પરમ સમીપે
Posted by Madhpudo on March 20, 2009
યાત્રા-પ્રવાસ
** પરમ સમીપે
દિગંબર સ્વાદિયા
જિંદગીની જંજાળોથી માણસ કંટાળે ત્યારે તેને કુદરતનો ખોળો યાદ આવે છે; ઉન્નત ગિરિશ્રુંગો અને કલકલ વહેતાં ઝરણાં સાંભરે છે એટલે તે યાત્રા પ્રવાસે જાય છે અને ફરી તાજોમાજો થઇને સંસારનો બોજો સંભાળી લે છે. યુગોથી તે જાણે કે પરમ તત્વની ખોજમાં અહિંતહિં ભટકતો રહે છે….તેના મનમાં શ્રધ્ધાની જ્યોત ટમટમી રહી છે…તેનો માંહ્યલો પોકારે છે:
रूठे जो जिंदगी तो मना लेंगे हम,
मिले जो गम तो निभा लेंगे हम,
बस आप रहना सदा साथ हमारे,
बहते हुए आंसुओं में भी मुस्कुरा लेंगे हम !
મુંબઇની કુલીનકુમાર ટ્રાવેલ્સની બાર દિવસની યાત્રા પ્રવાસની સ્પેશિયલ ટ્રેનની વિગતો વાંચીને અમે તેનો લાભ લેવાનું નક્કી કર્યું. 8 ઓગસ્ટની રાતે અગિયાર કલાકે છત્રપતિ શિવાજી ટર્મિનસ (વી.ટી.) થી ગાડી ઉપડશે એમ કહેવામાં આવ્યું. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ એંજિનને આવતાં બે કલાક મોડું થયું એટલે ગાડી દોઢ વાગે ઉપડી.
અમારી સીટ બે નંબરના કોચમાં હતી. આજથી બાર દિવસ માટે એ કંપાર્ટૅઁ મેંટ જ અમારું ઘર બની જવાનું હતું. અમને પાગરણ આપવામાં આવ્યું હતું. જમવાની સગવડ પણ ટ્રેનમાં જ કરવામાં આવી હતી. અમારા સહ-પ્રવાસી તરીકે શ્રી પ્રતાપ રાઠોડ નામના રાજસ્થાની યુવાન હતા. તેઓ પોતાની પત્ની સંતોષકુંવર અને પાંચ નરસની રમતિયાળ પુત્રી પ્રાચી સાથે હતા. સ્વભાવ મિલનસાર અને સેવાભાવી હતો. અમને તેઓની ખૂબ ઓથ રહી. અમે પ્રાચીનાં દાદા-દાદી બની ગયાં.
સવારે અગિયારેક વાગે પાંચ મિનિટ માટે ગાડી વડોદરા થોભી ત્યારે સ્વજન સમાં બેન જાગ્રુતિ ત્રિવેદીને
મોબાઇલ ઉપર જાણ કરી. તેઓ ખુશ થયાં પણ સમયના અભાવે નહિ મળી શકવા બદલ દુખ પણ થયું.
અમારો પ્રથમ પડાવ મથુરા વ્રુંદાવનમાં હતો. મનમાં હતું કે ભગવાન શ્રીક્રુષ્ણનાં જીવન સાથે સંકળાયેલી એ તીર્થભૂમિ મનમાં કેવા કેવા ભાવ જગાડશે? વ્રુંદાવનના ભુર્જા રોડ પરના ચૈતન્ય વિહારમાં આવેલી રાધા માધવ દિવ્ય દેશ નામની આલિશાન ધર્મશાળામાં અમારો ઉતારો હતો. નહાઇને ખાસ બસમાં દેવદર્શને જવા રવાના થયા.
વ્રુંદાવનની સાંકડી ગલીઓ, અસંખ્ય ખાડા ટેકરા, વરસાદને લીધે કાદવ કીચડ અને નિરંકૂશ ટ્રાફિક વચ્ચે અમારી બસ સમયનાં બંધન વિસરીને પોરો ખાતી જતી હતી. પરિણામે બાર વાગે બંધ થઇ જતાં તમામ મંદિરોમાં અમે લાલાને બદલે તેનાં બંધ કમાડનાં દર્શન કરીને સંતોષ માન્યો. આવાં તીર્થસ્થળોમાં ગાઇડની સેવા આપતા લોકોને પોતાની દક્ષિણામાં વધારે રસ હોય છે એમ વધુ એક વાર સાબિત થયું.
આમ ભગવાન માટે મનમાં થોડો અસંતોષ લઇને અમારો કાફલો ઉતારે પાછો ફર્યો. ભોજન અને વિરામ બાદ યમુના સ્નાન કરવાની કેટલાક મિત્રોંની ઇચ્છા હોવાથી પાછા ઉપડ્યા. અમે બસ અમુક સ્થાને રાખી અને જેઓને સ્નાન માટે જવું હતું તેઓ ગયા. બાકીના અમે વાટ જોતા બેસી રહ્યા ત્યારે મોડી સાંજનાં અંધારાંનો લાભ લઇને એક દારુડિયો બસમાં ઘૂસી ગયો. અમે સાથે મળીને તેને ઉતારી મૂક્યો. લાલાની નગરીમાં અમે રાત વીતાવી. સવારના પહોરમાં અમારે ગોકુળ જવાનું હતું.
દસમીની સવારે ત્યાં પહોંચ્યા ત્યારે વાતાવરણમાં રાધા અને ક્રુષ્ણ પ્રત્યેનો ભક્તિભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યો. સહુનાં મુખમાં રાધે રાધે અને રાધે ક્રુષ્ણનાં નામનો ગુંજારવ સાંભળવા મળ્યો. રસ્તે નીકળતા
સાયકલ રીક્ષાવાળા પણ ઘંટડી વગાડવાને બદલે ભીડમાંથી માર્ગ કાઢવા “રાધે રાધે” નો જપ કરતા જતા હતા.
ગોકુળનો ગાઇડ જરા સમજુ હતો. યમુનાના બ્રહ્મ ઘાટ ઉપર તેમના કોઇ સાથીએ એ સ્થળનો મહિમા સમજાવ્યો; કદંબનું ઝાડ બતાવ્યું જેના ઉપરથી કાનુડાએ યમુનામાં કૂદીને કાળીનાગને નાથ્યો હતો. પ્રસાદીરૂપે એ ધરતીની રજની ચપટી બધાને મળી. સહુએ યથાશક્તિ તેમને દક્ષિણા આપી. બીજાં ત્રણચાર મંદિરો જોઇને અમે “રમણ રેતી” જોવા ગયાં. બ્રાહ્મણો લોકોને નીચે બેસાડી, થોડું સમજાવીને લાફિંગ ક્લબની જેમ મોટેથી હસવાનું અને પછી ત્યાંની રજ જેવી રેતીમાં છૂટથી આળોટવાનું કહેતા. અમે જોયું. કંઇ કર્યું નહિ. પાછા ફર્યા.
હવે અમારે નંદ ભવન જોવા જવાનું હતું. લાલાના જન્મ પછી વાસુદેવજી તેને નંદ બાવાને ત્યાં સોંપી ગયા હતા એ ભવન આમ તો હવે સરકાર હસ્તક હતું એવું લખાણ ત્યાં વાંચવા મળ્યું. મને પંદરેક વરસો પહેલાં પુરી નજીકનાં સાક્ષી ગોપાલનાં મંદિરે થયેલો અનુભવ યાદ આવી ગયો. ત્યાંના ગાઇડે અમને સમજાવ્યું હતું કે આ મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવાથી કોઇ જાતનો ચાર્જ લેવાતો નથી અને છતાં ત્યાંના પંડિતોએ ભક્તોનાં ખિસ્સાં ખંખેરવાની યુક્તિઓ શોધી રાખી હતી. નંદ ભવનમાં પણ એવી જ કંઇક વ્યવસ્થા હતી. શબ્દોની માયાજાળમાં ભક્તોની આસ્થા અટવાઇ જતી જોવા મળી. ભક્તિના એજંટો પોતાનાં ગજવાં ગરમ કરતા રહ્યા. લોકો ભોળવાતા રહ્યા…ભગવાન નિ:સહાય બનીને જોતા રહ્યા. ભોજન લીધા પછી અમારી ગાડી આગ્રા જવાની હતી. તાજમહાલ જોવા ગયા.
તાજમહાલને દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન મળ્યું છે. સફેદ સંગેમરમરનાં કાવ્ય સમી એ ઇમારતને હવે આસપાસના ઉદ્યોગોનાં પ્રદૂષણની માઠી અસર થતી જાય છે. પાંચેક દાયકા પહેલાં મેં અને કલ્પનાએ
પૂનમની રાતે તેનું સૌન્દર્ય માણ્યું હતું. આજે તેને પણ અવસ્થા આવતી જતી હોય એવું લાગ્યું. અંદર ભૂગર્ભમાં રહેલી મૂળ મઝાર સુધી જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકો માટે તેની ઉપરના ભાગમાં તેની પ્રતિક્રુતિ બનાવી દેવામાં આવી છે. બાદશાહ સલામતને દુઆ-સલામ કરીને અમે આગ્રા છાવણી
સ્ટેશને પહોંચ્યા ત્યારે અમારી ગાડી આવી ગઇ હતી.
આખી રાતના પ્રવાસ પછી સવારે ગાડી નવી દિલ્હીના સફદરજંગ સ્ટેશનના યાર્ડમાં થાક ઉતારી રહી હતી ત્યારે અમારે અક્ષરધામ જોવા તૈયાર થવાનું હતું.
અક્ષરધામ….ભારતીય કલા, ચિંતન અને મૂલ્યોનું એક અનુપમ સાંસ્ક્રુતિક પરિસર…ભગવાન સ્વામિનારાયણ
(1781-1830)ને સમર્પિત આ સમયાતીત સર્જન છે. એક સો એકર જમીનના વિશાળ વિસ્તારમાં ફેલાયેલાં એ
ભવ્ય મંદિર પરિસરનું નિર્માણ ફ્ક્ત પાંચ વર્ષમાં પૂરું થયું છે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં કેમેરા, મોબાઇલ,પર્સ વગેરે ક્લોક રૂમમાં જમા કરાવવાં પડે છે. સમગ્ર પરિસરમાં વ્યવસ્થા સંભાળતા મોટા ભાગના સ્વયંસેવકો
ગુજરાતી હતા. મુખ્ય મંદિરનાં દર્શન સવારના નવ થી સાંજના સાત સુધી થઇ શકે છે અને તેને માટે કશું શુલ્ક નથી પણ પ્રદર્શન જોવાનો સમય સવારના નવથી સાંજે છ સુધી હોય છે અને તેને માટે પ્રવેશ ફી
આપવી પડે છે. સીનિયર સીટીઝનોને ફીમાં થોડું વળતર અપાય છે. સંગીતમય ફુવારા જોવા હોય તો સાંજે
પોણા સાતે તેની ખાસ ટિકિટ લઇને રોકાવું પડે છે. ઉપાહાર ગ્રુહોની સેવા પ્રશંસનીય છે. દર્શનાર્થીઓએ અસભ્ય પહેરવેશ પહેર્યો હોય અથવા પાળેલાં પ્રાણીઓ સાથે લાવ્યા હોય તો તેઓને પ્રવેશવાની મનાઇ છે.
દર સોમવારે અક્ષરધામ બંધ રહે છે.
મંદિરનાં દશ દ્વાર દિશાઓનાં પ્રતીક સમાન છે, જે વૈદિક શુભ કામના દર્શાવે છે : “સમગ્ર બ્રહ્માંડમાં જે કંઇ પણ માંગલિક છે, દિવ્ય છે. તે દશે દિશાઓમાંથી અમારી તરફ પ્રવાહિત થાઓ અને અમારાં હ્રદયનાં શુભ
તત્ત્વોનો દરેક દિશાઓમાં મંગલ વિસ્તાર થાઓ.”
ભારતીય શૈલીનાં પરંપરાગત ભક્તિ દ્વાર પણ પ્રેરક છે.મયૂર દ્વાર સૌન્દર્ય, સંયમ અને પવિત્રતાનાં પ્રતીક એવા આપણાં રાષ્ટ્રીય પક્ષી મોરનું સ્મરણ કરાવે છે.
ગુલાબી પત્થર અને શ્વેત સંગેમરમરથી બનેલાં મુખ્ય મંદિરમાં 234 કલામંડિત સ્તંભ, નવ કલામય ઘુમ્મટ, વીસ ચતુષ્કોણ શિખર અને વીસ હજારથી ય વધુ શિલ્પો છે.તેની ઊંચાઇ 141 ફૂટ,પહોળાઇ 316 ફૂટ અને લંબાઇ 356 ફૂટ છે. તેમાં ક્યાંય લોખંડ વપરાયું નથી.
તેની મધ્યમાં ભગવાન સ્વામિનારાયણની પંચધાતુની બનાવેલી સ્વર્ણજડિત અગિયાર ફૂટ ઊંચી મનોહર મૂર્તિ છે. આ ઉપરાંત, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, સીતા-રામ,રાધા-ક્રુષ્ણ અને શ્રી મહાદેવજી-પાર્વતીની મૂર્તિઓ પણ સુંદર છે.
અક્ષરધામનું મુખ્ય આકર્ષણ તેના ત્રણ વિશાળ ખંડો છે. પ્રથમ ખંડમાં રોબોટિક્સ,એનિમેટ્રોનિક્સ, ધ્વનિ-પ્રકાશ વગેરે આધુનિક પધ્ધતિઓ દ્વારા દર્શાવાયેલાં શ્રધ્ધા,અહિંસા,કરુણા, શાંતિ જેવાં સનાતન મૂલ્યો
અને તેમાં છૂપાયેલા સંદેશ સરસ છે. તેમાં ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગો વણી લેવામાં આવ્યા છે.
નીલકંઠ દર્શન નામના બીજા ખંડમાં બાલયોગી નીલકંઠે કરેલી બાર હજાર કિલોમીટરની ભારત યાત્રાનું ફિલ્માંકન વિશાળ પરદા ઉપર મનમોહક લાગે છે. સત્ય ઘટના ઉપર આધારિત એ ફિલ્મમાં દેશનાં તીર્થો, ઉત્સવો, સાંસ્ક્રુતિક પરંપરાઓ ની ઝલક જોવા મળે છે.
સંસ્ક્રુતિ વિહાર નામના ત્રીજા ખંડમાં આપણી દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્ક્રુતિની ઝાંખી નૌકા વિહાર કરાવીને પ્રસ્તુત કરવામાં આવી છે. આઠ સો જીવંત લાગે એવી પ્રતિમાઓ અતીતને જાણે કે સાકાર કરે છે.
વિશ્વની સર્વપ્રથમ યુનિવર્સિટી તક્ષશીલા, સુશ્રુત ની પ્રાચીન હોસ્પિટલ, વગેરેનું દર્શન દર્શકોને ભાવ વિભોર કર્યા વિના રહેતું નથી.
અક્ષરધામ હાટમાં વિવિધ ભાષાઓનું પ્રેરક ધાર્મિક સાહિત્ય, અને યાદગાર ચીજવસ્તુઓ વેચાય છે. સુંદર
ઉપાહાર ગ્રુહમાં દર્શકો પોતાને ક્ષુધા શાંત કરી શકે છે.
સંગીતમય ફુવારા સાંજે જોઇ શકાય છે પણ તેને માટે અલગ ટિકિટ લેવી પડે છે.
એકંદરે આ રળિયામણું તીર્થધામ જોઇ અમે જમ્મુ તરફ આગળ વધવા સ્ટેશને પાછા ફર્યા. જમ્મુમાં અશાંતિ હતી એટલે કાર્યક્રમમાં કદાચ ફેરફાર થાય એવી શક્યતા હતી. આમ છતાં, અર્ધી રાતે બે વાગે ગાડી જમ્મુ પહોંચી ત્યારે આખું શહેર તો કરફ્યુ ઓઢીને જંપી ગયું હતું. સ્ટેશનની બહાર ત્રણ બસ અમારી રાહ જોતી હતી. અમે બાયપાસ દ્વારા કટરા તરફ ગયા. કટરાથી પાંચેક કિલોમીટર એક પોલિસ તપાસ ચોકી બનાવવામાં આવી હતી ત્યાં અમારી બસ રોકવામાં આવી. તમામ પુરુષોને ઉતરીને પોલિસ તપાસ માટે જવાનું કહેવામાં આવ્યું અને મહિલાઓને બસમાં બેસી રહેવાનું કહ્યું. પોલિસે બસની અંદરથી પણ પૂરી તપાસ કરી લીધી પછી જ બધાને આગળ જવા દેવામાં આવ્યા.
શ્રી વૈષ્ણવ દેવી શ્રાઇન બોર્ડની આ સુસજ્જ ધર્મશાળામાં અમે પ્રાત: વિધિ પતાવી. જે લોકો પહાડ ચડીને દર્શન કરવા જવાના હતા એ લોકો રવાના થવા લાગ્યા. પહાડમાં તોફાની વરસાદ દેખાતો હતો. અમે અગાઉ બે ત્રણ વાર દર્શને જઇ આવ્યા હતા એટલે અમે નીચે જ રોકાઇ ગયા. સહુ મોડી સાંજે થાક્યા પાક્યા પાછા ફર્યા. એક બહેન લપસી જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં અને તેમને વિમાનમાં મુંબઇ પહોંચાડવામાં આવ્યાં.
હવે અમારો કાફલો અમુતસર જવાનો હતો. ત્યાં સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ અને વાઘા સરહદ જોવા જવાનો પ્રોગ્રામ હતો. અમે એ ત્રણે ય સ્થળો જોયાં. સુવર્ણ મંદિરમાં તો ભક્તિ હિલોળે ચઢી હોય એમ લાગતું હતું. જલિયાવાલા બાગમાં સ્વાતંત્ર્ય સંગ્રામના અનામી શહીદોને શ્રધ્ધાંજલિ આપી. વાઘા સરહદે ભારત અને
પાકિસ્તાનના સૈનિકોને સરહદની રખેવાળી કરતા અને નિત્ય ક્રમ મુજબ પોતાના રાષ્ટ્રધ્વજો વિધિપૂર્વક ઉતારતા જોયા. સમગ્રા વાતાવરણમાં અજબ પ્રકારનો ઉશ્કેરાટ જોઇ શકાતો હતો.
હવે અમારી યાત્રાના અંતિમ પડાવ સમા હરિદ્વાર ઋષિકેશ અને મસૂરી બાકી રહ્યા હતા. અમારા માટે જો કે એ સ્થળૉ અજાણ્યાં નહોતાં. હર કી પૌડી ઉપર ગંગા માતાની આરતી ઐતિહાસિક ઘટના ગણાય છે. હજારોની સંખ્યામાં લોકો પાનના પડિયામાં ફૂલોના ઢગલા વચ્ચે દીવાની વાટ પ્રગટાવીને તેને નદીના ધસમસતા પ્રવાહમાં તરતા મૂકતા હોય છે અને એ જ્યોત નાચતી કૂદતી અદીઠ કાળ પ્રવાહમાં સમાઇ જતી હોય છે.
સવારે મસૂરી ગયા. પર્વતોની મહારાણીનું તેને બિરુદ મળ્યું છે. અત્યંત ઊંચાઇ પર સંતાકૂકડી રમતાં વાદળૉ અને ઊંચા પહાડોની ગોદમાંથી જાણે દાદાના ખોળામાંથી છટકીને રમવા માટે ભાગતી બાલિકા જેવાં ઝરણાં જોવાની ભારે મજા આવી.
આમ જોતજોતામાં વીસમી તારીખ આવી ગઇ અને અમારે આજે વી.ટી. ઉતરવાનો સમય થઇ ગયો હતો.
અનેક સંસ્મરણો હૈયે સંઘરીને અમે પાછાં આવી ગયાં == મહાનગરની માયામાં ફરી લપેટાઇ જવા….
ઇશરનું વિવિધ સ્વરૂપે દર્શન કરીને….પરમ સમીપે જવાની ફરીથી તક મળે ત્યારે જવાના સંકલ્પ સાથે….
(** શિર્ષક સૌજન્ય: કુન્દનિકા કાપડિયા).
________________