મધપુડૉ

એક ગુજરાતી બ્લોગ નો પ્રયાસ-દિગંબર સ્વાદિયા

સિંદૂરની સાક્ષીએ

Posted by Madhpudo on May 31, 2008

            સિંદૂરની  સાક્ષીએ….                                                       -દિગંબર  સ્વાદિયા.
  પરીક્ષિતબાબુ રિટાયર  થયા. નવી  દિલ્હીના એક  ધમધમતા વિસ્તારમાં બેઠા  ઘાટના  એક  મકાનમાં તેઓ પત્ની  મીરાં  અને  પુત્રી  નંદિની  સાથે રહેતા  હતા. તેમની  ઇચ્છા  હતી  કે  થોડા  દિવસમાં નંદિનીને  લાયક કોઇ સારાં  વરઘર મળી  જાય  તો તેને  સાસરે  વળાવીને વતનમાં ઠરીઠામ  થઇને  રહેવું. તેમના ચોગાનમાં  એક  નાનો બ્લોક  બનેલો હતો. એ જો ભાડે  આપ્યો હોય  તો થોડી  આવક  પણ  થાય એવી  તેમની  ગણતરી  હતી. એ માટે તેઓએ  સ્થાનિક  અખબારમાં  જાહેર  ખબર  પણ  આપી હતી.    એ  વાંચીને જ એક દિવસ સાધારણ  દેખાતું  એક  દંપતી મકાન  જોવા  આવ્યું. બધી  વાત  કરી. શેખર  અને  દામિનીને મકાન  ગમ્યું. દર  મહિને પાંચ સો  રૂપિયાનું  ભાડું  નક્કી થયું. બે  દિવસ  પછી  એ  લોકો રહેવા  પણ આવી  ગયાં. મીરાંને  દામિનીનો સ્વભાવ સારો લાગ્યો.
   એક પ્રતિષ્ઠિત  કંપનીમાં  નોકરીએ  જતી  નંદિનીને જો કે આ વાત  ગમી નહોતી અને  તેણે મા-બાપ  સાથે દલીલ પણ  કરી  જોઇ:”શું જરૂર  હતી બહારની  કોઇ પણ  વ્યક્તિને  આપણાં  આંગણાંમાં  આવવા દેવાની?” માએ તેને  શાંત  પાડતાં કહ્યું: “તારે  અક્ળાવાની  જરૂર  નથી. માણસો સારા લાગે  છે.  આપણને  ઓથ  રહેશે.”   “અને  કાલે  સવારે  આપણે  વતનમાં  જવું  પડે તો પણ  ઘર  રેઢું  ન  રહે  ને?” પરીક્ષિતબાબુએ કહ્યું. નંદિની  ચૂપ રહી. ધીમે  ધીમે તેને પણ  દામિની  સાથે  સખીપણાં  થઇ ગયાં. શેખર  થોડો અતડો રહેતો . કોક વાર દામિનીનો ચહેરો પડી ગયેલો જોઇને નંદિની  તેને  પૂછતી:” શું  છે, ભાભી, તબિયત  સારી  નથી?”    દામિની  જવાબ  ટાળતી પણ  તેની  ચહેરાની  ગ્લાનિ જોઇને નંદિની  સમજી ગઇ કે  દામિની  જરૂર  કંઇક  છૂપાવે  છે. છેવટે  તેના  અતિશય આગ્રહ  આગળ  દામિની ઝૂકી  પડી.  તેણે  કહ્યું, “તમારા  ભાઇ  આજકાલ બહુ  મોડા  આવે  છે  અને  છાંટોપાણી  કરીને  આવે  છે  એટલે અમારે થોડી રકઝક  થાય  છે.”     “ઓહો, તો એમ  વાત  છે? બોલો, હું  તેને સમજાવું?” નંદિનીએ પૂછ્યું.     “ના, એનું  કાંઇ ઠેકાણું  નહિ.. ક્યાંક  તમારું  અપમાન  કરી  બેસે તો મારે તો મરવા  જેવું  થાય.”     “એની  તમે  ફિકર  કરો મા…આજે  આવવા  દો..”     શેખરને  આરામથી  સમજાવી  જોયો. એ તો સામો વિફર્યો. “”એ ય છોકરી, તારે એમાં  ડબડબ  કરવાની  જરૂર  નથી, સમજી?”     મીરાંને  તેની  આવી  રીત  ગમી  નહિ. તેણે  આસ્તેકથી  કહ્યું, “બેટા, એમાં તને  શું  ખાટુંમોળું  કહી  નાખ્યું?  દારૂથી  શરીર  ખરાબ થાય ને?”
    “ડોસલી, તું  પણ  તેને  ગાડે  બેસી ગઇ?  દામિનીએ જ ચડાવી  લાગે છે.”
   “ના, ભાભી શું  કામ  કહે?  અમે  જોઇ શકતાં  નથી?” નંદિનીએ કહ્યું.    “જો બેટા,” મીરાં  સમજાવતાં  બોલી, “નંદિનીના  બાપુજીને હજુ  એની ખબર પડે  એ  પહેલાં એમ  કરો..તમે  લોકો બીજે મકાન  ગોતી  લો..”    શેખર  એ  વાત  સાંભળીને  ખૂબ  તપી  ગયો. તેણે  મીરાંને  જવાબ  આપ્યો, “બીજે  રહેવા  જાઉં, એમ? તો મારી  એક  વાત  સાંભળી લે, ડોસી… આ  તારા  કપાળનું  સિંદૂર  ભૂંસાશે ને  ત્યારે હું ખાલી  કરીને  જઇશ…”     મા-દીકરી  હેબતાઇ જ ગયાં. શરાબી  માણસ  આટલો હલકટ  બની શકે એ વાત તેઓના  માન્યામાં  આવતી  નહોતી. સંજોગોવશાત તેઓ ત્રણેયને કોઇ કૌટુંબિક  કામે વતનમાં  જવાનું  થયું.
    વતનમાં  અચાનક  પરીક્ષિતબાબુની  તબિયત  લથડી. ડોકટરોની સારવાર  મળી  પણ તેમને  બચાવી  શકાયા  નહિ.  મા-દીકરી ઉપર જાણે કે આભ  તૂટી  પડ્યું.  જરૂરી  ક્રિયાકર્મ  પતાવીને  તેઓ દિલ્હી  પાછાં  આવ્યાં. દામિનીને  ખબર  પડી ત્યારે તેને પણ  થયું  કે  કેવાં કાળ  ચોઘડિયે શેખરે વેણ ઉચાર્યાં  હશે? તેને  બહુ દુ:ખ  થયું. શેખર કંઇ  બોલ્યો  નહિ.      દસ પંદર  દિવસ  પછી  એક  દિવસ  અડધી  રાતે  નંદિનીના  ઘરનું બારણું  કોઇએ  ખટખટાવ્યું. મા-દીકરી  સફાળાં  જાગી  ગયાં. નંદિનીએ બારીમાંથી જોયું  તો દામિની હતી. બારણું  ખોલ્યું. તેને  ચિતાતુર અવસ્થામાં જોઇને  નંદિનીએ પૂછ્યું, “શું  થયું, ભાભી?  શેખર  નથી  આવ્યો હજુ”      “આવી તો ગયા  છે  પણ તાવમાં  પટકાયા  છે. કંઇક  લવારો  કર્યા કરે છે. મને  ખબર  પડતી  નથી..માની  સલાહ  લેવા  આવી  છું”.      “મા  શું  કરવાનાં  હતાં? દવા પાઇ દ્યો..સૂઇ જશે.”      મીરાંએ  તુરત  તેને  કહ્યું, “ચાલ, હું  આવું  છું…નંદુ, તું રૂમ બંધ કરીને આરામથી  સૂઇ જા..હું  આવીશ ત્યારે જગાડીશ.”      “પણ, મા..”નંદિનીને  માના  નિર્ણય  ઉપર ગુસ્સો  આવ્યો…     “જે  થયું  એ  બધું અત્યારે  યાદ  કરવાનો સમય  નથી…અત્યારે તો મારી આ  બીજી  દીકરીના  ચૂડી અને  ચાંદલાનો સવાલ  છે…ચાલ, બેટા, “ કહીને મા દામિની  સાથે શેખરની  સારવાર  માટે  ગયાં. નંદિની સમસમીને  બેઠી  રહી.     મીરાંની  સૂચના  મુજબ  દામિનીએ  પોતાં  મૂકવાં  શરુ કર્યાં. મીરાં પોતે તેનાં  માથાં ઉપર  પ્રેમથી  હાથ  ફેરવીને  ગાયત્રી  જાપ કરવા  લાગી. ધીમે ધીમે  શેખરને  આરામ લાગવા  માંડ્યો એટલે તેને ઊંઘ  આવી ગઇ. દામિની માનાં  વાત્સલ્ય  આગળ  નમી  પડી. બીજે  દિવસે  શેખરને  બધી  વાતની જાણ  થઇ ત્યારે તે મીરાંને  ચરણે  પડીને  ખૂબ  રડ્યો  અને  પોતાનાં અમંગળ  વચનો બદલ  માફી  માગી.
    મીરાંએ  કહયું, “બેટા  શેખર, થવા  કાળ  થઇ ગયું. આપણે તો ઉપરવાળાના  હાથનાં  રમકડાં  છીએ. તું  નાહકનો કોચવાઇશ નહિ.” 
   ત્યાર  પછી તો શેખરે  સગા  દીકરાની  જેમ  ફરજ  બજાવીને મા- દીકરીની  સેવા  કરી  અને  નંદિની માટે  સારાં  માગાં  આવ્યાં  ત્યારે તેને ધામધૂમથી  પરણાવી.     જેનાં  કવેણથી  પોતાનું  સૌભાગ્ય  નંદવાયું  હતું  તેના  જીવન-મરણની ઘડીએ  બધું  ભૂલી  જઇને  પોતાનું  કર્તવ્ય  નિભાવનારી  એ માતા કે  નંદિની પણ  હવે  હયાત  નથી પણ  તેઓની  આવી  ક્ષમાપનાનો પ્રસંગ આજે પણ  તેમનાં  પરિવારજનો  ભૂલ્યાં  નથી.

 

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>