મધપુડૉ

એક ગુજરાતી બ્લોગ નો પ્રયાસ-દિગંબર સ્વાદિયા

Archive for March 24th, 2009

ઓ ર તા

Posted by Madhpudo on March 24, 2009

તા

                                               –દિગંબર સ્વાદિયા

( ડિસેમ્બર 1986 -માંનવનીત-સમર્પણમાં પ્રસિધ્ધ થયેલી એક વાર્તા રીડગુજરાતીના વિશ્વફલક ઉપર ફેલાયેલા વાચકોને સાદર  અર્પણ……)

 

 

તુલસી   ક્યારે  પાણી  રેડીને  ગંગામા ઓસરીમાં ખાટલીએ જરા  આડે પડખે થયાં ત્યાં બચુ ટપાલીનો અવાજ સંભળાયો, “લ્યો, ગંગામા, રોજ જીવ ખાતાંતાં  તી  આજ  તમારી ટપાલ લઇ  આવ્યો.

બચુ ટપાલી ખડકીમાં ઊભો હતો. હાથમાં એક  લાંબું પીળું કવર હતું. ગંગામા  ખાટલીમાં બેઠાં થયાં.

જીવતો રે, બેટાલાય  જો ઉંએટલું બોલીને કવર  હાથમાં લઇ લીધું. ટપાલી જતો રહ્યો.

ગંગામા  ખડકી વાસીને ખાટંલી ઉપર હાંફતાં બેઠાં. કવરને આમતેમ  ફેરવીને જોયું. ગામમાં સમીસાંજે એસ.ટી.ની બસમાં ટપાલની થેલી આવતી અને પછી બચુ ટપાલી એક વાર  બીટમાં નીકળતો.

રોજ શેરીમાંથી નીકળતી વખતે હાકલા  પડકારા કરવાની તેને ટેવ  હતી. ગંગા ડોસી તો ઘણી વાર તેને ટોકતાં, “મારા પીટ્યા, ગામ  આખાની ટપાલ દેતો ફરે છે તી કો દિમને દેતો હો તો?”

બચુ પણ હસીને જવાબ દેતો, “ચોક્કસ, ગંગામા, એક દિતમારો વારો આવશે.

પણ ગંગામા  જાણતાં હતાં કે  તેને  વળી કોણ કાગળ લખવા નવરું બેઠું  હતું? પોતે તો આમે કાળા અક્ષર કુહાડે માર્યાતા. પિયરમાં તો જમાનામાં વળી દીકરીને ભણાવવાની  ચિંતા કોને  હતી? દીકરી એટલે બે ટંક રોટલા ટીપી જાણે, ઘર સંભાળે અને  છોકરાં જણે….બસ, બૈરાંના  અવતારમાં બીજું કરવાનું શું હોય? નહિતર પોતે બાપની લાડકી નહોતી એમે નહોતું. ટપુ, રણછોડ, ગિરધર અને સતીશના પછી ગંગાનો જન્મ થયો ત્યારે ફઇબાએ ભીંત ઉપર કંકુના થાપા પાડ્યાતા એવું  બા  કહેતી. ગંગાથી નાનાં બે  ભાઇબહેન ઉજર્યાં નહિ તેનો ધક્કો ગંગાની બાને પહોંચ્યો અને તેનું શરીર લેવાતું  ગયું. ગંગા છેટે બેસતી થઇ પહેલાં તો તેની બા ભગવાનને ઘેર પુગી ગઇ.

આડોશપાડૉશનાં છોકરાંઓને પાટી દફતર લઇને નિશાળે જતાં જુએ કે ઘરના વાડાની  પછવાડે આવેલી ગામની ધૂડી નિશાળનાં છોકરાંઓને સવારના પહોરમાં પ્રાર્થના ગાતાં સાંભળે ત્યારે ઘડીભર ગંગાને થતું, “ બધું શું ભણાતું હશે? ભણીયેં તો શું  થાયછોડિયું ને ભણવાની છૂટ કેમ નંઇ હોય?” મગજ વિચારે ચડી જતું  ત્યાં રસોડામાં ચૂલે  ચડાવેલી ખીચડી  દાઝતી  હોવાની વાસ આવતી અને દોડીને  રાંધવા લાગતી. એમ કરતાં કરતાં તો કેટલીય દિવાળી ગઇ. ઘરમાં ભોજાઇઓ આવી. આજે પણ બધું દીવા જેવું યાદ છે. જાણે કે બધું ગઇ કાલે બન્યું હોય….

નદીને સામે  કાંઠે આવેલા ગામની નિશાળના દેવશંકર માસ્તરની શાખ સારી. હટાણું કરવા આવેલા કો ભલા માણસે એક દિબાપુને કાને વાત નાખી:છોડી માટે મૂરતિયો ગોતો ત્યારે માસ્તર પણ ધ્યાનમાં રાખવા જેવા છે.મેળ બેસી ગયો. લગન લેવાયાં. મહિયરની માયા છૂટી; પ્રેમાળ પતિની હૂંફ મળી.

દેવશંકર માસ્તરનું ઘર માંડ્યું ત્યારે ગંગા સંસારના રંગઢંગના હજુ એકડા શીખતી હતી. ધીમે ધીમે  અનુભવે તેને પીઢ બનાવી. માસ્તરને તેની માયા બહુ; માસ્તરના હાથ નીચે ભણતાં ટાબરિયાં તો તેને મા કહેતાં. શબ્દ સાંભળતાંવેંત મનોમન તેને કળાય, કેવાય એવી મીઠી મૂંઝવણ પણ થતી; “પોતે આવડી અમથી છોતાં જેવડી.. ને આટલાં બધાં છોકરાંઉની પોતે મા?” એવો વિચાર આવતાં તેનાં રૂંવાડાં  ઊભાં થઇ જતાં; તે હસી પડતી અને પોતે સાચુકલી મા બનવાનાં સ્વપ્નોમાં ખોવાઇ જતી.

પણ સુખનો ભાણ ઊગતાંની સાથે આથમી ગયો. ઉનાળાની એક કાળઝાળ બપોરે ગામના બે ચાર જુવાનિયાઓની હારે માસ્તર નદીએ  નાહવા ગયા. ધૂનાનાં ભમરિયાળાં પાણીએ તેને પોતાનામાં સમાવી લીધા.

સાથીદારોએ ઘણી મહેનત કરી. જ્યારે દેહ મળ્યો ત્યારે તેનો આતમદીવડો બુઝાઇ  ગયો હતો.

હસતા રમતા દેવશંકર નહાવા ગયા હતા અને સમી સાંજે ખડકીમાં ઊતરેલા ચહેરે  માણસોને જોયા ત્યારે ગંગા હેબતાઇ ગઇ. ઓસરીમાં સફેદ ચાદર ઓઢાડીને સુવડાવેલી લાશ  આગળ તે ક્યાંય લગી સૂનમુન બેસી રહી. મનમાં ને મનમાં તે બળાપો કાઢતી રહી: આમ હાલ્યા જાવુંતું તો મને અણહાર કરવોતો ને! તમે તો ભારે સ્વારથી નીકળ્યાએકલપંડે  ગામતરું કરતાં શરમે નો આવી?” છેવટે તેને ગળે ડૂમો ભરાઇ આવ્યો અને તે મોકળે મને રોઇ પડી.

ઘર…. ઓસરી….માસ્તરે પોતે ચણેલો તુલસીક્યારોમાળૉ પિંખાઇ ગયોહવે તો એકલી ચકલી પાંખો ફ્ફડાવીને એકલતા જીરવી રહી છે. પોતાનું કેવા દે એવું કોઇ નથી. કોની સાથે બે ઘડી  વાત કરવી? કોને ત્યાં જઇને મન હલકું કરવું? ભગવાનને ઘેર પણ શેર માટી ઓછી પડતી હોય એમ તેણે ગંગાને ખોળાનો ખૂંદનાર પણ આપ્યો.

આમ વિચારોને ઝોલે ચડી ગયેલી ગંગાની આંખમાંથી બે  આંસુ સરીને હાથેમાં પકડેલા કવર ઉપર પડ્યાં એનું તેને ઓહાણ રહ્યું નંઇ.

કોનો કાગળ હશેકોની પાહે જઇને વંચાવું?” ગંગામા મનોમન વિચારતાં હતાં ત્યાં ખડકીનું બારણું ખખડ્યું. આગળિયો ઉઘાડીને જમના દાખલ થઇ.

કેમ માડી, મોં પડી ગ્યું સે? સુવાણ નથી”? જમનાએ પૂછ્યું.

ના રે, જમની; કાંઇ નથી. બચુડો અબઘડી કાગળ આપી ગ્યો

કોનો સે?”

મારો જાણે આતો ! લે, જરા ખોલ જો ઉં ! તું તો નસીબદાર છો.. તને તો તારે બાએ ચાર ચોપડી ભણાવી છે.

વાંચ ને દીકરી..!

જમનાએ આસ્તેકથી કવર ખોલ્યું. અંદરથી સરસ અક્ષરે લખાયેલો એક નાનકડો ગુલાબી કાગળ નીકળ્યો. ગંગામા

એકીટશે જોઇ રહ્યાં.

કોણે લખ્યો  છે?” ગંગામાએ પૂછ્યું.

લખ્યો સે રઘુએજમના બોલી, “મથાળે તો  “ડો..રઘુવીર પટેલએવું નામ લખ્યું સે

રઘુનું નામ સાંભળતાંવેંત ગંગામાને  યાદ આવ્યું. રઘલો નિશાળનો   બહુ તોફાની છોકરો હતો. ગામના સરપંચનો ખોટનો દીકરો હતો, એટલે પૂરો મોઢે ચડાવેલો હતો. એક દિદેવશંકર માસ્તર નિશાળની પાછલી પછીત આગળ છૂપાઇને  તેને બીડી પીતો જોઇ ગયા હતા ત્યારે માસ્તરે ગુસ્સે થઇને ડાબા હાથની એક અડબોથ ચડાવી દીધીતી અને આખો દિબાંકડા ઉપર અંગૂઠા પકડાવીને ઊભો રાખ્યો હતો. જો કે પાછળથી સરપંચે માસ્તરને ઉધડા લઇ નાખ્યા

એટ્  અલે દેવશંકર માસ્તરે  કચવાતે હૈયે માફી માગી લીધી હતી. રઘુને મોકળું મેદાન મળી ગયું. તેણે માસ્તરને પજવવાની અનેક તરકીબ વિચારી રાકહી.

એટલામાં તો   દેવશંકર દેવ થઇ ગયા. તેમના બલિદાનથી રઘુ પસ્તાયો; તેણે મનોમન તેમની માફી માગી. ગંગાના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યો હતો.

આજે અચાનક રઘલાનો પત્ર મળતાં ગંગામા વિચારોમાં ખોવાઇ જાય સ્વાભાવિક હતું.

પૂજ્ય  બા,

ઘણાં વરસે  કાગળ લખું છું. ઓળખી તો જાશો ને? તમારા  આશીર્વાદથી હવે હું ભણીગણીને ડોકટર બની  ગયો છું. બે વરસ વિલાયત પણ જઇ આવ્યો. તમે તો જાણો છો કે  મેં તો તમને   બા ગણ્યાં છે. જનમ  આપનારી  બાનું તો મોઢું યાદ નથી આજેબે ચાર દિમાં તમને મળવા આવીશ અને તમને   મારી  હારે  તેડી જઇશ. આવશો ને?..લિખિતંગ તમારા રઘુના પાયલાગણ..

જમનાએ કાગળ પાછો આપતાં પૂછ્યું, “તી તમે જાવાનાં, માડી? ”

“  મને તો સૂઝકો નથી પડતો કે શું કરુંબચાડાએ બા ગણીને તેડાવી છે એટલે નો જાઉં તો એને  ઓછું આવે અને જાઉં તો   ખડકીને  સાચવણું  વાસવું પડે. માસ્તર પાછા થ્યા દનથી કોઇ દિસાચવણું નથી માર્યું મેં…..દલમાં ઊંડે ઊંડે એવું કળાય સે કે નો કરે નારાયણ ને કદાસ આવી સડે તો….”  ગંગામાની આંખેથી આંસુ   ટપક્યું. સાડલાની કોરથી તેણે આંખો લૂછી.

.                 “એમ કોચવાઓ મા, માડી….તમે ઇમને નારાજ નો  કરતાં…..ખડકીને સાચવણું નંઇ મારવું પડે. મારા મામાની છોડી ચંપલીની હારે હું આંઇ  થોડા દિરઇશ, એમાં  શું?” જમનાએ હસીને તોડ કાઢ્યો.  ગંગામાના મન ઉપરથી જાણે કે અધમણનો ભાર ઓછો થઇ  ગયો હોય એમ તેણેહા…….કર્યું.

ત્રીજે દિસાંજની બસમાંથી એક ફૂટડો જુવાન  ઉતર્યો. તેણે સફારી સૂટ પહેર્યો હતો; એડીવાળા બૂટ પહેર્યા હતા;

આંખો ઉપર  મોટા કાચનાં  ગોગલ્સ ચડાવ્યાં હતાં. હાથમાં બ્રિફકેસ લઇને  ઊતર્યો કે તરત સામેની રામભરોસે હિંદુ હોટેલના ઓટલે બેઠેલા કાનાએ ટપાર્યો, “કોણ, અલ્યા રઘલો કે?”

રઘુ ઘડીભર ઝંખવાઇ ગયો. શહેરી સમાજમાં ડોકટર પટેલકે રઘુવીરભાઇનું સન્માનિત સંબોધન સાંભળીને ટેવાયેલા તેના કાનમાં આવું  તોછડું સંબોધન જરા ખટક્યું. તેણે કાના તરફ તીરછી નજર કરી, સહેજ સ્મિત કર્યું અને તેના તરફ હાથ ઊંચો કરીને કશું બોલ્યા વિના માસ્તરની  ખડકી તરફ ચાલતો થયો. પાછળથી તેને કાને કોઇની ટકોર  અથડાઇ, “રૂઆબ તો જો

બેટાનો…..જાણે મોટો  ગવંડરનો દીકરો…!

ખડકી આગળ ગંગામા ઊભાં હતાં. રઘુ ઓળખી ગયો; પગે લાગ્યો. ગંગામા તેનાં દુ:ખણાં લેતાં બોલ્યાં, “ક્રોડ વરહનો થા, બેટા. મારી તો આંખ્યું ઠરી તને જોઇને….”!

રઘુ ફળિયામાં ખાટલી ઉપર બેઠો. ગંગામા સામે ઓસરીની કોરે બેઠાં. ઘડી ભર બંને એકબીજાં સામું જોઇ રહ્યાં.

ગંગામાએ રસોડામાં રોટલા ટીપી રહેલી જમનાને કહ્યું: ગગી, મેમાનને પાણીનો લોટો તો આલી જા….

શું, બા, તમે મને મેમાન ગણ્યો?” રઘુએ પૂછ્યું, પણ ગંગામા જવાબ  આપે પહેલાં શરમાળ જમના રસોડામાંથી જર્મન સિલ્વરનો લોટો ભરીને મૂકી ગઇ. જમના હતી ભલે ભીને વાન પણ તેનું શરીર ભરાવદાર અને સુડોળ હતું. તેની મોટી મારકણી આંખોમાં જાણે નેહનો દરિયો ઘૂઘવતો હતો. ઘરકામમાંથી પરવારે એટલે ગંગામાને ઘેર આવતી અને ઝીણું મોટું કામ કરી આપતી. રઘુનો કાગળ આવ્યા પછી રોજ આવીને ઝાપટઝપટ કરી જતી. આજે તેણે અંદરના અંધારિયા ઓરડામાંથી  ફળિયામાં

બેઠેલા રઘુને ચોરીછૂપીથી જોયો ત્યારે તેનું હ્રદય એકાદ થડકો  ચૂકી ગયું હોય એમ લાગ્યું. કેવા સરસ છે?” તેનાં મનનો મોરલો ટહૂકી ઊઠ્યો, “ખમ્મા મારા નણદીના વીરામન-મંદિરમાં પડઘો પડ્યો. તેણે રસોડામાં જઇને રાંધવામાં મન પરોવ્યું,, ત્યાં માડીએ

પાણી આપી જવાનું કહ્યું.

રઘુ પાણી પીતાં પીતાં વિચારોમાં ખોવાઇ ગયો…. કોણ? માસ્તરની ગગી? પણ તેમને તો સંતાન ક્યાં હતું?

જે હોય તે, પણ ઠસ્સો મારી નાખે એવો છે એમાં ના નહિ.

ગંગામાના શબ્દો સાંભળીને  તેની વિચારમાળા અટકી ગઇ, “ ઘણાં વરહે જોયો તને તો ! આંઇ તો આવડો

કીકલો હતો તંઇ ભણવા આવતોતો..

 

Posted in My Random Thoughts | Leave a Comment »