સહ-કુટુંબ  ત્યાં  પહોંચ્યો ત્યારે  ત્યાંનો ભવ્ય  ગંગા કિનારો, કિનારે  બંધાયેલું આલિશાન  ગુજરાત  ભવન, સ્વામીજીની  કુટિર, આશ્રમની  હોસ્પિટલ, પોસ્ટ  ઓફિસ, અન્નક્ષેત્ર, સડકની  સામે  ટેકરી ઉપર  આવેલું  શ્રી  વિશ્વનાથ મંદિર, ભોજનાલય, સ્વામીજીની  સમાધિ, યોગ વેદાંત  મુદ્રણાલય  વગેરે  જોઇને  અમે  ખૂબ  પ્રસન્નતા  અનુભવી. ત્યાંથી  થોડે દૂર લક્ષ્મણ ઝૂલા  હતો. (હવે તો આશ્રમ પાસે જ  શિવાનન્દ  ઝૂલા પણ બની  ગયો છે.) સામે પાર  પરમાર્થ નિકેતન, ગીતા  ભવન વગેરે  આશ્રમો  દેખાતા  હતા  અને  ત્યાં  જવા  માટે એ વખતે હોડીની નિ:શુલ્ક  સેવા  મળતી  હતી.       મંદિરનાં  પ્રાંગણમાં જ  એક  વિશાળ  સત્સંગ  ખંડ  હતો. અમને  કહેવામાં  આવ્યું  હતું કે એ  ખંડમાં  ઓમ  નમો નારાયણાયનો અખંડ  જાપ  ચાલે  છે  અને  અમે  પણ  તેમાં  ભાગ લઇ શકીએ  છીએ. એ ખંડમાં  દિવ્ય  જીવન  સંઘના  વિદ્વાન  સ્વામીઓનાં  ગીતા, યોગ તેમજ  અન્ય વિષયો પર  પ્રવચનો થતાં અને અમે  તેમાં  હાજરી  આપતા. એ પ્રસંગે  સ્વામી ક્રુષ્ણાનંદજી, સ્વામી  અધ્યાત્માનંદજી વગેરેનાં  પ્રેરક  પ્રવચનો  સાંભળવાનો લહાવો લીધો હતો. એ પછી તો
અનુકૂળતા  મળતી  એ પ્રમાણે   આશ્રમની  મુલાકાતે  ઘણી  વાર  જવાનું  થયું છે.       એ હોલમાં  પ્રવેશતાં જ ડાબી  અને  જમણી  તરફ  સંગેમરમરની  બે અત્યંત  મનમોહક પ્રતિમાઓ જોઇ શકાતી હતી. એમાંથી  એક  ચામુંડા  માતાની  હતી. બીજી  મા  સરસ્વતીની હતી એવું સ્મરણ થાય  છે.  એ મૂર્તિઓ જોઇને  હું  ખૂબ  પ્રભાવિત  થયો હતો.
       એ કોણે અને ક્યારે બનાવી  હશે એ જાણવાની  સ્વાભાવિકપણે  મને  ઉત્કંઠા  હતી; ત્યાં જ એક  સ્વામીજીએ  મને  સમજાવ્યું કે  દેશ વિદેશથી  અનેક  સાધકો સ્વામીજીના  સાન્નિધ્યમાં  સાધના  કરવા  આવતાં રહેતાં  હતાં. એ રીતે  થોડાં  વર્ષો પહેલાં  જર્મનીથી  એક  સાધિકા તેમનાં દર્શને  આવી  હતી. અહિંનું  વાતાવરણ અને  સ્વામીજીની  પ્રતિભા  જોઇને  તેણે  સ્વદેશ પાછા ફરવાનો  વિચાર  માંડી  વાળ્યો અને  સ્વામીજીની  અનુમતિ મેળવીને તે  આશ્રમની  સેવામાં ઓતપ્રોત  થઇ ગઇ. સ્વામીજીએ  તેને  દીક્ષા  આપી અને  તેને  ઉમા નામ  આપ્યું એવું તેમણે  મને  કહ્યું  હોવાનું  સ્મરણ થાય  છે.         કાલાંતરે સ્વામીજીએ  સમાધિ લીધા  પછી તેનું  મન  ઉદાસ  રહેવા લાગ્યું. તેને  આસપાસના  પહાડોમાં  જઇને  એકાંતમાં  સાધના  ચાલુ રાખવાનો વિચાર  આવ્યો. ખૂબ મનોમંથન પછી  અને  આશ્રમના  વરિષ્ઠ  સ્વામીઓની  સલાહ  લઇને તે  આસપાસના  કંદરાઓ ઘૂમી  વળી.  છેવટે  તેને  લક્ષ્મણ ઝૂલાથી  થોડે દૂર  એક  પહાડ  ઉપર એક  અવાવરૂ ગુફા  મળી આવી. તેના આગળના  પ્રવેશ માર્ગ  આડા  મોટા  પત્થરો  પડ્યા  હતા. તેની  પાછળના  ભાગમાં એક  સાંકડું  બાંકોરું  હતું પણ  તેની  આગળ પણ  કાંટાં  ઝાંખરાંનાં  ઝૂંડ  હતાં. તેમણે   હિમત હાર્યા  વિના એ રસ્તો સાફ કર્યો અને  ધીમેથી  એ  અંધારી ગુફામાં પ્રવેશ્યાં.
         ત્યાર  પછી તેમણે  ગુફા અંદરથી  સાફ  કરી  અને  તેનાં પ્રવેશદ્વાર પાસે નાનકડી ઝાંપી બનાવી. તેમના  શિલ્પકામના  શોખને  ગુફામાં પણ થોડો વખત  પોષ્યો અને બીજી એકાદ  બે પ્રતિમાઓ બનાવી. તેમને  સંગીતનો  શોખ  હતો એટલે  તેમની  સિતાર પણ ત્યાં  પડી  હતી. તેમણે  પૂજાસ્થાન  બનાવીને  ત્યાં ધૂપ દીપ વગેરે  રાખ્યાં. એ જ ગુફાની  બહાર  સહેજ ઊંચાઇ પર બીજી એક  બખોલ હતી જ્યાં  તેમણે  પોતાનો નિવાસ  રાખ્યો હતો. નીચેના   પરમાર્થ નિકેતનના સહકારથી   એકાદ  બે  સ્થાનિક  માણસો જંગલમાંથી જડીબુટ્ટી  લાવી, માતાજીની સૂચના પ્રમાણે  ખાંડીને તૈયાર  કરતા એવું  અમે  જોઇ શક્યા. ગુફામાં નાનું  પૂજાસ્થાન પણ બનાવવામાં  આવ્યું  હતું.           આવાં તપસ્વિનીનાં  દર્શન કરવાની  મને  ઇચ્છા  થઇ પણ અજાણી  ભોમકામાં એકલા સાહસ  નહિ કરવાની  મને  સલાહ મળી. એ દિવસોમાં  રાજકોટથી  મોટી ઉમરનાં કેટલાંક બહેનો અધિક માસ નિમિત્તે આશ્રમમાં  ઉતર્યાં હતાં અને તેઓએ પણ મારી  સાથે તપસ્વિનીનાં દર્શને આવવાની ઇચ્છા વ્યક્ત  કરી. મેં તેમને ચઢાણનાં જોખમોની વાત  કરી પણ તેમણે હિંમત બતાવી. અમારો કાફલો સવારના  નવેક  વાગ્યા પછી ઉપડ્યો. લક્ષ્મણ  ઝૂલા પાર  કરીને નિર્ધારિત કેડીએ અમે  ચઢાણ  શરુ  કર્યું. કાચો રસ્તો હતો એટલે  આ  બધાંને સંભાળપૂર્વક ચાલવાનું અમે  કહ્યું. આટલા  કાફ્લામાં પુરુષોમાં  હું  એકલો જ હતો એટલે સાવધ  રહેવું  પડતું. એકાદ  કલાક પછી સામેની  ભેખડ નીચે એક  વીરડો દેખાયો, જેમાં  ઠંડું  સ્વચ્છ પાણી પહાડમાંથી  આવતું  હતું. અમે સહુએ પાણી  પીધું અને હાથ મોધું પણ  ધોયાં તો ય પાણી  ઘટ્યું કે  ઢોળાયું  નહિ. તાજામાજા થઇને  અમે  આગળ ચાલ્યા  અને  વીસેક મિનિટમાં  યથાસ્થાને  પહોંચ્યા.             ગુફા  બંધ  હતી. જો કે  ઝાંપીમાંથી  અંદર દીવો બળતો જોઇ શકાતો હતો; સિતાર પડી હતી  અને  એકાદ  બે  મૂર્તિઓ બનેલી  જોવા  મળતી  હતી. બહાર  બેસીને જડીબુટ્ટી  ખાંડતા બે માણસોને  અમે માતાજી  વિશે  પૂછ્યું તો તેમણે  ઉપરની નાની  ગુફા તરફ આંગળી  ચીંધીને કહ્યું કે તેઓ ત્યાં છે. તમે ચઢાણની  શરૂઆત  કરી હશે ત્યાં જ તેમને તમારા  આવવાની જાણ  થઇ ગઇ હતી. અમે ગુફા જોવાની  ઇચ્છા  પ્રદર્શિત કરી . બહારથી તાળું  હતું.            બરાબર  એ જ વખતે ઉપરની ગુફા આગળ પડેલી મોટી શિલાની  પાછળ શ્વેત વસ્ત્ર લપેટેલાં એ માતાજીએ  ડોકું  કાઢ્યું. અમે સહુએ પ્રણામ  કર્યાં, અમારી  સાથે  આવેલાં  બહેનો તો ભાવવિભોર  બનીને તેમનો ચરણ સ્પર્શ કરવા  અને  તેમને  ચરણે પૈસા ધરવા  અધીરાં થયાં પણ તેમણે  અમને એમ કરતાં  વાર્યાં. ત્યાં રહેલા માણસોએ અમને  તેમની  સાથે માત્ર  હિન્દીમાં જ બોલવાની સૂચના  આપી. મેં તેમને ગુફામાં જઇને  દર્શન કરવા દેવા માટે વિનંતી કરી. તેમણે પેલા  માણસોને તાળું  ખોલી  દેવા કહ્યું. અમે ગુફામાં  દાર્શન કર્યાં. અંદર  અદભૂત  શાંતિ હતી. અમે  બહાર  આવ્યાં પછી  માતાજીએ અમને  કહ્યું, “આપ સબ  લોગ બહોત દૂર સે  આયે  હૈં.. વાપસ  જાને મેં ભી  સમય  લગેગા…ધૂપ  હો ગઇ હૈ ઔર આપ કે  સાથ છોટે  બચ્ચે હૈં ઇસ લિયે અબ  આપ  લોગ  આરામસે  લૌટ જાઇયે.”
            અમને  એટલી  સૂચના  આપીને  તેઓ પાછાં અંતર્ધ્યાન  થઇ   ગયાં. અમે દસેક મિનિટ  આરામ  કરીને  નીચી ઉતરવા  લાગ્યાં. રસ્તો કાચો અને પથરાળ  હતો એટલે ખૂબ આસ્તેકથી  ઉતરવાનું  હતું. વચ્ચે થોડી વાર વિશ્રામ  કરતાં  કરતાં  દોઢેક કલાક પછી અમે હેમખેમ પાછાં  ફર્યાં  ત્યારે  કોઇ દૈવી શક્તિનો સાક્ષાત્કાર થયાની  અનુભૂતિ થતી  હતી.

                                          ***********
        

Posted in My Random Thoughts | Leave a Comment »

સુંદર વ્રુધ્ધત્વ

Posted by Madhpudo on March 28, 2008

         એક પત્રકારે એક સો ચાર વર્ષનાં  માજીને પૂછ્યું, “તમારી ઉંમરના લોકો માટે તમારે શું કહેવું  છે?” માજીએ જવાબ  આપ્યો, “જિંદગીની સૌથી ઉત્ક્રુષ્ટ એવી આ ઉમરમાં લોકો આનંદથી રહેવાને બદલે ડિપ્રેશનથી, હતાશાથી પીડાતા હોય છે. અરે, કોઇ જ જાતની ફિકર વગર ઇશ્વરની નજીક રહીને જીવનને માણવાની આ જ તો ઉમર છે.”

           ઘડપણને મૂલવવા માટે નીચેના શબ્દોનું ચિંતન કરવા જેવું છે:

            *   જૂના ઘરડા સફરજનના ઝાડ પર જ સૌથી મીઠાં સફરજન આવે  છે.

            *    સૌથી જૂનાં રેડવૂડનાં વ્રુક્ષો જ ગૌરવપૂર્ણ ઊંચાઇએ પહોંચે છે.

            *    જૂનાં  વાયોલિનમાંથી જ સૌથી સુંદર અને ઉચ્ચ કક્ષાના સૂર નીકળે છે.

            *    મદિરા પણ જેમ જૂની થાય તેમ તેનો સ્વાદ વધતો રહે છે.

            *   પુરાણા સિક્કા, ટિકિટ કે પુરાણા ફર્નીચરને  અમૂલ્ય ગણવામાં  આવે  છે.

            *    જૂના  મિત્રોને જ આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઇએ છીએ.

            હે  ભગવાન! તારો ખૂબ ખૂબ  આભાર કે તેં  વ્રુધ્ધાવસ્થા આપી! જિંદગીને સમજવાનો મોકો આપ્યો. ધૈર્ય અને ડહાપણનો અનુભવ કરાવ્યો. શારીરિક તકલીફો છતાં નિ:સ્વાર્થ સ્મિત કરવાની  શક્તિ આપી; ખરેખર  વ્રુધ્ધાવસ્થા અદભૂત  છે.   

                        

Posted in chintan | Leave a Comment »

સ ર વૈ યું

Posted by Madhpudo on March 23, 2008

                                          જીવનનું સરવૈયું

          *   પેટમાં   પધરાવવા  લાયક                   દુ:ખ

          *   પી  જવા    લાયક                                   ગુસ્સો

           *   ગળી  જવા   લાયક                                અપમાન

           *    પચાવવા   લાયક                                  જ્ઞાન

            *    આપવા   લાયક                                     પૈસા

            *    લેવા   લાયક                                          જ્ઞાન

            *     જીતવા   લાયક                                      પ્રેમ

            *     ગુમાવવા   લાયક                                  અભિમાન

            *      બતાવવા  લાયક                                  ઉદારતા

             *     સાંભળવા   લાયક                                 વખાણ

             *      બોલવા   લાયક                                    સત્ય

              *     યાદ   રાખવા   લાયક                           મિત્રતા

              *       ભૂલવા   લાયક                                   ભૂતકાળ

               *      વિચારવા  લાયક                                  ભવિષ્ય

Posted in chintan | 1 Comment »

ત ર્પ ણ

Posted by Madhpudo on March 23, 2008

                                   ર્પ                                                                               - દિગંબર  સ્વાદિયા     થોડા  દિવસો પહેલાં  ટેલિવિઝનની  એક  ચેનલ ઉપર  RAPSODY IN AUGUST  નામની એક સુંદર ફિલ્મ જોવા મળી. એ હતી જાપાનીઝ ભાષામાં  પણ  તેનાં  સબ-ટાઇટલ  અંગ્રેજીમાં હતાં.  તેની કથા  બીજાં વિશ્વયુધ્ધ વખતે અમેરિકાએ જાપાનના  હિરોશીમા અને  નાગાસાકી શહેરોઉપર ઝીંકેલા પ્રથમ  અણુબોમ્બથી  સર્જાયેલી  હોનારત ઉપર કેન્દ્રિત  થયેલી હતી.      ઇતિહાસના પાને  એ ગોઝારો દિવસ 9  ઓગસ્ટ 1945 તરીકે  નોંધાયેલો  છે. બોમ્બથી સર્જાયેલી તારાજીએ  અસંખ્ય  પરિવારોના જીવનમાં કાયમ  માટે  અંધકાર છવાઇ  ગયો છે. આજની પેઢી માટે એ હોનારત  માત્ર  વિસ્મય  બની  રહી  છે.      ફિલ્મના  આરંભમાં  એક પરિવારનાં  કિશોર વયનાં  ચાર  બાળકોની ધિંગામસ્તી અને તેઓનાં વયોવ્રુધ્ધ  દાદીમા જોવા મળે  છે. આ ચારમાં  બે પૌત્રો અને બે પૌત્રીઓ છે. તેઓનાં માતાપિતા બીજાં શહેરોમાં રહે  છે અને આ બાળકો દાદીની સેવા માટે આવ્યાં છે. એવામાં તેઓને કોઇનો પત્ર ટપાલમાં મળે  છે. પત્ર  હવાઇ  ટાપુથી લખાયેલો છે. તેમાં લખ્યું છે કે સુઝૂકી નામના એક વયોવ્રુધ્ધ  દાદા પોતાની નાની બહેનને મળવા  તડપી રહ્યા છે  અને તારાં દાદી જ એ બહેન છે. નાગાસાકી ઉપર  પિસ્તાલિસ (ફિલ્મ નેવુંમાં બની હોવાથી પિસ્તાલિસ વરસનો ઉલ્લેખ છે. અત્યારે તો એ ઘટનાને ત્રેસઠ  વરસ થયાં ગણાય.) વરસ પહેલાં અમેરિકાએ બોમ્બ ઝીંક્યો એ પછીઘણાં કુટુંબો પાયમાલ થઇ ગયાં -  વિખૂટાં પડી ગયાં. તારાં  દાદીને લઇને એક  વાર હવાઇ  આવી જા તો એ ભાઇ-બહેનનો મેળાપ થઇ  શકે.      બાળકો ગેલમાં  આવી ગયાં. તેઓ દાદીને આ વિશે પૂછે  છે. દાદી  અતીતમાં  ખોવાઇ  જાય છે. એ હોનારતમાં દાદાનું જીવન પણ હોમાઇ  ગયું  હતું. એ સિવાય અનેક નાનાં  બાળકોનો પણ ભોગ  લેવાયો હતો.  એ શહીદોની યાદમાં એક  નાનકડું  સ્મારક  પણ  બનાવવામાં  આવ્યું  હતું.દર વરસે નવમી ઓગસ્ટે સ્થાનિક  લોકો ત્યાં  ભેગા થતા; મીણબત્તીઓ પેટાવતા  અને  શહીદોને શ્રધ્ધાંજલિ  આપતા.      બાળકો સામી દિવાલ ઉપર જાપાનીઝમાં લખાયેલાં નામો વિશે પૂછે છે. દાદી કહે છે કે એ બધાં નામ અમારાં ભાંડરુઓનાં છે. અમે દસ બાર ભાઇ-બહેનો હતાં..કદાચ વધુ પણ હશે….મને બરાબર  યાદ  નથી….પણ  આ બધામાં  સુઝૂકીનું  નામ તો નથી…હું તેને કેવી રીતે ઓળખી શકું?બાળકો  બાલ-સુલભ  નિર્દોષતાથી બધી કડી  ઉકેલવા મથે છે. દાદીને મળવા એક ડોસીમા આવે  છે પણ તેઓ કશી વાત કરતાં નથી. એકબીજા સામે પગ વાળીને ચૂપચાપ બેસી રહે છે અને પછી ડોસી જતી રહે છે.      એવામાં દાદીના બે  દીકરા પોતાની પત્નીઓ સાથે થોડા દિવસો રહેવા  આવી જાય  છે. દાદીનું  હવાઇ  જાવાનું  ઠેલાય  છે. અચાનક અમેરિકાથી એક યુવાન મહેમાન થઇને  આવે  છે.દાદી તેને ઓળખતાં નથી. તેના પુત્રો તેનું સ્વાગત   કરે  છે પણ દરેકના મનમાં ઊંડે  ઊંડે તેના અને  અમેરિકા પ્રત્યે અણગમો દેખાયા  વગર રહેતો નથી. જો કે મહેમાન ખુલ્લાં મનથી આવે છે અને તેના દેશે ભૂતકાળમાં જે કંઇ કર્યું એ બદલ અફસોસ પણ વ્યક્ત કરે છે. મહેમાન દાદી સાથે ઘણો સમય વીતાવીને ઇતિહાસથી પરિચિત થાય  છે અને તે શહીદોનું સ્મારક પણ જોવા જાય છે. એ જ વખતે   પ્રૌઢ  લોકોનું  એક  જૂથ કોદાળી, પાવડા અને કેટલાક રોપ લઇને ત્યાં  આવી પહોંચે છે અને ચૂપચાપ પેલાં સ્મારકની આસપાસ રોપો વાવે  છે અને નિદામણ  સાફ કરે છે. દાદી મહેમાનને સમજાવે  છે કે જે બાળકો શહીદ થઇ ગયાં  છે તેઓના વર્ગોમાં ભણી ગયેલા    બધા સહાધ્યાયીઓ છે અને દર વરસે આજની તારીખે તેઓ આવી રીતે આવીને તેઓ શ્રધ્ધાંજલિ આપે છે.      આમ આવાં  ભાવનાત્મક  વાતાવરણમાં  જ મહેમાનના નામનો તાર લઇને  એક પુત્ર આવે  છે. મહેમાન તાર  વાંચે છે અને ઉદાસ થઇ  જાય  છે. તેના પિતાનું  અવસાન થયું  હતું. તેને તાત્કાલિક જવું પડે એમ હતું. તે જાય છે. પરિવારજ્નો આકાશમાં જતું વિમાન જોઇને કહે છે કે એ ગયા. એ વખતે દિગ્દર્શક શાંતિથી ભેદ ખૂલે છે કે મહેમાન બીજું કોઇ નહિ પણ સૂઝૂકીનો પુત્ર જ હતો અને તે પોતાનાં ફૈબાને મળવા અને તેને તેડી જવા  આવ્યો હતો…જોગાનુજોગ દાદી ગેરહાજર થઇ જાય છે .      સમગ્ર ફિલ્મમાં પ્રસંગની ગંભીરતા સાદ્યંત જળવાઇ રહે છે. છેવટના  શોટમાં ધોધમાર વરસાદમાં દાદી નાની છત્રી લઇને  દોડતાં અને તેનાં બધાં  બાળકો તેને પાછળ દોડે છે અને ફિલ્મ અચાનક પૂરી થાય છે.છત્રી તેજ હવામાં  કાગડો થઇ જાય છે અને આ લોકમાં નહિ મળી શકેલાં ભાઇબહેન  જાણે કે પરલોકમાં મળવા  અધીરાં થાય છે. દાદી પણ દેહ છોડે  છે.

     આખી ફિલ્મમાં ક્યાંય આછકલાઇ  કે  અસ્વાભાવિક લાગે એવાં કોઇ દ્રશ્યો નહોતાં. સંગીત પણપ્રસંગોચિત જ હતું. તમામ કલાકારોનો અભિનય અત્યંત સ્વાભાવિક હતો. બે કલાકને અંતે એક સ્વસ્થ અને વિચારોત્તેજક ફિલ્મ જોયાનો સંતોષ  થયો.                                                      (બી/પ, વૈકુંઠ પાર્ક, એલ.એમ.રોડ,                                                        મુંબઇ 400 068)                                            ————–                

Posted in વ્યથાની કથા | Leave a Comment »

કબીરવાણી

Posted by Madhpudo on March 17, 2008

      ભક્તિ જુ સીઢી મુક્તિ કી,ચઢે ભક્ત  હરખાય,

     ઔર ન કોઇ ચઢી શકે, નિજ મન સમજો  આય…..

     પ્રેમ બિના જો ભક્તિ હૈ, સો નિજ દંભ વિચાર,

     ઉદર ભરન કે  કારણ, જન્મ ગંવાયે સાર….

     તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગયી ગુરુજ્ઞાન

     સુમતિ   ગી અતિ લોભતે, ભક્તિ ગયી અભિમાન..

Posted in chintan | Leave a Comment »

જીવનનો અમ્રુતયોગ : વ્રુધ્ધાવસ્થા

Posted by Madhpudo on October 4, 2006

ભકત કવિ નરસિંહ મહેતાએ ગાયું : ”ઘડપણ કોણે મોકલ્યું ? જાણે જોબન રહે સૌ કાળ, ઘડપણ કોણે મોકલ્યું ?”

ના, બાળપણ કે જોબનિયું કાયમ રેહતું નથી. જીવનની આ સચ્ચાઇ તરફ ગાફેલ રેહનારા લોકો ઘડપણના વિચાર માત્રથી ગભરાઇ જાય છે,પણ એવું વિચારવું નહિ જોઇયે.
અંગ્રેજીમાં એક શબ્દ છે Gerontology એટલે કે વાધર્કય-વિદ્યા. વ્રુધ્ધાવસ્થાને વધાવવા સમયસર તૈયારી કરી હોય તો ખરે ટાંકણે પસ્તાવવા જેવું રેહતું નથી.
પ્રસિધ્ધ સાહિત્યકાર માર્ક ટ્વઇને કહયું છે કે તેમ, “ચહરા ઉપરથી કરચલીઓનું સામ્રાજય દર્શાવે છે કે
એક જમાનામાં ત્યાં હાસ્યની રેખાઓ હતી…” આ એકવીસમી સદીમાં તબીબી વિદ્યાએ હરણફાળે જે પ્રગતિ સાધી છે એ જોતાં દુનિયામાં વ્રુધ્દજનોની સંખ્યામાં ઉતરોતર વધતી હોય તેમ લાગે છે.ટ્રીનીટી કોલેજ ઇંસ્ટીટ્યુટ ઓફ ન્યુરોસાઇંસ ના ડીન જોન રોબ્ર્ટ્સને કરેલાં સંશોધન ઉપરથી જાણવા મળ્યું છે કે આજે ઘડપણ 50 કે 60 વર્ષે નહિ પણ 80 વર્ષે શરૂં થાય છે.આમ પચ્ચીસી જેવી યુવાનીના કાળ કરતાંય ત્રણ દાયકા જેવડો આ ફરક જેવો તેવો ન જ કેહવાય.
રોબ્ર્ટ્સને 1984માં મગજનાં કોષો ઉપર થતી વ્રુધ્ધાવસ્થાની અસરનો અભ્યાસ શરૂં કર્યો હતો.તેમણે કહ્યું છે કે 1999 સુધીમાં ઘડપણ આવવાની ઉંમર 82 સુધી થઇ ગઇ હતી.દુનિયાનાં ઘણાંય દેશોમાં વ્રુધ્દજનો સરોરાશ દસ વર્ષ નાનાં થઇ ગયા હોય તેમ લાગે છે.માણસનું મગજ કોઇ ઉંમરે અનુભવ,શાણપણ અને ચિંતનથી પરિપકવ થતું જાય છે.
પ્રાચીન કાળની રોમન પ્રજાની સરોરાશ આવરદા 22 વર્ષની અને યુરોપિયન પ્રજા વીસમી સદીનાં આરંભે 50 વર્ષની આવરદા ભોગવતી હતી.આજે બ્રિટેનની સાઠ વર્ષે પહોંચેલી મહિલા 83 વર્ષ જીવી જવાની આશા રાખી શકે. છેલ્લા સૈકાની આ અનોખી ક્રાંતિ ગણાવી શકાય. લોકોની આવરદા વધતી જાય છે. ભારતમાંજ વીસમી સદીના આરંભે માણસનું સરોરાશ આયુષ્ય 20 વર્ષનું મનાતું હતુ , એ આજે સાતમે દાયકે પહોંચ્યું છે.ફ્રાંસ જેવા દેશમાં વ્રુધ્ધોની સંખ્યા સાત ટકા હતી તેને બમણી થતાં 120 વર્ષ લાગ્યાં
એમ સમાજશાસ્ત્રીઓ કહે છે જ્યારે ભારતમાં 25 વર્ષોમાં તેની સંખ્યા બમણી થઇ ગઇ હતી.તેમાંથી 30 ટકા ગરીબી રેખાની નીચે અને એટલા જ ટકા તેનાં ઉપરના સ્તરે રહે છે. 80 ટકા વ્રુધ્ધો ગામડાંમાં રહે છે. 73 ટકા વ્રુધ્ધો અભણ છે અને તેઓ માત્ર મજુરી કરી જાણે છે. 60 ટકા વર્ષ વટાવી ચૂકેલી 55 ટકા સ્ત્રીઓ વૈધવ્ય પાળે છે અને તેઓને ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. ભારતમાં શતાયુએ પહોંચેલા લોકોની સંખ્યા બે લાખ જેટલી હોવાનો અંદાજ છે. આપણે સમજવું જોઇયેકે ઘડપણ કોઇ રોગ કે બિમારીનું નામ નથી પણ શરીરની અનેક જાતની સમસ્યાઓ કે નિરાશા વચ્ચે પણ ટકી રેહવાની એ આંતરિક શક્તિ છે.

Posted in My Random Thoughts, chintan | Leave a Comment »

પગલાં પાડો

Posted by Madhpudo on October 4, 2006

મારી પાંપણને પગથિયે પ્રભુ પગલાં પાડૉ ને.

પગલાં પાડો પગલાં પાડો, વાટડી જોઊ રે

મારી પાંપણનેપગથિયે પ્રભુપગલાં પાડો ને

અંતર આકુળવ્યાકુળ મારી વ્યથા કહું કોને રે,

પથ નિહારી થાકી ગઇ છે આંખડી મારી રે….મારી0

શ્રધ્ધાનો દીપ જલી રહ્યો મારી કાયાને કોડિયે રે,

અશ્રુજળના ઝરણાં વહે છે ચરણ ધોવા રે….મારી0

કીકીનાં કમાડ ઉઘાડાં રાતદીન રે,

રાઘાજીને સંગે પધારો શ્યામ સુંદર રે….મારી0

સખુ નથી , શબરી નથી, નથી હું મીરાં રે

ગાંડી ઘેલી ગોપી છું તારી શરણે લેજે રે….મારી0

લોચનના આસને પાથર્યા પ્રાણમેં મારા રે.

જશોદાજીના લાલ પથારો કરુણા કરીને….મારી0

                                                                   કલ્પના સ્વાદિયા

Posted in My Random Thoughts | Leave a Comment »

ચકા ચકી ની વાર્તા

Posted by Madhpudo on September 27, 2006

     ચકા ચકી એ  માળો  એક   બાંધીયો  રે  લોલ,   એમાં રમતાંતાં  બચ્ચાં  ત્રણ  રે……ચકા ચકી0   ચકો ચકી તો  ચણ વીણી  લાવતાં  રે  લોલ,   એની  પાંખો માં  થાક  ન વર્તાય   રે…ચકા ચકી0   પાંખો  ફૂટી  ને  બચ્ચાં  લાગ્યાં  ઊડવા  રે  લોલ,   ચકા ચકી નો હરખ  ન માય  રે…  ચકા ચકી0   એક  બચ્ચું  ઊડી ને  બેઠું ડાળીએ  રે લોલ,   બીજું  બચ્ચું  ઊડી ગ્યું  દૂર  દૂર જો…  ચકા  ચકી0   નાનું   બચ્ચું  મા ને પૂછે   વાતડી  રે  લોલ,    માડી  મારે  પણ  જાવું  પરદેશ  રે…ચકા  ચકી0  ચકા ચકી માળામાં  બેઠાં   એક્લાં   રે,  હવે  યાદોં  નું  મ્યુઝિયમ  એની  પાસ  જો…ચકા ચકી0  ચકી  બચ્ચાંના  વિરહ માં  તો  ઝુરતી  રે લોલ,  મારાં  બાળુડાં  કેમ  થયાં  દૂર   રે…ચકા ચકી0  ચકો  ચકી ને ધીરજ  બંધાવતો  રે  લોલ,  કોણ  માત   ને  કોણ   એના   તાત   રે…ચકો ચકી0   કોનાં  બચ્ચાં  ને કોણ  એની  માવડી  રે  લોલ,     તો  રૂણાનાબંધના  સૌ  ખેલ  રે…..ચકા  ચકી0  માની  મમતા ની  વરસતી   વાદળી  રે  લોલ,  મારાં  બચ્ચાં ને ન  આવે  ઊની  આંચ  જો…ચકા ચકી0 

   ચકો  ચકી  પ્રભુ  ને  વિનવે  રે  લોલ,  કરુણા  કરી  તમે  રેજો  સાથ  જો  ચકા  ચકી0                                                          રચયિતા: ક્લ્પના  સ્વાદિયા

Posted in My Random Thoughts | Leave a Comment »

આઘા રેજો

Posted by Madhpudo on September 27, 2006

સહ્યા  સહેવાય નહી એવા,    હ્રદયમાં ઘાવ   વાગ્યા  છે.

રૂઝવ્યા  ના  રૂઝાય એવાએ ઘા    કારી   છે.

જિગરના   ઘા  ના  ચૂમશો ઘવાય એ થી વધૂ જશે;

જરા એ ઘાવથી  દૂર   રેજો  ,એનું  દર્દ  ભારી   છે.

જખ્મ પર  જખ્મોં   સહેવા ,એતો  અમ  દિલનું  વ્યસન છે.

જરા સચવજો   એથીઅમનેએનો    નશો ભારી  છે.

હ્રદય  ભગ્ન  છે  મારું ,   સાંધાની   કોશિશ  ના કરશો;

તમારા   નયનો   બંધ  કરજોએનું દ્રશ્ય  દારૂણ  છે.

ઝંઝામાં  ઝઝૂમતું જીવન,ગમની  મહેફિલ સજાવે છે.

તમે    બેધ્યાન  ત્યાં  બનજો , એનું સંગીત વસમું છે.

આ છે  વેદના   મારી  ,એને   અંતરે  ના  ધરજો;

વિચારસો    ના તમે  મનમાંકવનમાં  કલ્પના  કેવી  છે?

કલ્પના  સ્વાદિયા

Posted in My Random Thoughts | 1 Comment »