દિગંબર સ્વાદિયા
“એક કરતાં બે ભલા”ની કહેવત સાર્થક છે એ આપણાં રોજબરોજનાં જીવનમાં જોતા રહીએ છીએ. આપણા દૈનિક વ્યવહારમાં જ જુઓ ને…. માતાપિતા, પતિપત્ની, ભાઇબહેન, જીવનમ્રુત્યુ, સ્ત્રી પુરુષ, સુખદુ:ખ, રાત દિવસ,, દૂધ દહીં, વગેરે. આવાં જોડકાંઓનો ચોલી-દામનનો સાથ હોય એવું નથી લાગતું?
હકીકતમાં આવાં દ્વન્દ્વોમાંથી એકને નોખું પાડી જુઓ તો બીજામાં ખાસ કસ રહેશે નહિ. દાખલા તરીકે, જીવન મ્રુત્યુમાંથી, માનો કે, જીવન હટાવી લો તો કેવળ મ્રુત્યુનું જ સામ્રાજ્ય છવાયેલું હોય એ વિચાર માત્રથી કંપારી નથી આવતી? અને મ્રુત્યુ હટાવી લો તો જીવનનો કેટલો ભરાવો થઇ જાય? આપણાં સ્વજનોમાંથી કોઇનું ક્યારે ય મ્રુત્યુ ન થયું હોત તો આપણો પોતાનો જ પરિવાર કેટલો બહોળો રહ્યો હોત? અને એવું દરેકની બાબતમાં બને તો? જરા વિચારી તો જુઓ.
રાત દિવસની વાત કરીએ તો પરદેશનાં ઘણાં સ્થળો એવાં છે કે જ્યાં રાતના આઠ દસ વાગે સૂર્યાસ્ત થતો હોય અને આપણાં કોલકાતા જેવાં શહેરમાં સાંજના ચાર પાંચ વાગે ત્યાં અંધારું થવા માંડતું હોય. એમાં ભૌગોલિક કારણ ભલે ગમે તે હોય, આપણે તો વિચાર કરીએ છીએ દ્વન્દ્વોનાં દ્વન્દ્વનો.
ઘડીભર માનો કે ભગવાન તમારી સમક્ષ હાજર થઇને કંઇ પણ માગવાનું વરદાન આપે તો તમે શું માગો? કેવળ સુખ? કે પછી માતા કુંતીએ માગ્યું હતું એમ માત્ર દુ:ખ? હકીકતમાં દ્વન્દ્વનું અસ્તિત્વ હોય ત્યારે જ સમાજમાં સંતુલન જળવાઇ રહેતું હોય છે. દિવસ રાતની જોડીમાંથી માત્રે દિવસ જ હોય તો કોને ગમે? અને ફ્ક્ત રાત્રી જ રહે તો શું આપણે ચોવીસે કલાક ફ્ક્ત ઊંઘ્યા જ કરવાનું?
વૈવિધ્ય જીવનનો અંતરંગ ભાગ છે. જમવા બેસીએ ત્યારે થાળીમાં આપણી મનપસંદ અમુક જ મીઠાઇ, પકવાન કે વાનગીનો ઢગલો હોય તો પણ આપણે રાજી થતા નથી. તેની સાથે જરા જુદા જુદા સ્વાદની બીજી વાનગીઓ પણ હોય તો આરોગવાની મજા આવે ને? રોટલી-શાક, ખીચડી-કઢી, કઢી-રોટલા,ઊંધિયું-જલેબી, શિખંડ-પૂરી, પૂરી-ભાજી, વગેરે જોડીઓએ આપણાં પાકશાસ્ત્રમાં અમરપદ મેળવી લીધું છે.
એવી જ રીતે ચા-પાણી, હવાપાણી, દવાદારૂ, તડકો-છાંયડો, ઠંડી-ગરમી, ભાવતાલ, ગીત-સંગીત વગેરે સંખ્યાબંધ જોડકાંઓ પણ આપણે વિસરી શકીએ નહિ. એક વિના બીજાનાં અસ્તિત્વની કલ્પના જ કરી શકાતી નથી. ભાષામાં વપરાતા શબ્દો તત્સમ કે તદભવ હોય, પદ્ય કે ગદ્ય લખાય, આશા-નિરાશા, નોકરી-બેકારી,ડાબું-જમણું, નાનું-મોટું, ગરીબ-અમીર,રંક-રાય, રાજા-રાણી, દાદા-દાદી, નાના-નાની,, શેઠ-વાણોતર,, લેખક-વાચક, ભાડુત-મકાનમાલિક, ગ્રાહક-વેપારી, દરદી-ડોકટર, વકીલ-અસીલ,ગુરુ-શિષ્ય, શિક્ષક-વિદ્યાર્થી,રાજા-પ્રજા, નેતા-જનતા, વક્તા-શ્રોતા, માનવ-દાનવ, જાનમાલ,મિલન-વિરહ, મોક્ષ-બંધન,સત-અસત, સૂર્યોદય-સૂર્યાસ્ત,દેરાણી-જેઠાણી, ભાઇ-ભાભી, બહેન-બનેવી, કાકા-ભત્રીજા, મામા-ભાણેજ, માસી-ભાણેજ,વગેરે. જો કે આવું દ્વન્દ્વ-વૈવિધ્ય કદાચ આપણી ભાષાઓમાં જ છે. પરદેશમાં તો “અંકલ” અને “આંટી”માં જ બધું સમેટી લેવાય છે.
કદાચ એટલે જ આપણા રુષિમુનીઓએ “તેંત્રીસ કરોડ દેવતા”ની પરિકલ્પના રજૂ કરી હશે. એક જ ભગવાને આપણી અબજોની વસતીની જરૂરિયાતો સંભાળવાની હોત તો એ ભગવાનપદેથી તાત્કાલિક રાજીનામું આપી દેત. આ તો જવાબદારીની વહેંચણી કરી લેવામાં આવી છે. એટલે તમામ ભગવાન પોતાનાં ખાતાંનું ધ્યાન રાખી શકે છે.
વસવા માટે ગામડું કે શહેર એમ આપણે નક્કી કરીએ છીએ. પ્રવાસ માટે અનુકૂળતા પ્રમાણે આપણે નિર્ણય લઇએ છીએ. કલાપીને ઘડીભર યાદ કરીએ તો “જ્યાં જ્યાં નજર મારી પડે” ત્યાં ઠેર ઠેર જોવા મળે છે દ્વન્દ્વોનું જ દ્વન્દ્વ……
**********
આદરણીય શ્રી દિગમ્બર ભાઈ,
સ્વાગત – પ્રણામ
સમગ્ર સૃષ્ટી એક લય ના આધારે ટકી/પાંગરી રહી છે.
લય એ જ જીવન અને લય એ જ માધ્યમ
અરે હ્રદય ના ધબકારા, જે જીવન છે, તે પણ ‘લબ-ધાબ’ એમ જોડકા માં છે.
જયારે હિંદુ ને અંધ-શ્રદ્ધાળુ વર્ણવામાં આવ્યો અને અનેક દેવી-દેવતાઓ ને પૂજે છે એવો આક્ષેપ કરવા માં આવ્યો ત્યારે તે વાત નું ખંડન કરવા”તેંત્રીસ કરોડ” શબ્દ -પ્રયોગ ગાંધીજી એ ૧૯૩૧ માં તે વખત ની ભારત ની વસ્તી નો “એક એ એક જણ/ચેતના દેવી દેવતા રૂપ છે ” તે દર્શાવવા કર્યો હતો
જીવન ના લય ને દ્વંદ્વ કેમ કહીએ ?
સાચેજ, કલાપી ‘યાદી’ માં સૃષ્ટી ના લય ને નિહાળતા હશે, જેમ નરસિહ મેહતા ‘તરણા ઓથે ડુંગર’ નિહાળતા.
અનેક જોડકાઓ જોડી, અતિ સુંદર પ્રસ્તુતિ આપે કરીછે, તે બદલ અભિનંદન.
અસ્તુ,
શૈલેષ મેહતા
+૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬