Posted by Madhpudo on February 1, 2009

ગો ઠ ડી
દિગંબર સ્વાદિયા
ગોઠડી એ માણસની સ્વભાવગત ખાસિયત છે. કોઇ વાર સ્વસ્થ ચિત્તે વિચારશો તો ગોઠડી આપણા જીવનમાં કેવી વ્યાપક રીતે છવાઇ ગઇ છે એનો ખ્યાલ આવશે.કોડીલી માતા અનેક સ્વપ્નોમાં રાચીને ગર્ભસ્થ શિશુ સાથે છૂપો સંવાદ કરે છે એ ઘટનાને ગોઠડીની જન્મદાત્રી કહી શકાય?
નવજાત શિશુને રમાડતાં કે ઉછાળીને તેની સાથે કાલીઘેલી ભાષામાં બોલતી મા કે સ્વજનો તેને કહે છે, “બોલ, મ….મ્મી..” બાળક એ ફરમાઇશ હસી કાઢે છે
ત્યાર પછીના વિદ્યાર્થી કાળમાં તેની ક્ષિતિજ ઘરની ચાર દિવાલોથી વિસ્તરીને શેરી મહોલ્લા કે શાળા સુધી વધે છે. સમવયસ્ક મિત્રો કે સહિયરો સાથે સમાન રુચીના વિષયો, અભ્યાસ, પરીક્ષા, વેકેશન, પ્રવાસ પર્યટન, મનપસંદ ફિલ્મો અને હીરો-હીરોઇનોને કેન્દ્રસ્થ રાખીને ગોઠડી થતી રહે છે. તેમાં એકબીજા સાથે રિસામણાં-મનામણાં પણ થતાં રહે છે ત્યારે ગોઠડીનું સ્વરૂપ ક્યારેક બદલાતું રહે છે
સમયના ક્રમ મુજબ, કિશોરાવસ્થા વટાવીને તેને જ્યારે યૌવનની પાંખો ફૂટે છે ત્યારે તેનું મનોજગત ધરમૂળથી બદલાઇ જાય છે. અસીમ આકાશ પણ તેની ઉડાન માટે નાનું પડે છે. મનનાં મંદિરમાં કોઇ સ્વપ્નમૂર્તિ બિરાજે છે અને મન તેની સાથે અકળ ગોઠડી કરવા માંડે છે. નસીબ સાથ આપે તો એ પ્રણય-બંધન જીવનભરનું અતૂટ બંધન બની રહે છે, નહિતર પ્રિય પાત્રને યાદ કરીને મન ઝૂર્યા કરે છે; જીવનમાં ઉદાસીનતા છવાઇ જાય છે; પોતાના ભાગ્યને દોષ આપીને તે મનોમન ગોઠડી કરે છે, અથવા ભગવાનની માનતા માને છે. એ દરેક પ્રસંગે તેનું ગોઠડી તંત્ર સક્રિય હોય છે.
ત્યાર પછી સંસારની ઘટમાળ આરંભાય. દાંપત્ય જીવનમાં ગોઠડી અવનવા વાઘા સજતી રહે છે.
મિત્રો અને સહિયરો સાથે પોતાના જીવનસાથીના ગમા-અણગમાની, સંતાનોની અને સાંસારિક જીવનની અનેક કડવી-મીઠી ગોઠડીનું સર્જન-વિસર્જન ચાલતું રહે છે. એમાં સગાં-સંબંધીઓ સાથેના
સામાજિક તેમજ વ્યવહારુ સારા-માઠા પ્રસંગોની ગોઠડીના સરવાળા-બાદબાકી પણ ચાલતા રહે છે.
એ જ તબક્કાની સાથોસાથ સ્ત્રી-પુરુષના વ્યાવસાયિક સંબંધો અને કારકિર્દીનું પણ ઘડતર થતું હોય છે અને તેને લગતી વાતચીત ગોઠડીનું કેન્દ્ર બની જાય છે. નોકરી કેવી છે, પગાર કેટલો છે,
ઓફિસનું વાતાવરણ કેવું છે, પ્રમોશનના ચાંસ છે કે નહિ, બિઝનેશનું ટર્નઓવર શું છે, વિદેશમાં
ઠરીઠામ થવાનો યોગ છે કે નહિ વગેરે જાત જાતના આનુષંગિક પ્રશ્નોની હારમાળા સર્જાતી જાય છે.
હવે પાકટ જીવનની અવસ્થા આવી.”જિંદગીભર ઢસરડો કર્યો..હવે બસ પ્રભુનું ભજન કરવું છે” એમ મન ટહૂકો કરે છે પણ ત્યાં સુધીમાં “મૂડીનું વ્યાજ” રમાડવા માનવ-સહજ નબળાઇ આગળ મન ઝૂકી જાય છે. દાદા-દાદીની ભૂમિકા ભજવતાં ફરી બાળપણમાં ખોવાઇ જવા મન થનગની ઊઠે
છે. પૌત્ર કે પૌત્રી સાથે કાલીઘેલી ભાષામાં સંવાદ શરૂ થાય છે ; તેને પીઠ ઉપર બેસાડીને પોતે ઘોડાની માફક ચાર પગે ચાલે અને “ચલ ઘોડા તબડક તબડક” એમ સ્વગત બોલીને બાળકનું મનોરંજન કરવામાં તેને પરમ સુખ પ્રાપ્ત કર્યાનો અનુભવ થાય છે
જીવનના એ જ પડાવમાં પુત્ર અને પુત્રવધૂ પોતાના જિદી ખ્યાલો કે ગેરસમજને કારણે જીવન-
સંધ્યાએ પહોંચેલાં માવતરને ઘરડાં ઘર કે વ્રુધ્ધાશ્રમનો રસ્તો ચીંધે ત્યારે ગોઠડી ડુસકાં લેતી હોય છે. એવા વ્રુધ્ધાશ્રમને ઓટલે કે હિંચકે સમી સાંજે જીવનયાત્રાના પ્રસંગો વાગોળતાં સ્ત્રી-પુરુષોની
આંખોમાં જાણે દુનિયાભરના રસાતાળ ગયેલા કૂવાનાં અંધારાં ડોકાતાં હોય છે અને રાતે પાણીએ
રોવડાવીને તજી ગયેલાં સંતાણીનોનું સ્વપ્ને ય અમંગળ નહિ ઇચ્છવાનો સંકલ્પ જોવા મળે છે.”દીકરા
વહુ તો લાખ રુપિયાનાં છે, કાકા, પણ શહેરોમાં ઘર નાનાં એટલે ઘરમાં માવતર હોય તો એ બચાડાંને ન ફાવે ને? એટલે અમે આંઇ આવી ગયાં….”બોલનારની કોરી આંખોને ખૂણે ડોકિયાં કરતું અશ્રુબિંદુ ગોઠડીને ભીંજવી જાય છે.
આમ ગોઠડીને આધારે પારણાંથી આરંભાયેલી ચિતા સુધીની યાત્રા દરમિયાન ગોઠડી અવનવાં રૂપ ધારણ કરતી રહે છે પણ નરસિંહ મહેતાએ ગાયું છે એમ, “ઘાટ ઘડિયા પછી નામરૂપ
જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે”…આથી સમય અને સંજોગો પ્રમાણે ગોઠડી ભલે સંવાદ, ચર્ચા, દલીલ્, પ્રવચન કે પતિ-પત્ની વચ્ચેની અંતરંગ પળૉનાં રૂપ લેતી રહે, અંતે તો એ ગોઠડી જ રહે છે…કારણ કે ગોઠડી કાળજયી છે…ગોઠડી અજર અમર છે…ગોઠડી સર્વોપરિ છે……
*******************************************************************************************************