ભૂલો કરવાનો અબાધિત અધિકાર.
Posted by Madhpudo on March 20, 2009
ભૂલ કરવાનો પણ અબાધિત અધિકાર
(સૌજન્ય: દિવ્ય ભાસ્કર, 6 ઓગસ્ટ 08)
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા બધા રસ્તા પરિચિત થાય છે…
(અમિત વ્યાસ)
જિંદગી જુગાર જેવી છે. તેમાં ઘણી વાર બ્લાઇંડ રમવું પડે છે. બધાં જ પત્તાં બંધ હોવા છતાં ચાલ રમવી પડે છે. મેનેજ્મેંટની ભાષામાં તેને કેલ્ક્યુલેટેડ રિસ્ક કહે છે. ગણતરી મુજબનું જોખમ! જોખમ ખમવાં પડે છે. દરેક વખતે તદન સેફ ગેમ રમવાથી જિવાતું નથી. થોડીક જુદી રીતે વિચારીએ તો એવું કહી શકાય કે આપણે કોઇના ઉપર વિશ્વાસ
મૂકીને મોટે ભાગે જોખમ જ ઊઠાવતાં હોઇએ છીએ. બીજી એક વાત એ પણ છે કે જોખમ ઊઠાવીએ અને વિશ્વાસ મૂકીએ તો જ ગાડું આગળ ચાલે. હોડી દરિયામાં ઉતારતી વખતે નાવિકને જો દરિયા અને હવા ઉપર ભરોસો ન હોય તો એ કોઇ દિવસ દરિયામાં ઝુકાવી
ન શકે. દરેક વખતે હવા અનુકૂળ હોય જ એવું જરૂરી નથી.
જોખમ લેતી વખતે માણસ એટલું જ વિચારતો હોય છે કે વધુમાં વધુ નુકસાન શું થઇ શકે? આવું નુકસાન થાય તો આપણે સહન કરી શકીએ કે નહિ? નુકસાન સહન થાય એમ હોય તો માણસ જોખમ ઉઠાવતાં ગભરાતો નથી. મતલબ કે ભૂલ થાય તો પણ વાંધો નહિ આવે. ભૂલ થવાની આ વાત જિંદગીને પણ લાગુ પડે છે. એવો કોઇ માણસ છે કે જેણે જિંદગીમાં કોઇ દિવસ કોઇ ભૂલ જ નથી કરી? ભૂલ વિશે એવું પણ કહેવાય છે કે જેણે કોઇ ભૂલ કરી હોતી નથી તેણે મોટે ભાગે કોઇ કામ જ કર્યું હોતું નથી. ભૂલથી ડરી જઇએ તો કંઇ કામ જ ન થાય!
જ્યાં બીજી તક ન મળવાની હોય ત્યાં પહેલી તક ગુમાવવી ન જોઇએ. પ્રેકટિસ વખતે દાખલો ખોટો પડે તો વાંધો નહિ. પરીક્ષામાં દાખલો ખોટો પડે તો માર્ક કપાઇ જાય. દરેક પ્રેકટિસ પરીક્ષા માટે જ હોય છે. દરેક પ્રેકટિસ પરફેક્શન માટે હોય છે.
બને ત્યાં સુધી વડીલોની વાત માનવી કારણ કે તેઓ પાસે ભૂલ કરવાનો વધુ અનુભવ હોય છે. એ લોકોએ ઢગલાબંધ ભૂલો કરી હોય છે. વડીલેને ખબર હોય છે કે આવું ન કરાય કારણ કે તેઓ એવી ભૂલ કરવાનાં પરિણામ ભોગવી ચૂક્યા હોય છે. અલબત્ત્ તેનો મતલબ એ પણ નથી કે વડીલોની દરેક વાત માની જ લેવી. બનવાજોગ છે કે વડીલો જેમાં નિષ્ફ્ળ ગયા હોય તેમાં તમે સફળ પણ થાઓ!
તમને ભૂલ કરવાનો જે અધિકાર મળ્યો છે તે અધિકાર તમારા લોકોને પણ આપતાં અચકાઓ નહિ. ખાસ કરીને સંતાનોને ઓવર પ્રોટેક્ટ કરીને અટકાવો નહિ. કેટલીક ભૂલો એવી હોય છે કે જે કદાચ થાય તો પણ કંઇ જિંદગી હારી જવાતી નથી. ડાહ્યા લોકો તો પોતાનાં સંતાનોને ઇરાદાપૂર્વક કેટલીક ભૂલો કરવા દે છે. દરેક માણસને જન્મ સાથે જ ભૂલ કરવાનો અધિકાર મળે છે. ભૂલ કરવાનું જોખમ ઊઠાવનારો જ સફળ થાય છે. ભૂલથી ડરો નહિ.પડકાર સ્વીકારો. પડકારને પડકારો. સફળતાનો વિશ્વાસ રાખો અને કદાચ નિષ્ફળ બનો તો બીજા પ્રયાસ માટે કમર કસો… સફળતાનું સર્જન જોખમ ઊઠાવનારા માણસ માટે જ થયું છે..એવો વિશ્વાસ કેળવો કે એ માણસ હું જ છું….!
”નાનો હતો ત્યારે મારાં દસ કામમાંથી નવ કામ નિષ્ફળ નીવડતાં, પણ મારે નિષ્ફળ નીવડવું નહોતું એટલે મેં દસગણું વધારે કામ કરવા માંડ્યું…..
જ્યોર્જ બર્નાડ શો.
******